20 August, 2026 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
AI ઇમેજ
સોશ્યલ મીડિયા પર વિવિધ ન્યુઝ-હૅન્ડલ્સ અને પ્લૅટફૉર્મ્સ દ્વારા ગઈ કાલે વાઇરલ થયેલા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હાઇજીન (સ્વચ્છતા)ના અભાવના કારણે મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બાંદરા સ્ટેશનના ૧૧ સ્ટૉલ્સ સહિત રેલવેના કુલ બાવીસ ફૂડ-સ્ટૉલ્સને બંધ કરી દેવામાં આવ્યા છે. જાણીતી ન્યુઝ-ચૅનલોના નામે વાઇરલ થઈ રહેલા આ દાવાઓ બાદ મુસાફરોમાં ચિંતા અને ગેરસમજ ઊભી થઈ હતી. આ વાઇરલ દાવાઓનું ખંડન કરતાં વેસ્ટર્ન રેલવેએ ટ્વીટ કરીને સત્તાવાર ફૅક્ટ ચેક જાહેર કર્યું છે. રેલવે-પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ‘બાવીસ ફૂડ-સ્ટૉલ્સ બંધ કરવા વિશેના તમામ સમાચાર સંપૂર્ણપણે ખોટા, નિરાધાર અને ભ્રામક છે. વાસ્તવમાં રેલવે દ્વારા કોઈ પણ ફૂડ-સ્ટૉલ બંધ કરવામાં આવ્યો નથી. રેલવે-સ્ટેશનો પર આવેલા તમામ ખાનપાનના સ્ટૉલ્સ નિયમિતપણે ચાલુ છે અને ત્યાં મુસાફરોની સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.’