ઓમાઇક્રોનના ચેપથી બચવા શું કરવું જોઈએ?

06 December, 2021 10:57 AM IST  |  Mumbai | Somita Pal

જેમ બને એમ જલદી વૅક્સિન લેવી અને રેસ્ટોરાં જેવાં જાહેર સ્થળોએ ઍરકન્ડિશનમાં બેસવાનું ટાળવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ઑમાઇક્રોનના ભય વચ્ચે આરોગ્ય નિષ્ણાતોએ રાહતના સમાચાર આપતાં કહ્યું છે કે ઓમાઇક્રોનના કેસ વધે તો પણ જો તમે બન્ને રસી લીધી છે અને રેસ્ટોરાં જેવા જાહેર સ્થળોએ ઍરકન્ડિશનમાં બેસવાનું ટાળવા જેવા સર્વસામાન્ય કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરો છો તો તમારે ગભરાવાની જરૂર નથી. 
કોવિડ-૧૯ વિશે રાજ્ય સરકારના સલાહકાર અને રોગચાળા નિષ્ણાત ડૉક્ટર સુભાષ સાળુંકેએ જણાવ્યું હતું કે ઓમાઇક્રોનના ચેપ સંબંધે મળેલા સાઉથ આફ્રિકાના ડેટામાં ઘણી સકારાત્મક બાબત છે એટલે લોકોએ ગભરાવાની જરૂર નથી. 
સદ્ભાગ્યે સાઉથ આફ્રિકામાંથી પ્રાપ્ત થયેલા ડેટામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ‘ઓમાઇક્રોનનો ચેપ ઘણો હળવો છે અને માંદગીનો ગાળો વધુ ગંભીર નથી. આ ઉપરાંત સારવારની પદ્ધતિ ડેલ્ટા વેરિઅન્ટ જેવી જ છે. જો આ રોગ જલદી ધ્યાનમાં આવે તો ઝડપી તેમ જ પૂર્ણ  સ્વસ્થતા પ્રાપ્ત કરવાની શક્યતા વધુ રહે છે.’ 
હાલમાં ભારતમાં ઓમા​ઇક્રોનના કુલ બાર કેસ નોંધાયા છે. એમાંથી આઠ કેસ મહારાષ્ટ્રમાં, એક-એક કેસ દિલ્હી અને ગુજરાતમાં તથા કર્ણાટકમાં બે કેસ નોંધાયા છે. 
હાલમાં ભારતમાં ઓમાઇક્રોનના કેસની સંખ્યા ઓછી છે, પરંતુ સમય જતાં એ વધવા અપે​​ક્ષિત છે. જોકે દેશમાં ઓમાઇક્રોનના કેસ વધે તો પણ ચિંતિત થવાની આવશ્યકતા નથી, કેમ કે સાઉથ આફ્રિકાથી આવેલો આ વેરિઅન્ટનો ચેપ વૅક્સિન ન લેનારા કે માત્ર એક વૅક્સિન લેનારા લોકોને જ લાગે છે. સંપૂર્ણપણે વૅક્સિનેટેડ લોકોને ગંભીર ચેપ લાગવાની સંભાવના ઘણી પાંખી છે. 
આ વેરિઅન્ટનું એક નકારાત્મક પાસું પણ છે અને તે એ કે એ ખૂબ ઝડપથી પ્રસાર પામે છે, જેને લીધે એ રસી ન લીધી હોય એવા જૂથમાં ખૂબ જલદીથી પ્રસાર પામી શકે છે. 
બી. જે. ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ અને પુણેની સાસૂન હૉસ્પિટલના માઇક્રોબાયોલૉજી વિભાગના વડા અને જિનોમ સિક્વન્સિંગના રાજ્યના કો-ઑર્ડિનેટર ડૉક્ટર રાજેશ કાર્યકર્તેએ કહ્યું હતું કે ‘રસીનો કોર્સ પૂરો કરનારા લોકોના શરીરમાં વાઇરસ ઊંડે સુધી પહોંચી શકતો નથી. પરિણામે તેમનામાં મૃત્યુનું પ્રમાણ પણ ઘણું નીચું છે. આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ રોગના વિષાણુઓ જ્યાંથી પ્રવેશ કરવાની શક્યતા હોય એ વિસ્તારને વધુ સાચવે છે. કોરોનાવાઇરસ અને એના મ્યુટન્ટ નાકના રસ્તે શરીરમાં પ્રવેશ કરતા હોવાથી રસીને કારણે શરીરમાં વિકસેલા ઍન્ટિ-બૉડીઝ નાકના વિસ્તારની વધુ સંભાળ લે છે.’ 
ઓમાઇક્રોનથી અસરગ્રસ્ત દેશના પ્રવાસીઓને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની ઊઠી રહેલી માગણીઓ વચ્ચે ડૉક્ટર સાળુંકેએ કહ્યું હતું કે ‘આવા મુસાફરોને ક્વૉરન્ટીન કરવા એ શ્રેષ્ઠ ઉપાય છે. જોકે સરકાર પગલાં લે એની સાથે જ આપણી પણ કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાની જવાબદારી છે.’ 

mumbai news Omicron Variant somita pal