પતંગ પકડવા જતાં ગોબરના ખાડામાં પડ્યો, જીવ ગયો

15 January, 2021 07:49 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

પતંગ પકડવા જતાં ગોબરના ખાડામાં પડ્યો, જીવ ગયો

અત્યારે અમારી પ્રાથમિક તપાસ ચાલુ છે. આ ઘટનામાં બચી ગયેલા શખસનું અમે સ્ટેટમેન્ટ નોંધ્યું છે. - વૈભવ પવાર, ઇન્સ્પેક્ટર, કાંદિવલી પોલીસ-સ્ટેશન

કાંદિવલીની દહાણુકરવાડીમાં ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે એક બાજુ જ્યાં ‘કાઇપો છે...’ના પોકાર સંભળાતા હતા ત્યારે બીજી બાજુ કપાયેલી પંતગ પકડવા દોડેલા ૧૨ વર્ષના દુર્ગેશ યાદવનું ફાઇવસ્ટાર નામના તબેલામાં ગોબર ભરવા માટે ગેરકાયદે કરવામાં આવેલા ૧૫ ફુટના ખાડામાં પડી જતાં મોત થયું હતું.
આ ઘટના વિશે માહિતી આપતાં ઘટનાસ્થળની બાજુમાં રહેતા અને એ છોકરાને બચાવવાના પ્રયાસ કરનાર અખિલ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંદિવલીની દહાણુકરવાડીમાં ફાઇવસ્ટાર ડેરી છે અને ત્યાં તબેલો છે. ડેરીવાળાએ ડેરી પાસેના ખુલ્લા પ્લૉટમાં ગાય-ભેંસનું ગોબર ભેગું કરવા ૧૫ ફુટનો ખાડો બનાવ્યો છે અને એમાં મોટા પ્રમાણમાં ગોબર ભેગું કરવામાં આવે છે. હું એની બાજુના જ બિલ્ડિંગ પાર્ક એવન્યુમાં રહું છું. અમે લોકો ટેરેસ પર પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે કપાયેલી પંતગ પકડવા દોડેલો છોકરો એમાં પડી જતાં બહાર નીકળવા ‘બચાવો બચાવો’ની બૂમ પાડી રહ્યો હતો. અમે બધા તેને બચાવવા નીચે દોડ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે ત્યાં ગોબર દલદલમાં રૂપાંતરિત થઈ ગયું છે. એ છોકરો અમારી સામે એમાં ધીમે-ધીમે અંદર ખૂંપી રહ્યો હતો. અમે દોરડું લઈને આવ્યા અને નાખ્યું. અમારા ઓળખીતા યુસુફ નામના માણસે હિંમત કરીને એ દલદલમાં ઝંપલાવ્યું તો તે પણ પાંચ ફુટ ઊંડે ખૂંપી ગયો. આખરે અમે બાજુની સાઇટ પરથી ક્રેન બોલાવીને બન્નેને બહાર કઢાવ્યા હતા. ૧૨ વર્ષનો એ ગરીબ ઘરનો છોકરો દુર્ગેશ યાદવ નજીકમાં સ્લમમાં રહે છે. તે તો લગભગ ૧૦ ફુટ ઊંડે જતો રહ્યો હતો. તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે ગૂંગળાઈને મૃત્યુ પામ્યો હતો, જ્યારે યુસુફ બચી ગયો હતો. ઘટનાની જાણ કાંદિવલી પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આવી દુર્ગેશના મૃતદેહનો કબજો લઈ એને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.’

mumbai mumbai news kandivli