દાદરના કચ્છી વેપારીના સુસાઇડનું કારણ શું?

06 September, 2020 07:32 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

દાદરના કચ્છી વેપારીના સુસાઇડનું કારણ શું?

જીવન ટૂંકાવનાર દાદરના મનોજ પોપટલાલ ગડા.

દાદર-ઈસ્ટમાં હિન્દમાતા કપડા બજાર પાસે પત્ની સાથે રહેતા ૪૮ વર્ષના કચ્છી જૈન વેપારીએ શુક્રવારે બપોરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કોરોનાને કારણે સાડાપાંચ મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનને લીધે જમીન લે-વેચનો ધંધો ઠપ હોવાની સાથે બીમારીથી કંટાળીને પોતે આ પગલું ભર્યું હોવાનું તેમણે મૃત્યુ પામતાં પહેલાં પત્ની અને પોલીસના નામે લખેલી સુસાઇડ-નોટમાં નોંધ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દાદર-ઈસ્ટમાં હિન્દમાતા કપડા બજારની બાજુની સોસાયટીમાં મૂળ કચ્છના માંડવી તાલુકામાં આવેલા માપર ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના ૪૮ વર્ષના મનોજ પોપટલાલ ગડા પત્ની માનસી સાથે રહેતા હતા. તેમની સામેના ફ્લૅટમાં તેમનાં માતા-પિતા રહે છે.

શુક્રવારે સવારે પત્ની માનસી જૉબ પર જતી રહી હતી અને માતા-પિતા કોઈક કામસર બહાર ગયાં હતાં. પોપટલાલભાઈને કોઈકે દીકરાએ ગળાફાંસો ખાધો હોવાની જાણ કરતાં તેઓ તરત જ ઘરે દોડી આવ્યા હતા. પાડોશીઓએ મનોજને લટકતી હાલતમાં જોઈને પોલીસને બોલાવી હતી. ભોઈવાડા પોલીસની ટીમે આવીને મનોજના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યો હતો.

મનોજના પિતા પોપટલાલભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનોજ બ્લડ-પ્રેશરની બીમારીથી પરેશાન હોવાની સાથે કોરોનાને લીધે કામકાજ બંધ હોવાથી ઘણો હતાશ હતો. શુક્રવારે બપોરે અમે બહાર ગયાં હતાં ત્યારે તેણે પોતાના હાથની નસો કાપવાની સાથે ગળામાં ધારદાર શસ્ત્ર વડે કાપો માર્યો હોવાથી લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યાર બાદ તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. આના પરથી કહી શકાય કે તે કેટલો હતાશ હશે. તેને કોઈ સંતાન નથી અને પત્ની જૉબ કરે છે.’

ભોઈવાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનોદ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરનાર મનોજ ગડાના ઘરેથી એક તેની પત્નીના નામે અને બીજી પોલીસને સંબોધન કરતી બે સુસાઇડ-નોટ મળી હતી. પત્નીની તેણે માફી માગી છે, જ્યારે પોતાના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ગણાવવાનું તેણે લખ્યું છે. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.’

mumbai mumbai news suicide dadar prakash bambhrolia