21 February, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ICFએ તૈયાર કરેલી પહેલી ૧૫ ડબ્બાની રેક મુંબઈ આવવા માટે રવાના થઈ ગઈ છે
ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (ICF)માં બનેલી પહેલી ૧૫ ડબ્બાની રેક ટૂંક સમયમાં વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનના કાફલામાં જોડાશે. અત્યાર સુધી વેસ્ટર્ન રેલવેમાં દોડતી ૧૫ ડબ્બાની ટ્રેન ખરેખર ૧૨ ડબ્બાની જ હોય છે, જેમાં બીજા ૩ ડબ્બા જોડીને ૧૫ ડબ્બાની રેક બનાવવામાં આવતી હતી. હવે ICFએ તૈયાર કરેલી પહેલી ૧૫ ડબ્બાની રેક મુંબઈ આવવા માટે રવાના થઈ ગઈ છે. આ રેક ૭૫૫૫ મુસાફરોની ક્ષમતા ધરાવે છે એટલે ૧૨ ડબ્બાની રેક કરતાં પચીસ ટકા વધુ મુસાફરો લાભ લેશે. આ નૉન-ઍરકન્ડિશન્ડ રેકની ડિઝાઇન એવી છે કે હવાની સારી અવરજવર રહેવાથી ભીડના સમયે પણ મુસાફરોને ગૂંગળામણ અનુભવાશે નહીં. બીજી ૧૫ ડબ્બાની રેક પણ ફેબ્રુઆરીના અંત સુધીમાં મુંબઈ પહોંચશે. બન્ને ૧૫ ડબ્બાની નવી રેક અત્યારે વેસ્ટર્ન રેલવેમાં દોડતી ૧૨ ડબ્બાની રેકને બદલે દોડાવવામાં આવશે. એક રેક ૧૫ ડબ્બાની થાય તો ટ્રેનની ૨૦થી બાવીસ ફેરી ૧૫ ડબ્બાની થઈ જાય. આ રીતે ભવિષ્યમાં ૧૫ ડબ્બાની રેકની ૨૪૦ ફેરી વધારવાનું પ્લાનિંગ છે. એ માટે વિલે પાર્લે, ખાર રોડ અને બાંદરાના પ્લૅટફૉર્મની લંબાઈ વધારવાનું કામ પણ ચાલી રહ્યું છે.