ફરી એક વાર વેસ્ટર્ન રેલવેના પ્લૅટફૉર્મ પર આરઓના પીવાના પાણીની સુવિધા મળશે

05 January, 2023 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેએ આ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. કોરોના પહેલાં પ્લૅટફૉર્મ પર આરઓના પીવાના પાણીની વૉટર વેન્ડિંગ મશીન દ્વારા સુવિધા અપાતી હતી. એમાં એક ગ્લાસ પાણી માટે એક રૂપિયો અને એક લિટરની બૉટલ માટે માત્ર પાંચ રૂપિયા ચૂકવવા પડતા હતા. જોકે કોરોના પછી આ સુવિધા બંધ થઈ ગઈ હતી એ ફરીથી ચાલુ થવા જઈ રહી છે. વેસ્ટર્ન રેલવેએ આ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે.

વેસ્ટર્ન રેલવે કુલ ૯૭ વૉટર વેન્ડિંગ મશીન બેસાડવાની છે. એમાંથી લોકલને આવરી લેતાં ૩૭ સ્ટેશન પર ૬૭ મશીન‌ બેસાડવામાં આવશે. કોરોના પહેલાં પ્રવાસીઓ એનો ભરપૂર લાભ લેતા હતા. જોકે કોરોના વખતે એ અટકી પડી હતી અને એ પછી આ​ઇઆરસીટીસીએ એ સુવિધા બંધ કરવી પડી હતી. ત્યાર બાદ એ સંદર્ભે કેસ પણ થયો હતો. જોકે હવે આઇઆરસીટીસી ફરી એ સુવિધા આપવાની છે અને એ માટે ટેન્ડર પણ મગાવ્યાં છે. ટૂંક સમયમાં એ સુવિધા કાર્યરત થઈ જતાં લોકોને ચોખ્ખા અને સસ્તા પાણીનો વિકલ્પ ફરી ઉપલબ્ધ થશે. 

mumbai mumbai news western railway