15 March, 2024 10:16 AM IST | Mumbai | Ruchita Shah
ઓશિવરાથી મલાડ જતી વખતે મેટ્રોમાં આદિત્ય ગઢવી. નિમેશ દવે
ત્રણ દિવસની રેકૉર્ડિંગ-ટૂર પતાવીને આદિત્ય ગઢવી ગઈ કાલે મુંબઈથી રિટર્ન થયા. આ વખતની મુંબઈની ટ્રિપ દરમ્યાન આદિત્યએ પહેલી વાર મુંબઈની મેટ્રોમાં બેસવાનો લહાવો લીધો અને એ દરમ્યાન અનાયાસ ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર નિમેશ દવે સાથે તેમનો ભેટો થઈ ગયો. દરઅસલ બન્યું એવું કે મુંબઈના ટ્રાફિકથી બચવા આદિત્યએ મેટ્રોનો રસ્તો અપનાવ્યો હતો. ઓશિવરાના સ્ટુડિયોથી રેકૉર્ડિંગ પતાવીને મલાડ બાય રોડ જવાને બદલે આદિત્યએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. ‘મિડ-ડે’ સાથેની એક્સક્લુઝિવ વાત દરમ્યાન આદિત્ય કહે છે, ‘બાય રોડ જાઉં તો જ્યાં પહોંચવામાં ટ્રાફિકને કારણે એકાદ કલાક લાગવાનો હતો એને બદલે આ અંતર અમે ૨૦ મિનટમાં પાર પાડ્યું. સાચું કહું તો આજ સુધી હું અમદાવાદની મેટ્રોમાં પણ નથી બેઠો.’
મુંબઈના ટ્રાફિકને બાદ કરતાં આદિત્ય ગઢવી મુંબઈ અને મુંબઈકરના જબરા પ્રેમમાં છે. રેકૉર્ડિંગ માટે મહિને એકાદ ફેરો તો અહીંનો હોય જ છે. આ શહેરમાં તેમને શું ગમે છે એ વિશે આદિત્ય કહે છે, ‘મુંબઈ ઘણી રીતે મને ગમે છે. હું જે કામ સાથે સંકળાયેલો છું એની સાથે જોડાયેલા ઘણા ક્રીએટિવ લોકો અહીં રહે છે અને ઘણા મિત્રો પણ છે. આ વખતે રેકૉર્ડિંગ માટે જ આવ્યો હતો. મુંબઈ આવું ત્યારે જુહુ બીચ પર ચક્કર મારવા જાઉં જ. એ સિવાય પૃથ્વી થિયેટર પણ અચૂક જાઉં છું. બીજું આકર્ષણ એટલે અહીંનું સ્ટ્રીટ-ફૂડ. પછી એ મીઠીબાઈ કૉલેજની બહાર મળતાં વડાપાંઉ હોય કે અમરની પાંઉભાજી. આટલું તો ખાવાનું લગભગ ફિક્સ જ હોય છે. મુંબઈ જેવાં વડાપાંઉ અને મુંબઈ જેવી પાંઉભાજી દુનિયાના એકેય ખૂણે ન મળે એ હું તમને ખાતરીપૂર્વક કહી શકું.’
સ્ટ્રીટ-ફૂડની જેમ મુંબઈની લાઇવલીનેસ આદિત્યને ગમે છે. તે કહે છે, ‘આ શહેર ક્યારેય ઊંઘતું નથી કે શું? ૨૪ કલાકમાં કોઈ પણ સમયે જાઓ, મુંબઈ હંમેશાં મને લાઇવ લાગ્યું છે. મુંબઈકરનો આ જોશ અને જુસ્સો ચેપી છે એમ કહું તો ચાલે. મુંબઈ આવ્યો હોઉં ત્યારે હું ૩ દિવસમાં ૩૦ દિવસનું કામ કરી જાઉં છું એવું મને ક્યારેક-ક્યારેક લાગે છે.’
મુંબઈમાં આદિત્યની પહેલી કૉન્સર્ટ ૭ એપ્રિલે
આદિત્ય ગઢવીની મુંબઈની પહેલી કૉન્સર્ટ ૭ એપ્રિલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં યોજાવાની છે. મજાની વાત એ છે કે આ કૉન્સર્ટની જાહેરાત થયાના માત્ર અડધો કલાકમાં જ એ હાઉસફુલ થઈ ગઈ હતી. મુંબઈકરોનો આ પ્રેમ જોઈને આદિત્ય કહે છે, ‘મારા માટે આ ખરેખર રાજી થવા જેવી ઘડી છે. આવા રિસ્પૉન્સ પછી મને લાગે છે કે મુંબઈમાં મારે વધુ કૉન્સર્ટ માટેની તૈયારીઓ શરૂ કરવી પડશે.’