ટૂંક સમયમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે બનશે પોટહોલ-ફ્રી!

09 May, 2020 05:28 PM IST  |  Mumbai Desk | Ranjeet Jadhav

ટૂંક સમયમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે બનશે પોટહોલ-ફ્રી!

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનું રિપેરિંગ 31મે સુધી પૂરું થઈ જશે. તસવીર કૌશલ દુબે

લૉકડાઉનનો સમયગાળો મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. વર્તમાન પરિસ્થિતિ વચ્ચે એમએમઆરડીએએ નુકસાનગ્રસ્ત, પરંતુ ટ્રાફિક-ફ્રી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ડબલ્યુઈએચ)ના સમારકામની તક ઝડપી લીધી છે. આ કાર્ય ૩૧ મે સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ટૂંક સમયમાં શરૂ થનારા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરનું કામ પણ ૩૧ મે સુધીમાં પૂરું થવાની અપેક્ષા છે. આ ચોમાસામાં મુંબઈગરાઓ પોટહોલ-ફ્રી માર્ગની આશા સેવી શકે છે.

એમએમઆરડીએના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે ‘ડબલ્યુઈએચના સમારકામનો સમયગાળો ૧૧ મહિનાનો છે, પરંતુ લૉકડાઉનને કારણે અમે એક મહિનાની અંદર ૩૧ મે સુધીમાં કામ પૂરું કરી શકીશું. આ કામનો ખર્ચ ૪૭ કરોડ રૂપિયા છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના ખરાબ પટ્ટા પર પણ ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. લગભગ ૧૧ મેથી કામ શરૂ થશે અને એ માટેનો ખર્ચ આશરે ૩૦ કરોડ રૂપિયા છે અને કામગીરી ૩૧ મે સુધીમાં પૂરી કરવાના પ્રયાસ કરવામાં આવશે. યોજના પ્રમાણે કામ વહેલી તકે પૂરું થાય એ સુનિશ્ચિત કરવા માટે એને ચાર-પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે.’

એમએમઆરડીએનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત કામ વહેલી તકે પૂરું કરવાનો વિચાર છે જેથી ચોમાસા દરમ્યાન આ હાઇવેનો ઉપયોગ કરનારા મોટરચાલકોએ અસુવિધાનો અનુભવ ન કરવો પડે.

ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે એ પશ્ચિમ ભાગના પરાં વિસ્તારને શહેર સાથે જોડતો મુખ્ય હાઇવે છે.

ranjeet jadhav mumbai western express highway mumbai news