બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે?

06 July, 2022 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યું કે કોરોનાના પ્રભાવ અને જમીન સંપાદન થયા પછી આ પ્રોજેક્ટની સમય મર્યાદા નક્કી કરી શકાશે 

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ (પી.ટી.આઇ.) : મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ રૂટ (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)નું કામ પૂરું કરવાની સમયમર્યાદા કોરોનાના પ્રભાવ અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં થતા વિલંબની આકારણી કર્યા પછી જ નક્કી કરી શકાય, એમ રેલવે અધિકારીઓએ આરટીઆઇ અરજીના જવાબમાં જણાવ્યું હતું.
થાણેના ઍક્ટિવિસ્ટ્સની માહિતીના અધિકાર હેઠળની યાચિકાનો સોમવારે નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) પાસેથી જવાબ મળ્યો હતો.
એનએચએસઆરસીએલના જવાબમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ૨૦૨૩માં પૂરો થવાનો લક્ષ્યાંક હતો અને ઉમેર્યું હતું કે ટ્રેનસર્વિસ પ્રવાસીઓ માટે શરૂ કરવાની સમયમર્યાદા કોરોનાના પ્રભાવ તથા મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની ગતિની આકારણી પછી જ નક્કી કરી શકાશે.
આ માટે વાઇલ્ડલાઇફ, વન્ય અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન જેવા મુદ્દાઓ અંગે કાનૂની મંજૂરી મળી ગઈ છે અને અત્યાર સુધીમાં ૧.૧૦ લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ પાછળ ૨૬,૮૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, એમ એમાં જણાવાયું હતું.

mumbai news