સવારે ૧૧ વાગ્યા પછી ટ્રેનમાં એન્ટ્રીનો શો અર્થ?

17 October, 2020 07:47 AM IST  |  Mumbai | Rohit Parikh

સવારે ૧૧ વાગ્યા પછી ટ્રેનમાં એન્ટ્રીનો શો અર્થ?

સવારે ૧૧ વાગ્યા પછી ટ્રેનમાં એન્ટ્રીનો શો અર્થ?

સરકારના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના સેક્રેટરી કિશોર રાજે નિબાંળકરે ગઈ કાલે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજરને મોકલેલા પરિપત્રમાં આજથી મહિલાઓને ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવાની જાણકારી આપી છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે સવારે ૧૧થી ૩ વાગ્યા સુધી અને સાંજે ૭થી રાતે લોકલ ટ્રેનો બંધ થાય ત્યાં સુધી મહિલાઓ માટે ટ્રેનોમાં પ્રબંધ કરવામાં આવે. આ સમય દરમ્યાન ઇમર્જન્સી સ્ટાફ સાથે મહિલાઓને પણ લોકલ ટ્રેનોની ટિકિટો પર મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે. આ મહિલાઓને ક્યુઆર કોડની જરૂર નથી. લોકોની ડિમાન્ડ સાથે આની સાથે ટ્રેનોની ફ્રિક્વન્સી વધારવી.
નવરાત્રોત્સવ અને દુર્ગાપૂજાની શરૂઆત સાથે મહારાષ્ટ્ર સરકારે મુંબઈની લોકલ ટ્રેનોમાં ટ્રાવેલિંગ કરવાની છૂટ આપી છે એનાથી મહિલાઓમાં આનંદની લહેર પ્રસરી છે. જોકે સરકારે મુસાફરીના સમય પર નિયંત્રણ રાખ્યું હોવાથી મહિલા પ્રવાસીઓ સંતુષ્ટ નથી. એ સિવાય આ મહિલાઓએ રેલવે પ્રશાસન પાસે કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિપત્ર હજી રેલવે પ્રશાસન સુધી પહોંચ્યો નથી. આથી આજથી તેમને લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવા મળશે કે નહીં એના પર શંકા છે.
આ પરિપત્ર મળ્યા બાદ મુંબઈમાં નોકરીએ જતી અનેક મહિલાઓ સાથે ‘મિડ-ડે’એ વાત કરી હતી. મોટા ભાગની મહિલાઓ કહે છે કે અત્યારે તો અમે વર્ક ફ્રૉમ હોમ કરીએ છીએ. અમારી કંપની અમને બોલવશે તો અમને ટ્રેનો શરૂ થવાથી જરૂર ફાયદો થશે. બીજું, કોવિડના સમયમાં ઓછી ટ્રેનો હોવાથી ગિરદી થશે અને એનાથી કોવિડ ફેલાઈ શકે છે. આ ઉપરાંત મુંબઈમાં સાધારણપણે એકથી બે કલાકની ટ્રેનની મુસાફરી કરીને લોકો કામના સ્થળે પહોંચતા હોય છે ત્યારે ૧૧ વાગ્યા પછી જ પ્રવાસની છૂટ મળે તો એ મહિલાઓ ઑફિસે પહોંચે ક્યારે અને પાછી આવે ક્યારે? આથી જ આ છૂટનો કેટલી વર્કિંગ વિમેન્સને ફાયદો મળી શકશે એ જ એક સવાલ છે અને આવો જ પ્રશ્ન ‘મિડ-ડે’એ જે મહિલાઓ સાથે વાત કરી એમાંની મોટા ભાગની સ્ત્રીઓએ ઉઠાવ્યો હતો.

વેસ્ટર્ન રેલવે કહે છે, ભેંસ ભાગોળે ને છાશ છાગોળે...

ગઈ કાલના મહારાષ્ટ્ર સરકારના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના પરિપત્ર પછી વેસ્ટર્ન રેલવેએ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના સેક્રેટરી કિશોર રાજે નિબાંળકરને એક પત્ર લખીને અમુક સ્પષ્ટતા માગી છે. આ પત્ર દ્વારા વેસ્ટર્ન રેલવેએ એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી અમને રેલવે બોર્ડ તરફથી અપ્રૂવલ મળશે નહીં ત્યાં સુધી અમે લોકલ ટ્રેનોમાં મહિલાઓને મુસાફરી કરવાની પરવાનગી આપી શકીશું નહીં.
જ્યાં સુધી રેલવે બોર્ડની અમને પરવાનગી નહીં મળે ત્યાં સુધી અમે મહિલાઓને મુસાફરી કરવાની પરવાનગી આપીશું નહીં. આજથી તમે જાહેર કરેલા સમય પ્રમાણે લોકલ ટ્રેનોમાં મહિલાઓને પરવાનગી આપવી શક્ય નથી.
એ સિવાય અમારે માટે એ પણ જાણવું જરૂરી છે કે મહિલાઓને પરવાનગી આપવાથી ટ્રેનોની ગિરદીમાં કેટલો વધારો થશે. આને માટે રેલવે ઑથોરિટી અને રાજ્ય સરકારે સાથે બેસીને વિશ્લેષણ કરવું જરૂરી છે.

mumbai mumbai news mumbai local train