લાલચ બૂરી બલા છે એ લોકો ક્યારે સમજશે?

24 November, 2021 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લંડનની કંપનીને વૅક્સિન બનાવવા રૉ-મટીરિયલ સપ્લાય કરીને મોટું કમિશન મેળવવાની લાયમાં સિનિયર સિટિઝન છેતરાયા : બે જણે એક ફાર્મા કંપનીને કાચો માલ પૂરો પાડનારા એજન્ટને મોટું કમિશન આપવાના નામે ૧૨.૮૪ લાખનો ચૂનો લગાવ્યાનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

કોવિડની મહામારીમાં આ વર્ષના મધ્યમાં વૅક્સિનની ભારે અછત સર્જાઈ હતી ત્યારે લંડનની એક ફાર્માસ્યુટિકલ કંપનીને વૅક્સિન બનાવવા માટે રૉ-મટીરિયલના મોટા જથ્થાની જરૂર હોવાથી ભારતમાંથી આ મટીરિયલ ખરીદવા માટે એજન્ટની જરૂર છે અને આ કામ કરી આપનારને ૬૦ ટકા જેટલું ભારે કમિશન મળશે એમ કહીને મુંબઈમાં રહેતા એક સિનિયર સિટિઝનને ૧૨.૮૪ લાખ રૂપિયાનો ચૂનો લગાવવાના આરોપસર પોલીસે એક નાઇજીરિયન યુવક સહિત બે આરોપીની ધરપકડ કરવાની સાથે તેની પત્નીને તાબામાં લીધી છે.
સેન્ટ્રલ મુંબઈ સાઇબર પોલીસના જણાવ્યા મુજબ માહિમમાં રહેતા એક રિટાયર્ડ સિનિયર સિટિઝને ૨૭ ઑક્ટોબરે ફરિયાદ નોંધાવી હતી કે તેમને લંડનની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કોવિડ-19 વૅક્સિન બનાવવા માટેનું રૉ-મટીરિયલ ભારતમાંથી પૂરું પાડવા માટે એક એજન્ટની જરૂર હોવાનું એક વ્યક્તિએ ઈ-મેઇલ અને મોબાઇલ ફોનથી સંપર્ક કરીને કહ્યું હતું. ફાયઝોન ડાયજેસ્ટ નામનું રૉ-મટીરિયલ લંડનની કંપનીમાં સપ્લાય કરનારને એની કિંમતના ૬૦ ટકા જેટલું કમિશન મળશે એમ કહેવામાં આવતાં ફરિયાદી તેમની વાતમાં આવી ગયા હતા અને આરોપીએ શૅર કરેલી બૅન્કની માહિતી પ્રમાણે ૧૨,૮૪,૦૦૦ રૂપિયા ડિપોઝિટ કરી દીધા હતા. આટલી રકમ ડિપોઝિટ થયા બાદ આરોપીએ ફોન રિસીવ કરવાનું બંધ કરી દેતાં પોતે છેતરાયા હોવાની જાણ થતાં સિનિયર સિટિઝને ફરિયાદ નોંધાવી હતી.
સેન્ટ્રલ મુંબઈ સાઇબર પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ પનવેલ તાલુકા અને ખારઘર પોલીસ સ્ટેશનની હદમાંથી બે આરોપીની ધરપકડ કરી હતી, જે નાઇજીરિયન હોવાનું જણાઈ આવ્યું છે. આ મામલામાં તેની પત્ની પણ સામેલ હોવાથી તેને પણ તાબામાં લેવામાં આવી છે. આરોપીઓ પાસેથી ૧૦ મોબાઇલ, બે સિમ કાર્ડ અને એક પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યાં છે.

સેન્ટ્રલ મુંબઈ સાઇબર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ગોવિલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી સિનિયર સિટિઝન રિટાયર્ડ છે એટલે કોઈક રીતે વધારાની આવક મેળવવા માગતા હોવાથી તેઓ આરોપીની જાળમાં ફસાઈ ગયા હતા. આરોપી વિદેશી હોવાથી સ્વાભાવિક છે કે તેનું ઇંગ્લિશ સારું છે એટલે તે ખરેખર લંડનથી જ વાત કરી રહ્યો છે એવું સમજીને તેમણે મોટું કમિશન મેળવવા માટે ૧૨.૮૪ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અમારી તપાસમાં આરોપી પનવેલમાં જ ગેરકાયદે રહેતો હોવાનું ધ્યાનમાં આવતાં અમે છેતરપિંડી કરવાના આરોપસર ૨૬ વર્ષના મુજમ્મીલ નિસાર પાવસકર અને ૩૪ વર્ષના નાઇજીરિયન નાગરિક પૅટ્રિક ઇવેન્ગવે ચુકુલુબેની ધરપકડ કરી છે. આરોપી, તેની પત્ની અને અન્ય એક સાથીએ આવી રીતે અનેક લોકોને છેતર્યા હોવાની શક્યતા છે.’ 

 

Mumbai mumbai news