વેસ્ટર્ન રેલવેની દિવાળી સારી ગઈ

09 November, 2014 06:01 AM IST  | 

વેસ્ટર્ન રેલવેની દિવાળી સારી ગઈ



આ વર્ષની દિવાળી પશ્ચિમ રેલવે માટે સમૃદ્ધ નીવડી હતી. પશ્ચિમ રેલવેએ  ઑક્ટોબર મહિના દરમ્યાન ૪.૫૩ કરોડ રૂપિયા દંડ રૂપે વસૂલ કર્યા હતા. આ વિક્રમી આંકડો ચર્ચગેટથી દહાણુ સુધીના ટિકિટ વિનાના ઉપનગરીય પૅસેન્જરો પાસેથી વસૂલ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓએ આ બાબતને સામાન્ય ગણાવતાં જણાવ્યું હતું કે દિવાળી દરમ્યાન દરવર્ષે દંડવસૂલી વધે છે. આ સમયે પૅસેન્જરો ઉતાવળમાં હોવાથી કાયદો તોડવા પ્રેરાય છે.

આ વર્ષે ૨૩ ઑક્ટોબરે સત્તાવાળાઓએ ૪૯૦૦ ખુદાબક્ષોને પકડ્યા હતા જે ગયા વર્ષની દિવાળી (નવેમ્બર ૨૦૧૩)થી વધુ છે. ૨૦૧૩ની દિવાળીના દિવસે પશ્ચિમ રેલવેએ ૩૫૦૦ ખુદાબક્ષોને પકડ્યા હતા અને મહિના દરમ્યાન ૪.૦૧ કરોડ રૂપિયા દંડરૂપે વસૂલ કર્યા હતા.

અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે દિવાળીના દિવસો દરમ્યાન જનતા મોટી સંખ્યામાં સ્ટેશનો પર આવે છે જેથી ટિકિટ-કાઉન્ટર પર મોટી લાઇનો લાગે છે. ૭૫ ટકાથી વધુ લોકો ટિકિટ ખરીદે છે. માત્ર ૧૫થી ૧૮ ટકા લોકો ઑટોમૅટિક વેન્ડિંગ મશીન વાપરે છે, જ્યારે બાકીના કૂપન વૅલિડેટિંગ મશીનનો ઉપયોગ કરે છે. જોકે જ્યારે લાખો લોકો પ્રવાસ કરતા હોય ત્યારે ટિકિટ-કાઉન્ટરો પર મોટી લાઇનો લાગે છે. એથી કેટલાક લોકો સમય બચાવવા ટિકિટ લેવાનું ટાળે છે અથવા ઉચ્ચ શ્રેણીના કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરે છે અથવા રેલવે ફૂટઓવર બ્રિજ ટિકિટ વિના પસાર કરે છે.