વૉટ્સઍપ પર ફરતા ટેરર મેસેજથી ફફડાટ

22 December, 2014 03:41 AM IST  | 

વૉટ્સઍપ પર ફરતા ટેરર મેસેજથી ફફડાટ




સપના દેસાઈ

પેશાવરમાં સ્કૂલમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મુંબઈ સહિત દેશભરમાં અલર્ટ જાહેર કરવામાં આવી છે ત્યારે શહેરમાં આતંકવાદી હુમલો થવાની શક્યતા છે અને એમાં પણ ગોરાઈ બીચ રેડ અલર્ટ પર છે એથી ગોરાઈ સહિત ભીડભાડવાળા એરિયામાં જવું નહીં એ મુજબના છેલ્લા ચારેક દિવસથી વૉટ્સઍપ પર મેસેજ ફરી રહ્યા છે અને એને કારણે લોકોમાં જબરું પૅનિક ફેલાઈ ગયું છે.

ભારતમાં ઑલરેડી રેડ અલર્ટ છે ત્યારે પેશાવરમાં સ્કૂલમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ દેશમાં ખાસ કરીને દિલ્હી, મુંબઈ, બૅન્ગલોર, પુણે જેવાં મેટ્રો શહેરો જે હંમેશાં આતંકવાદીઓના ટાર્ગેટ પર રહ્યાં છે અને જ્યાં IBએ પણ ગમે ત્યારે આતંકવાદી હુમલા થવાની શક્યતા વ્યક્ત કરી છે ત્યારે છેલ્લા ચારેક દિવસથી વૉટ્સઍપ પર ગોરાઈ બીચ અને ભીડભાડવાળા વિસ્તારમાં હુમલો થવાના ફરી રહેલા મેસેજને કારણે લોકોમાં ચિંતા પ્રસરી છે.

એક સિનિયર પોલીસ-અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘ગોધરાકાંડ બાદ ગુજરાતી વિસ્તારો આતંકવાદીઓના હિટ-લિસ્ટમાં રહ્યા છે અને પોલીસ પણ ગુજરાતી વિસ્તારોમાં વધારે અલર્ટ રહેતી હોય છે, પણ વૉટ્સઍપ પર ફરી રહેલો મેસેજ લોકોમાં ખોટું ટેન્શન ઊભું કરી રહ્યો છે. આવા અફવા ફેલાવતા મેસેજ પર લોકોએ જરાય વિશ્વાસ રાખવો નહીં.’

વૉટ્સઍપમાં શું મેસેજ ફરી રહ્યો છે?

ગોરાઈ રેડ અલર્ટ પર છે અને શહેરમાં આતંકવાદી ગતિવિધિઓ થઈ રહી હોવાની પોલીસને શંકા છે તથા શહેરમાં આતંકવાદી હુમલો થઈ શકે છે એવી થોડા મહિના પહેલાં જ ઇન્ટેલિજન્સ બ્યુરોએ શંકા પણ વ્યક્ત કરી છે એથી ભીડભાડવાળા એરિયા, મૉલ-માર્કેટ જેવા વિસ્તારોમાં જવાનું ટાળવું તેમ જ આતંકવાદીઓ ગોરાઈ બીચ પર રવિવારે હુમલો કરી શકે છે એમાં પણ તેઓ મુખ્યત્વે હોટેલ અને બીચને ટાર્ગેટ કરી શકે છે એટલે આવા વિસ્તારોમાં પૂરતો પોલીસ-બંદોબસ્ત હશે તોય ત્યાં જવાનું ટાળજો.