વિધાનસભા બરખાસ્ત થશે તો શું અને નહીં થાય તો શું થશે?

23 June, 2022 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો ગવર્નર ભગતસિંહ કોશ્યારી પ્રધાનમંડળ બરખાસ્ત કરવાના પ્રસ્તાવને માન્ય રાખે તો વિધાનસભા બરખાસ્ત થઈ જાય અને આવનારા ૬ મહિનામાં ફેરચૂંટણી કરવી પડે

ફાઇલ તસવીર

શિવસેનામાં બળવો કરીને ૪૬ વિધાનસભ્યોને હાલ પોતાની સાથે આસામના ગુવાહાટી લઈ જનાર એકનાથ શિંદેએ શિવસેનાને અલ્ટિમેટમ આપતાં કહ્યું છે કે કૉન્ગ્રેસ અને એનસીપીનો સાથ છોડો અને બીજેપી સાથે હિન્દુત્વના મુદ્દા પર સરકાર બનાવો. બીજેપી સાથે છેડો ફાડીને કૉન્ગ્રેસ અને એનસીપી સાથે મહાવિકાસ આઘાડીની સરકાર બનાવનાર શિવસેનાની હાલત કફોડી થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં જો અવિશ્વાસનો પ્રસ્તાવ આવે તો શું થઈ શકે? વિધાનસભા બરખાસ્ત થાય? એ પછી રાજકીય પરિસ્થિતિ શું રહે.

જો ગવર્નર ભગતસિંહ કોશ્યારી પ્રધાનમંડળ બરખાસ્ત કરવાના પ્રસ્તાવને માન્ય રાખે તો વિધાનસભા બરખાસ્ત થઈ જાય અને આવનારા ૬ મહિનામાં ફેરચૂંટણી કરવી પડે.

એવું પણ બને કે ગવર્નર પ્રધાનમંડળનો પ્રસ્તાવ માન્ય ન પણ રાખે, પણ હાલની મહાવિકાસ આઘાડી સરકાર પાસે બહુમત નથી એની તેમને જાણ થાય એ પરિસ્થિતિમાં એ સરકારને બહુમત સાબિત કરવાનો મોકો આપે. જો મહાવિકાસ આઘાડીની સરકાર ફ્લોર-ટેસ્ટમાં બહુમત પુરવાર ન કરી શકે તો પછી ગવર્નર બીજેપીને સત્તા સ્થાપવાનો મોકો આપી શકે. જોકે એ પહેલાં બીજેપીએ પત્ર લખીને જણાવવું પડે કે તેમને ૧૪૪ સભ્યોનો સાથ છે. એ પછી ગવર્નર તેમને બહુમત પુરવાર કરવાનો મોકો આપી શકે.  

જોકે હાલ ગવર્નર ભગતસિંહ કોશ્યારીને કોવિડ થયો છે. તેઓ બીમાર છે અને એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવા વખતે ગવર્નરની ભૂમિકા બહુ અહમ્ હોય છે. શક્ય છે કે કેન્દ્ર સરકારના કહેવાથી રાષ્ટ્રપતિ તેમનો પદભાર હંગામી ધોરણે કોઈ અન્યને સોંપી શકે. જોકે હાલ રાષ્ટ્રપતિની પણ ચૂંટણીઓ છે એ જોતાં હાલ વિધાનસભાને જૈસે થે પરિસ્થિતિમાં પણ રાખી શકે અને એના પર હાલ કોઈ નિર્ણય ન લેવાય. વિધાનસભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે એ માટે આવો નિર્ણય લેવાતો હોય છે. જો વિધાનસભા બરખાસ્ત થઈ જાય તો પછી વિધાનસભ્યો એ ચૂટંણીમાં મતદાન ન કરી શકે.  

કૉન્સ્ટિટ્યુટ એક્સપર્ટના કહેવા મુજબ જરૂરી નથી કે ગવર્નર પ્રધાનમંડળની દરખાસ્ત સ્વીકારી જ લે. તેઓ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી મુખ્ય પ્રધાનને બહુમત સિદ્ધ કરવા કહી શકે. જો બહુમત સિદ્ધ ન થાય તો કેટલાક સમય માટે વિધાનસભા બરખાસ્ત રહી શકે. નવી સરકાર બનાવવાની શક્યતાઓની ચકાસણી થતી હોય છે.  

જો ફેરચૂંટણી થાય તો રાજકીય દૃષ્ટિએ એવું બની શકે કે શિવસેના, કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે મળીને ચૂટંણી લડે અને બીજેપી એકનાથ શિંદે અને અન્યોને સાથે લઈને ચૂંટણી લડે. 

આંકડાબાજી
વિધાનસભામાં ૨૮૮ વિધાનસભ્યો છે. એમાંના એક શિવસેનાના રમેશ લટકેનું નિધન થયું છે. એથી હાલ વિધાનસભ્યોની સંખ્યા ૨૮૭ છે. એથી જો આઘાડીની સરકાર બચાવવી હોય તો ૧૪3 વિધાનસભ્યો તેમની સાથે હોવા જોઈએ. બીજેપી પાસે ૧૦૬  વિધાનસભ્યો છે. આ ઉપરાંત એને ૬ અપક્ષોનો ટેકો છે. એથી એનું સંખ્યાબળ ૧૧૨ થાય છે. શિવસેના પાસે તેના ૫૫, રાષ્ટ્રવાદીના ૫૩ અને  કૉન્ગ્રેસના ૪૪ વિધાનસભ્યોનો ટેકો મળીને ૧૫૨ વિધાનસભ્યો છે. એકનાથ શિંદે સાથેના શિવસેનાના ૪૦ બળવાખોર વિધાનસભ્યો જો બીજેપીને ટેકો આપે તો મહાવિકાસ આઘાડીનું સંખ્યાબળ ઘટીને ૧૧૨ થઈ જાય અને બીજેપી એ ૪૦ બળવાખોરોનો ટેકો લઈને ૧૫૨નો ફિગર પહોંચી જાય અને સરકાર બનાવવાનો દાવો કરી શકે. 

maharashtra mumbai mumbai news