લોકલમાં પ્રવાસીઓની સંખ્યા પાટે ચડી ગઈ

28 December, 2021 09:23 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

રેલવેના આંકડાઓ મુજબ ડિસેમ્બરના સોમવારે ૬૦ લાખ લોકોએ લોકલમાં મુસાફરી કરી હતી જે કોવિડ પહેલાંની સરેરાશ કરતા ૨૦ લાખ જ ઓછી છે

મુંબઈની લોકલ ટ્રેનોમાં ફરી એક વાર ભારે ગિરદી દેખાવા માંડી છે

મુંબઈની લોકલ ટ્રેનોમાં જામતી ભીડ વધતાઓછા અંશે સમાન હોય છે, છતાં ડિસેમ્બરના સોમવારના આંકડાઓમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળે છે અને કેટલીક વાર તો આ આંકડો ૬૦ લાખ સુધી પહોંચ્યો છે, જે સંખ્યા કોરોના અગાઉના સમયગાળા કરતાં ૨૦ લાખ ઓછી છે.
ડિસેમ્બર ૨૦૨૦ની ટિકિટ-વેચાણની તુલનાએ સોમવારે આશ્ચર્યજનક રીતે ૬૦ લાખ પ્રવાસીઓ નોંધાયા હતા, જ્યારે શનિ-રવિમાં આ આંકડો ઘટીને દૈનિક ૪૫-૫૦ લાખ પર પહોંચ્યો હતો.
શું સાચે જ આટલી મોટી સંખ્યામાં લોકો સોમવારે પ્રવાસ કરતા હોય છે? એના જવાબમાં એક સિનિયર અધિકારીએ આંકડાનું ગણિત સમજાવતાં જણાવ્યું હતું કે ‘જો તમે બીજા દિવસે તપાસશો તો આંકડામાં ભારે ઘટાડો જણાશે, પણ ફરી જો આખા મહિનાનો સરવાળો કરવામાં આવે તો એ આંકડો ઊંચો જ આવશે. નિયત પ્રણાલી અનુસાર સોમવારના આંકડા સીઝન ટિકિટના ડેટા સાથેનું સંકલન હોય છે, જેને કારણે આંકડા હંમેશાં ઊંચા આવે છે.’
છઠ્ઠી ડિસેમ્બરે જાહેર રજા હતી, જ્યારે ૧૩ ડિસેમ્બરે સેન્ટ્રલ રેલવેમાં ૩૬.૨૨ લાખ અને વેસ્ટર્ન રેલવેમાં ૨૮ લાખ પૅસેન્જરો સાથે કુલ ૬૪.૨ લાખ પૅસેન્જર્સ નોંધાયા હતા.
૨૦ ડિસેમ્બરે સેન્ટ્રલ રેલવેમાં ૩૭.૦૮ લાખ અને વેસ્ટર્ન રેલવેમાં ૨૮.૮૨ લાખ પ્રવાસીઓ સાથે કુલ ૬૫.૯ લાખ પ્રવાસીઓ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે.
નિષ્ણાતો અને પૅસેન્જર અસોસિએશને જણાવ્યા મુજબ રેલવે દ્વારા એકત્રિત કરાતા આંકડા ટિકિટના વેચાણ પર આધારિત હોય છે, જેમાં માસિક કે ત્રિમાસિક પાસના આંકડાનો પણ સમાવેશ થાય છે. એનો અર્થ એ કે ઘણા પૅસેન્જરે ટિકિટ બુક કરાવી છે એ માસિક, ત્રિમાસિક કે સાપ્તાહિક ટિકિટ હોઈ શકે છે અને રોજ આટલા લોકો પ્રવાસ ખેડતા હોય એ જરૂરી નથી. વળી એક વાર મન્થ્લી સીઝન ટિકિટ ખરીદવામાં આવે પછી એને ૩૦ વખતનો પ્રવાસ ગણવામાં આવે છે, પછી એ વ્યક્તિ પ્રવાસ કરે કે ન કરે એમ મુંબઈ ટ્રાન્સપોર્ટ ફોરમના જિતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું.

mumbai mumbai news mumbai local train rajendra aklekar