પાણીનો બેફામ વેડફાટ

26 October, 2012 08:26 AM IST  | 

પાણીનો બેફામ વેડફાટ



કાંદિવલી અને બોરીવલીની વચ્ચે પાણીના પ્રાઇવેટ માલિકીના ટૅન્કરોમાં પાણી ભરવાનું કામ કરનારા કર્મચારીઓ નળ બંધ કરવાનું ભૂલી જતા હોવાથી રોજ હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે.

શહેરમાં એક તરફ કાયમ પાણી કાપ અને અપૂરતા પાણી-પુરવઠાની બૂમાબૂમ થતી હોય છે અને આ વર્ષે‍ પણ ચોમાસાના પ્રારંભથી સપ્ટેમ્બર મહિનાના અંત સુધી શહેર પર પાણીકાપની તલવાર લટકતી રહી હતી. ભરચોમાસે શહેરે પાણીકાપનો સામનો કર્યો હતો. આ પરિસ્થિતિને કારણે સુધરાઈના કમિશનરે તો નાગરિકોને પાણીની બચત કરવાની મહામૂલી સલાહ પણ આપી હતી, પરંતુ સુધરાઈના જ કર્મચારીઓ કમિશનરની સલાહ સાંભળતા ન હોવાનું જણાય છે.

કાંદિવલીના રહેવાસી અને લિન્ક રોડ પરથી રોજ અવરજવર કરતા અનિલ ચાસકરે કહ્યું હતું કે ‘મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પાણીની બચત કરવાની વાતો કરે છે. આખા શહેરમાં અને બધી જ ઑફિસોમાં પાણીના એકેએક ટીપાને બચાવવાનો સંદેશા આપતાં બૅનરો લગાવ્યાં છે અને અમે રોજ તેમના કર્મચારીઓને હજારો લિટર પાણી વેડફતા જોઈએ છીએ. વસંત કૉમ્પ્લેક્સ નજીક સુધરાઈની પાણીની પાઇપલાઇન આવેલી છે, જેમાંથી પ્રાઇવેટ વૉટર ટૅન્કરો પાણી ભરતાં હોય છે. મેં ઘણી વખત જોયું છે કે ૧૦,૦૦૦ લિટરની કૅપેસિટી ધરાવતા ટૅન્કરને પાણી ભરવા માટે માંડ છ મિનિટ લાગે છે. એટલે આ પાણીનો ર્ફોસ કેટલો હશે તેની કલ્પના કરી શકાય છે. એક ટૅન્કર ભરાયા પછી તેને આગળ લઈ જતી વખતે કર્મચારીઓ પાણી બંધ કરતા નથી. એક ટૅન્કર ખસે અને બીજું ટૅન્કર આવે ત્યાં સુધી પાણી વેડફાય છે. સામાન્ય રીતે પાણીનો જે ર્ફોસ હોય છે તેમાં ૩૦ સેકન્ડમાં ૮૪૦ લિટર પાણી વેડફાય છે. દર વખતે આટલું પાણી વેડફાય તો દિવસમાં કેટલા લિટર પાણી વેડફાતું હશે તેનો અંદાજ બાંધી જુઓ.’ 

નાગરિકોએ એવી પણ ફરિયાદ કરી હતી કે સુધરાઈની પાઇપલાઇનમાંથી ટૅન્કરને પાણી આપવાના સમયે સુધરાઈના અધિકારી હાજર જ હોય છે, પરંતુ એ પણ પાણીના વેડફાટ પ્રત્યે બેદરકાર હોય છે.

કાંદિવલીની એનજીઓ (નૉન ગવર્નમેન્ટ ઑર્ગે‍નાઇઝેશન) પાવિત્રીબાઈ પ્રતિષ્ઠાને પાણીના વેડફાટ બાબતે સુધરાઈને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં હજી તેમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.

મહાવીરનગરના રહેવાસી અરુણ કેજરીવાલે કહ્યું હતું કે ‘એક તરફ શહેરમાં પાણીની તીવ્ર તંગી વર્તાઈ રહી છે અને બીજી તરફ પાણીનો આવો વેડફાટ થાય છે તેને રોકવા કોઈ પગલાં લેવામાં આવતાં નથી. આ બનાવને કારણે પ્રાઇવેટ ટૅન્કર લૉબી અને સુધરાઈના અધિકારીઓ વચ્ચેની સાઠગાંઠ પણ બહાર આવી છે.’

આર-સેન્ટ્રલ વૉર્ડના વૉટર વક્ર્સ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર મંગેશ શેવાળેએ પાણીના વેડફાટ વિશે કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું.