મુંબઈમાં થોડા દિવસ વાદળછાયું અને ઉકળાટભર્યું વાતાવરણ રહેશે

07 May, 2021 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવામાન ખાતાની આગાહી : જોકે અત્યારની સ્થિતિ જોતાં વરસાદ નહીં પડે

પુણે, સાતારા, સાંગલી, અહમદનગર, ઓસ્માનાબાદ, નંદુરબાર અને ધુળે જિલ્લાઓમાં વાવાઝોડું આવે એવી શક્યતા છે.

મહારાષ્ટ્રના પુણે, સાતારા, સાંગલી, અહમદનગર, ઓસ્માનાબાદ, નંદુરબાર અને ધુળે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વાવાઝોડું અને પવન ફૂંકાય અને હળવાથી ભારે વરસાદ પડે એવી શક્યતા છે એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. જોકે મુંબઈમાં આગામી થોડા દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને ઉકળાટ અનુભવાશે. ગુરુવારે શહેરમાં ભેજનું પ્રમાણ આશરે ૭૮ ટકા જેટલું રહ્યું હતું.

હવામાન ખાતાના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈમાં વાદળો છવાયેલાં રહેશે, પરંતુ હાલની સ્થિતિ જોતાં વરસાદની આગાહી નથી. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ભેજ વર્તાય છે અને આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ વધે એવી શક્યતા છે.’

આઇએમડીએ એમ પણ જણાવ્યું હતું કે ‘કોંકણના કેટલાક વિસ્તારોમાં અને મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગોમાં વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે તેમ જ મધ્ય મહારાષ્ટ્ર અને એની આસપાસના અંતરિયાળ ભાગોમાં કરા પડે એવી સંભાવના છે. એમપી, પુણે, સાતારા, સાંગલી, નાશિક અને મરાઠવાડાના અન્ય ભાગો પર સંવાહી વાદળો રચાઈ રહ્યાં હોવાનું આઇએમડી દ્વારા ઉપગ્રહનાં અવલોકનોના આધારે શુક્રવારે જણાવવામાં આવ્યું હતું.

mumbai mumbai news mumbai weather mumbai rains pune satara sangli