જ્યારે 25 વર્ષ બાદ મમ્મીએ ભણવા માટે દીકરી સાથે કૉલેજ જવાનું શરુ કર્યું

21 August, 2020 07:58 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જ્યારે 25 વર્ષ બાદ મમ્મીએ ભણવા માટે દીકરી સાથે કૉલેજ જવાનું શરુ કર્યું

મમ્મી મિત્તલ શાહ સાથે દીકરી પલક શાહ

મુંબઇના અંધેરી વિસ્તારમાં રહેતાં આ ગુજરાતી પરિવારની પલક શાહે તેનાં મમ્મીને ભણવા માટે પ્રેરણા આપી. મમ્મી મિત્તલ શાહે ભણવાનું છોડ્યાને 25 વર્ષ થઇ ગયા હતા પોતાનું ભણવાનું છોડ્યાના 25 વર્ષ પછી ફરી ભણવાની ઇચ્છા જાગી અને તેમણે શરૂઆત કરી સ્પોકન ઇંગ્લિશ ક્લાસિઝથી. પલક અને મિતલ શાહ બન્ને ગુજરાતી મિડડે ડૉટ કૉમને મમ્મીએ દીકરી સાથે કૉલેજ ભણી ફરી ડગ ભર્યાં તેની વિગતે વાત કરી.

42 વર્ષનાં મિત્તલ શાહ ગુજરાતી માધ્યમમાં ભણ્યા અને પછી ફર્સ્ટ યર સુધીનો અભ્યાસ કર્યો. એ પછી આગળ ભણવા માટે કોઇ પ્રોત્સાહન પણ નહોતું અને પ્રેરણા પણ નહીં અને લગ્ન કરીને તે ઘરમાં ગુંથાઇ ગયા અને ભણતર નેવે મુકાઇ ગયું. દીકરી પલકે જ્યારે 13મામાં એડમિશન લીધું ત્યારે દીકરીએ મમ્મીને પુછ્યું કે, “તારે પણ કૉલેજ આવવું છે?, ભણતર પુરું કરવું છે? ”

પલક શાહ કહે છે કે, “હું અને મારો ભાઇ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં ભણ્યા છીએ અને મેં નોટિસ કર્યું હતું કે અમુક સમય બાદ મમ્મીએ પેરન્ટ્સ મિટીંગમાં આવવાનું બંધ કરી દીધું હતું.” આ નિર્ણય એક મમ્મીએ કેમ લીધો તે જાણીએ મિત્તલ શાહ પાસેથી.

લઘુતા ગ્રંથીને કારણે બંધ કર્યું વાલીમિટીંગમાં જવાનું
મમ્મી મિત્તલકો શાહ કહે છે, “કે મને ક્યારેય મનમાં એમ નહોતું કે હું બાળકોની વાલીમિટીંગમાં ન જાઉં પણ અંદર ક્યાંક મને ડર હતો કે મને અંગ્રેજી નથી આવડતું અને જો મારી બોલવામાં ક્યાંક ભૂલ થાય તો લોકો મારા પર હસશે, મારા વિશે શું વિચારશે, અને આવા જ વિચારોને કારણે મેં ધીમે ધીમે બાળકોની વાલીમિટીંગમાં જવાનું બંધ કર્યું. ત્યાર બાદ અમે જ્યાં પણ જતાં ત્યારે અંગ્રેજી ન આવડવાને કારણે મને વિચાર આવ્યો કે મારા છોકરાંઓ બાદ જ્યારે તેમને છોકરાં થશે અને તેમની સાથે પણ જો હું અંગ્રેજીમાં વાત નહીં કરી શકું તો??... અને બસ તેના પછી મેં મારી આસપાસ અંગ્રેજી શીખવાડતા ક્લાસ સર્ચ કર્યા. ઘરમાં કોઇને પણ આ વાતની જાણ કર્યા વગર હું ત્યાંની બધી પ્રૉસેસ જાણી આવી અને ઘરે આવી પતિને બધી વિગતે વાત કરી.”

ગુજરાતીઓની પૈસા વસૂલવાની ખાસિયતે પૂરા કરાવ્યા અંગ્રેજી ક્લાસિસ
મિતલ શાહે જ્યારે તેમના પતિ સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે તે આવતાં મહિનાથી અંગ્રેજીના વર્ગ શરૂ કરશે ત્યારે તેમના પતિએ તેમને સલાહ આપી કે જો તેમણે એક મહિનાની રાહ ન જોવી જોઇએ અને તેમણે બીજા જ દિવસે અંગ્રેજીના વર્ગની ફી ચૂકવી દેવી જોઇએ, જો તે એકવાર ફી ચૂકવી દેશે તો પૈસા ભર્યા છે એટલે વર્ગ તો ભરવા જ પડશે તેવી માનસિકતા સાથે તે અંગ્રેજીના વર્ગમાં જશે અને આમ તેમણે ધીમે ધીમે એક પછી એક 3 વર્ષ અંગ્રેજીના વિવિધ ક્લાસિસ કર્યા જેમાં સ્પોકન ઇંગ્લિશથી લઈને પર્સનાલિટી ડેવલપમેન્ટ સુધીનો સંપૂર્ણ કોર્સ કર્યો. આ કોર્સ પછી તે સમાચાર, નવલકથા અને અન્ય સાહિત્ય પણ વાંચતાં થયાં. મમ્મીની ધગશ જોઇ દીકરીએ તેમને પોતાનું અધૂરું મૂકેલું ભણતર પૂરું કરવા કહ્યું અને તે તૈયાર થઇ ગયા.

કેવી રીતે 19 વર્ષની પલકે મમ્મીને ભણવા માટે વધાર્યું પ્રોત્સાહન
મિત્તલ શાહને ભણવામાં રસ કેવી રીતે જાગ્યો તે વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે આનું મૂળ કારણ મારી દીકરી છે તેણે સતત મને પ્રોત્સાહન આપ્યું છે કે, મમ્મી તમે કરી શકો છો. જ્યારે પણ મિત્તલ શાહને થતું કે જો પોતે નહીં કરી શકે તો આ યંગસ્ટર્સ તેમની મજાક કરશે તો? પણ પલકે મમ્મીને સતત પ્રેરણા આપી અને કહ્યુ કે સમય કદાચ વધુ લાગે પણ તમે કરી તો શકશો જ. ફાઇનલી મમ્મી મિત્તલ શાહે ફરી એફવાયબીએમાં એડમિશન લીધું અને કોઇપણ બોજ વગર પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે, આનંદ મેળવવા માટે તેમણે ફરી ભણવાનું શરૂ કર્યું.

મમ્મી અને દીકરી બન્નેએ લીધું એક જ કૉલેજમાં એડમિશન
મમ્મી મિત્તલ શાહે આ વર્ષે જ એફવાયબીએમાં અંગ્રેજી વિષય સાથે મણીબેન નાણાવટી કૉલેજમાં એડમિશન લીધું છે. ત્યારે તેમની દીકરી અત્યારે સાઇકૉલોજી વિષય સાથે ટીવાયબીએમાં છે. અત્યારે લૉકડાઉનને કારણે બધાં જ વર્ગ ઑનલાઇન લેવાય છે અને મમ્મી મિત્તલ શાહ આ ક્લાસિઝ પણ ખૂબ જ એન્જૉય કરી રહ્યાં છે.

mumbai mumbai news andheri