ઓવરચાર્જ કરતી પ્રાઇવેટ હૉસ્પિટલો પર નિયંત્રણ માટે શી જોગવાઈ છે?

29 July, 2020 11:22 AM IST  |  Mumbai | Agencies

ઓવરચાર્જ કરતી પ્રાઇવેટ હૉસ્પિટલો પર નિયંત્રણ માટે શી જોગવાઈ છે?

પ્રતીકાત્મક તસવીર

‘કોરોના ઇન્ફેક્શનના દરદીઓ પાસેથી પીપીઈ કિટ્સ, એન-95 માસ્ક્સ તથા અન્ય સાધનોને નામે બેફામ રીતે પૈસા પડાવવાની પ્રાઇવેટ હૉસ્પિટલોની પ્રવૃત્તિ પર નિયંત્રણ માટે રાજ્ય સરકારે શી જોગવાઈ કરી છે?’ એવો સવાલ મહારાષ્ટ્ર સરકારને મુંબઈ વડી અદાલતે પૂછ્યો હતો. મુંબઈ અને થાણે જિલ્લાની કેટલીક હૉસ્પિટલો પીપીઈ કિટ્સ, એન-95 માસ્ક્સ, ગ્લવ્ઝ વગેરે સાધનોને નામે આડેધડ પૈસા પડાવતી હોવાના કિસ્સાના ઉદાહરણો સાથે અૅડ્વોકેટ અભિજિત મંગડેએ કરેલી જનહિતની અરજીની સુનાવણીમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ સારંગ કોટવાલની ડિવિઝન બેન્ચે પ્રાઇવેટ હૉસ્પિટલોની ઓવર ચાર્જિંગની પ્રવૃત્તિ રોકવા માટે રાજ્ય સરકારને ટકોર કરી હતી.

રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા અતિરિક્ત સરકારી વકીલ નિશા મહેરાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે હૉસ્પિટલોના બેડ તથા અન્ય બાબતોના ચાર્જિસ પર નિયંત્રણ મૂકતું ગવર્નમેન્ટ રેઝલ્યુશન(ઝીઆર) ૨૧ મેએ બહાર પાડ્યું હતું. એ વખતે ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર પ્રાઇવેટ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સની મનમાની રીતે બિલ વસૂલ કરવાની પ્રવૃત્તિ પર કેવી રીતે નિયંત્રણ રાખે છે એની જાણકારી માગી હતી. બેન્ચે આવી પ્રવૃત્તિ પર નિયંત્રણની કેવી જોગવાઈ કરી છે એની માહિતી માગી હતી. બેન્ચે અરજીના ઉદાહરણોમાં ઉલ્લેખિત બે હૉસ્પિટલો તથા રાજ્ય સરકારને આ સંદર્ભમાં એફિડેવિટ ફાઇલ કરવાની સૂચના સાથે આગામી સુનાવણી ૭ ઑગસ્ટ પર મુલતવી રાખી હતી.

mumbai mumbai news coronavirus covid19 lockdown