ગોરેગામની વિબગ્યોર સ્કૂલનું હવે શું થશે?

10 May, 2022 07:51 AM IST  |  Mumbai | Dipti Singh

રાજ્ય સરકાર એને આપેલો પ્લૉટ પાછો માગી રહી છે : હાઈ સ્કૂલની માન્યતા પણ રદ થઈ શકે છે

ગોરેગામ-પશ્ચિમની વિબગ્યૉર સ્કૂલ - અનુરાગ આહિરે

મહારાષ્ટ્ર સરકારના હાઉસિંગ ડેવલપમેન્ટ વિભાગ (એચડીડી)એ ગોરેગામમાં વર્ષ ૨૦૦૪માં ફાળવેલો ૬૦૦૦ ચોરસ મીટરનો પ્લૉટ પાછો માગતાં વિબગ્યૉર હાઈ સ્કૂલ ફરી એક વાર ચર્ચામાં આવી છે. જો હાઈ સ્કૂલના સ્ટેકહોલ્ડર્સ આ આદેશનો અમલ કરશે તો સ્કૂલની મંજૂરી પણ રદ થઈ શકે છે. 
૨૦૨૨ની આઠમી માર્ચે આ ઑર્ડરમાં જણાવાયું છે કે ૨૦૧૯માં જમીનની ફાળવણી રદ કરવામાં આવી હતી, એના પર અમલ થવો જોઈએ. એચડીડીના ડેપ્યુટી સેક્રેટરી (લીગલ)એ રાજ્યના શિક્ષણ વિભાગને વિબગ્યૉર હાઈ સ્કૂલની મંજૂરી રદ કરવા જણાવ્યું હતું.  
આ ઉપરાંત આદેશમાં પોલીસ વિભાગને ત્રણે સંસ્થાના ટ્રસ્ટીઓ, મ્હાડાના અધિકારીઓ  અને ગેરુપયોગ, ઠગી, છેતરપિંડી અને બનાવટ કરનારા અન્ય પબ્લિક સર્વન્ટ્સ સામે ગુનાહિત ફરિયાદ નોંધવા વિનંતી કરી છે. 
એચડીડી આદેશ
ઑગસ્ટ ૨૦૧૮માં મ્હાડાના મુંબઈ બોર્ડના ચીફ અધિકારીએ રાજ્ય સરકારની વિશેષ સત્તા દ્વારા સ્કૂલને કરવામાં આવેલી જમીનની ફાળવણી રદ કરવાની દરખાસ્ત મૂકી હતી. છેવટે એપ્રિલ ૨૦૧૯માં આ ફાળવણી રદ કરાઈ હતી.  
એચડીડીના ડેપ્યુટી સેક્રેટરી (લીગલ) પી. ડી. સદાશિવે મ્હાડાને આપેલા આદેશમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશ મુજબ ફળવવામાં આવેલી જમીનના સબલીઝ કે એના ઉપયોગમાં ફેરફાર કરવાનો મ્હાડાને અધિકાર નથી.   એમપીએમસી, કરે એજ્યુમીન પ્રાઇવેટ લિમિટેડ અને રેનબો એજ્યુકેશન પ્રમોશન પ્રાઇવેટ લિમિટેડ આ ત્રણે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જાણી જોઈને ચૅરિટી કમિશનરના આદેશની અવગણના કરી છે તેમ જ સતત પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી વિશ્વાસ ભંગ કર્યો છે. આ હકીકતોને ધ્યાનમાં લઈને, મુંબઈમાં ચૅરિટી કમિશનરને ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવા અને મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ, ૧૯૫૧ની જોગવાઈઓ અનુસાર ત્રણેય ટ્રસ્ટો સામે યોગ્ય પગલાં લેવાં પણ  વિનંતી કરી છે. 
પી. ડી. સદાશિવે વધુમાં ઉમેર્યું હતું કે શરૂઆતથી જ મ્હાડાને પત્રવ્યવહાર દ્વારા આદેશ આપવામાં આવતા હોવા છતાં તેમણે એને સંજ્ઞાન પર નહોતા લીધા તેમ જ આદેશનું પાલન નહોતું કર્યું. આ માટે મ્હાડાના અધિકારીઓ સામે વિભાગીય તપાસ હાથ ધરાવી જોઈએ, એમ પણ તેઓએ જણાવ્યું હતું. 
શું છે આખી વાત?
મ્હાડા તરફથી મધ્ય પ્રદેશ મિત્ર ચૅરિટેબલ ટ્રસ્ટને ગોરેગામમાં ૬.૩૨ ચોરસ મીટરની જમીન ૪૦ લાખ રૂપિયાની નજીવી કિંમતે સ્કૂલ અને પ્લેગ્રાઉન્ડ માટે ફાળવવામાં આવી હતી.  જોકે ટ્રસ્ટે જમીનને ભાગમાં વહેંચીને એ બે ખાનગી કંપનીઓને પેટા-ભાડૂઆત તરીકે આપી, જેમણે પ્લેગ્રાઉન્ડની જગ્યા પર પણ મકાન ઊભું કરી દીધું. 
આ બે કંપનીઓ જેમને જમીન પેટા-ભાડૂઆત તરીકે આપવામાં આવી એ છે કરે એજ્યુમીન લિમિટેડ અને રૂસ્તમ કેરાવાલા ફાઉન્ડેશન (જે વિબગ્યૉર હાઈ સ્કૂલ ચલાવે છે) અને રેનબો એજ્યુકેશન પ્રમોશન પ્રાઇવેટ લિમિટેડ. એમપીએમસી ટ્રસ્ટને સ્કૂલ બાંધવા માટે રાહતના દરે ફાળવવામાં આવેલી જમીનના દુરુપયોગ બદલ મ્હાડા સાથે સ્કૂલ મૅનેજમેન્ટ છેલ્લા એક દસકાથી મતભેદ ધરાવે છે. 
 ૨૦૦૪માં ટ્રસ્ટે જમીનનો એક હિસ્સો કરે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને પેટા-ભાડૂઆત તરીકે આપ્યો, જેણે સ્કૂલ ચલાવવા માટે કરે એજ્યુમીન પ્રાઇવેટ લિમિટેડ (રૂસ્તમ કેરાવાલા ફાઉન્ડેશન) સાથે કરાર કર્યા હતા.  
એક વર્ષ પછી એમપીએમસીએ બાકીનો હિસ્સો રાજસ્થાન વિદ્યાનિધિ ટ્રસ્ટ અને રેનબો એજ્યુકેશન ટ્રસ્ટને પેટા-ભાડૂઆત તરીકે આપ્યો. જોકે બન્ને ટ્રસ્ટ વચ્ચેના મતભેદને કારણે હજી બાંધકામ શરૂ થયું નથી.  
 બૉમ્બે હાઈ કોર્ટમાં ૨૦૧૧માં દાખલ કરાયેલી અરજી અનુસાર, ટ્રસ્ટ વિબગ્યૉર  હાઈ સ્કૂલને પેટા-લીઝ પર આપવામાં આવેલા પ્લૉટમાંથી વાર્ષિક ભાડામાં ૨.૫ કરોડ રૂપિયાની કમાણી કરે છે. ડેપ્યુટી ડિરેક્ટરના આદેશને ૨૦૧૧માં હાઈ કોર્ટે સમર્થન આપતાં સ્કૂલે આ મામલે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી, જેણે રાજ્યને શાળા સંબંધિત ફી અને અનએઇડેડ  સ્થિતિના મુદ્દાને ઉકેલવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો 
સ્કૂલ મૅનેજમેન્ટ 
સ્કૂલના ટ્રસ્ટી અને સ્થાપક રૂસ્તમ કેરાવાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તેમને માર્ચ ૨૦૨૨ના આદેશ વિશે જાણ છે, પરંતુ હજી સ્કૂલ મૅનેજમેન્ટને રાજ્ય સરકાર કે હાઉસિંગ વિભાગ પાસેથી નોટિસ કે અન્ય કોઈ પણ પ્રકારનો પત્રવ્યવહાર મળ્યો નથી.  આ વિષયે કે પછી સ્કૂલની મંજૂરી રદ થવા વિશે અમને જણાવાયું નથી. અમારી સામે કરવામાં આવેલા આક્ષેપો આધારહીન અને ખોટી રીતે રજૂ કરાયેલા છે. અમે આ મુદ્દાને લગતા પુરાવા અને તથ્યોની રજૂઆત કરવા વિભાગને વિનંતી કરી છે. શું ચાલી રહ્યું છે એ અમે સારી રીતે જાણીએ છીએ. વિભાગને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે. અમે અમારો પક્ષ રજૂ કરવાની તકની રાહ જોઈ રહ્યા છીએ, એમ કેરાવાલાએ જણાવ્યું હતું. 

 અમારી સામે કરવામાં આવેલા આક્ષેપો આધારહીન અને ખોટી રીતે રજૂ કરાયેલા છે. પુરાવા અને તથ્યોની રજૂઆત કરવા વિભાગને વિનંતી કરાઈ છે. -  રુસ્તમ કેરાવાલા, સ્કૂલના ટ્રસ્ટી અને સ્થાપક 

Mumbai mumbai news goregaon