વેસ્ટર્ન રેલવેની લાંબા અંતરની ટ્રેનોનાં એન્જિનમાં હવે ફિટ થશે CCTV કૅમેરા

23 June, 2025 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅસેન્જર અને ગુડ્સ ટ્રેન મળીને કુલ ૯૭૮ ટ્રેનના દરેક એન્જિનમાં હવે ૮-૧૦ લાખના ખર્ચે ૬ CCTV કૅમેરા બેસાડવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

જો કોઈ અકસ્માત થાય તો એનું કારણ જાણવા મદદરૂપ થઈ શકે એવા આશય સાથે હવે વેસ્ટર્ન રેલવેની ૮૧૦ ઇલેક્ટ્રિક અને ૧૬૮ ડીઝલ ટ્રેનના દરેક એન્જિનમાં ૬ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા બેસાડવામાં આવશે. આ પ્લાનમાં પૅસેન્જર અને ગુડ્સ બન્ને ટ્રેનોનો સમાવેશ છે.

આ કૅમેરાની ગોઠ‍વણ એ રીતે કરાશે કે ટ્રેનની આસપાસની ઇમેજ પણ કૅપ્ચર થાય અને એન્જિનની અંદરના લોકો-પાઇલટ (મોટરમૅન)ની પણ ગતિવિધિ નોંધી શકાય. દરેક એન્જિનમાં એક આગળ અને એક પાછળ કૅમેરા હશે. બે કૅમેરા બન્ને તરફની બારીઓ તરફ બહારની તરફ હશે અને બે કૅમેરા એન્જિનની અંદરની મૂવમેન્ટ કૅપ્ચર કરવા માટે હશે. અંદરની તરફ જે કૅમેરા હશે એમાં ઑડિયો-રેકૉર્ડિંગની પણ સુવિધા હશે. એથી બે લોકો-પાઇલટ વચ્ચે શું વાત થાય છે એ પણ જાણવા મળી શકશે. મુખ્યત્વે આ બધા જ કૅમેરા ઑફલાઇન હશે જેથી એ હૅક નહીં કરી શકાય. જ્યારે જરૂર જણાય ત્યારે એના ડેટા ચેક કરી શકાશે. આમાં આ કૅમેરા વિમાનના બ્લૅક બૉક્સ જેવું કામ આપશે.

ટ્રેનની આગળની તરફ લગાડવામાં આવેલા કૅમેરા જો અકસ્માત થાય તો એ કઈ પરિસ્થિતિમાં થયો એ બતાવી શકશે. સાથે જ જો કોઈ પાટા ઓળંગતું હોય તો એની પણ જાણ એનાથી થઈ શકશે. આ કૅમેરાના કારણે જો કોઈ અકસ્માત કે ઘટના ઘટે તો એનું ઍનૅલિસિસ કરવામાં, ચોક્કસ તારણ પર પહોંચવામાં અને હકીકત ઉજાગર કરવામાં સરળતા રહેશે. દરેક એન્જિનમાં ૮-૧૦ લાખ રૂપિયાના ખર્ચે આ કૅમેરા બેસાડવામાં આવશે.

western railway indian railways mumbai railways mumbai trains mumbai local train AC Local news mumbai mumbai news train accident central railway mumbai railway vikas corporation railway protection force