બાંદરા (વેસ્ટ)ની ટ્રાફિક-સમસ્યાનું થશે નિરાકરણ

27 December, 2018 11:55 AM IST  | 

બાંદરા (વેસ્ટ)ની ટ્રાફિક-સમસ્યાનું થશે નિરાકરણ

ટ્રાફિકની સમસ્યા

બાંદરા (વેસ્ટ)માં અત્યારે ટ્રાફિકની જે ભારે સમસ્યા સર્જાઈ રહી છે એનાથી બહુ જલદી મુક્તિ મળવાની છે, કેમ કે રંગશારદાથી સીધા હાઇવે સુધી જવા માટે રૅમ્પ બનાવવાના પ્રસ્તાવને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટીની મંજૂરી મળી ગઈ છે. હવે આ પ્રસ્તાવ એન્વાયર્નમેન્ટ ઇમ્પૅક્ટ ઍસેસમેન્ટ કમિટીને મોકલવામાં આવશે. અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે‍ તૈયાર થનારા આ રોડ માટે ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી નાખવામાં આવી છે.

અત્યારે હાઇવે પર આવવા માટે બાંદરા રેક્લેમેશનની તરફથી ઉપર આવવું પડે છે. રંગશારદા અને લીલાવતી હૉસ્પિટલમાં વાહનોની અવરજવર વધી છે ત્યારે આ લોકોના ટ્રાફિકને લીધે હિલ રોડ પર ભારે ટ્રાફિક-જૅમ સર્જાય છે. આ નવો વિકલ્પ ઉપલબ્ધ થતાં હવે લીલાવતી હૉસ્પિટલ પાસેના જૅમમાં રોજની વેડફાતી પંદરથી વીસ મિનિટની બચત થશે.

અંદાજે ૧૨૦ મીટરનો વાય આકારનો રૅમ્પ બન્યા બાદ લોકો રંગશારદાથી સીધા હાઇવે તરફ જઈ શકશે. આ વિસ્તારમાં નાળાને લાગીને આવેલાં ઝૂંપડાં પહેલેથી જ તોડી નાખવામાં આવ્યાં હોવાથી હવે કોઈ અવરોધ નથી, પરંતુ પહેલાં કોસ્ટલ ઝોન ઑથોરિટીએ પરવાનગી નકારી હતી અને બીજી વખત કર્યા બાદ હવે એને મંજૂરી મળી છે.

mumbai traffic bandra