આ ભાઈએ ઘરે બનાવેલી નોટબુકની શું ખાસિયત છે?

09 October, 2020 02:52 PM IST  |  Mumbai | Darshini Vashi

આ ભાઈએ ઘરે બનાવેલી નોટબુકની શું ખાસિયત છે?

ઑનલાઇન માધ્યમો પરથી લોકો ઘણું શીખી રહ્યા છે. કોઈ ફૂડ બનાવતા શીખે છે તો કોઈ ઇન્ટિરિયર તો કોઈ વેસ્ટમાંથી બેસ્ટ, પરંતુ ગોરેગામમાં રહેતા માનવ કારેલિયા ઑનલાઇન વિડિયોની મદદથી બુક બનાવતા શીખ્યા છે. એટલું જ નહીં, પરંતુ બજારમાં મળતી અન્ય નોટબુક કરતાં પોતાની બુકને અલગ ઓળખ આપવા તેઓ બાઇન્ડિંગથી લઈને એની અંદર વપરાતાં પેપર પણ અલગ યુઝ કરે છે.


ઇનોવેટિવ બુક બનાવતા માનવ કારેલિયા કહે છે, ‘બુક એવી હોવી જોઈએ કે જેમાં કંઈક સારું લખવાનું મન થઈ જાય. કંઈક સારું ચિત્રકામ કરવાની ઇચ્છા થઈ જાય. હું જે બુક બનાવું છું એ પણ આ વિચાર સાથે બનાવું છું. યુટ્યુબ પરથી મેં બુક બનાવવાના ઘણા વિડિયો જોયા, પરંતુ મારે એમાં ઘણા બદલાવ લાવવા હતા એટલે મેં મારી જાતે એમાં ઘણા ફેરફાર કર્યા, એના માટે ઘણું રિસર્ચ કર્યું જેમ કે હાથેથી બાઇન્ડિંગ કેવી રીતે કરવું, માર્કેટમાં ફરી-ફરીને ક્યાંથી સારી ક્વૉલિટીનાં અને પરવડી શકે એવા ભાવનાં પેપર મળે છે એની માહિતી એકઠી કરી અને લોકોને બુકમાં શું જોઈએ એ બધા ડેટા ભેગા કર્યા. ઘણી તપાસ બાદ મને ખબર પડી કે ક્રૉફ્ડ માર્કેટમાં કોઈક દુકાનમાં ઉચ્ચ ક્વૉલિટીનાં પેપર મળે છે એટલે મેં ત્યાંથી પેપર મગાવવાનાં શરૂ કર્યાં. એના પર સુંદર અને ઠંડા કલરનાં કવરપેજ લગાવ્યાં અને આકર્ષક બાઇન્ડિંગની મદદથી બુકને આકર્ષક રીતે પેશ કરી. મારી બુકનું મુખ્ય જમા પાસું એનાં પેપર છે, જે લૉન્ગ લાસ્ટિંગ રહે છે. બીજા કાગળની જેમ જલદી પીળા પડતાં નથી તેમ જ આસાનીથી ફાટતાં પણ નથી. એમાં લખેલું લખાણ અને દોરેલું ચિત્ર પણ ઘણાં વર્ષો સુધી એવું ને એવું જ જળવાઈ રહે છે એટલે જ લેખકો અને ચિત્રકારોને મારી બુક ગમે છે.’

 

darshini vashi