કાલથી વરસાદનાં વળામણાં થશે

17 September, 2022 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સહિત આસપાસ ગઈ કાલે ધોધમાર વરસાદ પડવાથી અનેક સ્થળોએ પાણી ભરાયાં : ટ્રાફિકની સમસ્યા નડી : ગભરાઈ ગયેલા લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું માંડી વાળ્યું

ગઈ કાલે સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ પર વરસાદને લીધે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. સૈયદ સમીર અબેદી

હવામાન વિભાગે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં આ વર્ષનું ચોમાસું પૂરું થવાની આગાહી આ મહિનાની શરૂઆતમાં કરી હતી. એ મુજબ અત્યારે પાછોતરો વરસાદ પડી રહ્યો છે. જોકે ગઈ કાલે સવારના સમયે અચાનક મુશળધાર વરસાદ પડવાને લીધે મુંબઈ અને આસપાસમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સાથે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. સવારની સ્થિતિ પરથી એવું લાગ્યું હતું કે આજે મુંબઈ ફરી જળબંબાકાર થશે એટલે મોટા ભાગના લોકોએ ઘરોમાંથી બહાર નીકળવાનું માંડી વાળ્યું હતું. જોકે બપોર બાદ વરસાદનું જોર ઘટતાં બધાના શ્વાસ હેઠા બેઠા હતા. હવામાન વિભાગે ગઈ કાલે આગાહી કરી હતી કે આજે અમુક વિસ્તારમાં થોડો વરસાદ પડશે અને આવતી કાલથી વરસાદ એકદમ ઓછો થઈ જશે કે નહીંવત્ નોંધાશે. આથી કહી શકાય કે બેત્રણ દિવસમાં વરસાદનાં વળામણાં થઈ જશે.

હવામાન વિભાગની માહિતી મુજબ અરબી સમુદ્રથી લઈને ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સુધી હવાનું દબાણ નિર્માણ થવાથી સીઝનના અંતિમ ભાગમાં હોવા છતાં ચોમાસું વધુપડતું સક્રિય થયું હતું એટલે મુંબઈ, કોંકણ, થાણે, પાલઘર અને રાયગઢ સહિતના વિસ્તારમાં મુશળધાર વરસાદ નોંધાયો હતો.

મુંબઈમાં વહેલી સવારથી લઈને અગિયાર વાગ્યા સુધી રોકાઈ-રોકાઈને વરસાદનાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં એટલે અંધેરી, લોઅર પરેલ, હિંદમાતા, દાદર તેમ જ દક્ષિણ મુંબઈમાં નીચાણવાળા ભાગોમાં દોઢથી બે ફુટ જેટલું પાણી ભરાવાની સમસ્યા સરજાઈ હતી. આમ જોવા જઈએ તો ગયા ચોવીસ કલાકમાં શહેર અને પશ્ચિમી તેમ જ પૂર્વનાં પરાંમાં અનુક્રમે ૩૭.૭૧ એમએમ, ૪૩.૩૮ એમએમ અને ૩૬.૮૮ એમએમ એટલે કે દોઢેક ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો; પરંતુ વરસાદની તીવ્રતા ખૂબ હોવાથી કેટલાંક સ્થળે પાણી ભરાયાં હતાં.

મુંબઈ અને આસપાસના હાઇવેમાં ભારે વરસાદની સાથે મોટા પ્રમાણમાં પડી ગયેલા ખાડાઓને લીધે તેમ જ કેટલાંક સ્થળે વાહનો બંધ પડી જવાથી ટ્રાફિકની સમસ્યા સરજાઈ હતી. ખાસ કરીને સવારના ધસારાના સમયે લોકો હેરાન થયા હતા, પરંતુ વરસાદનું જોર ઓછું થયા બાદ બધું ધીમે-ધીમે સામાન્ય થઈ ગયું હતું.

હવામાન વિભાગના પ્રવક્તાએ ગઈ કાલે આગાહી કરી હતી કે ‘આગામી ૨૪ કલાકમાં વરસાદનું જોર ઘટશે અને એ પછીના ૨૪ કલાકમાં વરસાદ લગભગ બંધ થઈ જાય એવી શક્યતા છે. ૧૫ સપ્ટેબરની આસપાસ ચોમાસું પૂરું થવાની શક્યતા પહેલાં જ વ્યક્ત કરવામાં આવી હતી. એ મુજબ જ અત્યારે વરસાદની હિલચાલ થઈ રહી છે.’

થાણેમાં ૧૦ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો

થાણેમાં ગુરુવારે રાતથી શરૂ થયેલા વરસાદે ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યાથી જોર પકડ્યું હતું અને સાંજે ૫.૩૦ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં ૧૦૩.૧૧ એમએમ એટલે કે ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ચોમાસામાં ૧૦ કલાકમાં આટલો વરસાદ પહેલી વખત પડ્યો હતો. ભારે વરસાદને પગલે અહીંના વંદના, ટેકડી બંગલા, ભાસ્કર કૉલોની, ઉથળસર ગવળી પાડા, ચિતળસર મુમ્બ્રા ઠાકુર પાડા અને જૂના આરટીઓ ઑફિસ પરિસર સહિતના વિસ્તારમાં દોઢથી ત્રણ ફીટ જેટલું પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. થાણેમાં ગયા વર્ષે ચોમાસાની આખી સીઝનમાં ૩૧૬૪.૨૭ એમએમ એટલે કે ૧૨૬.૫૬ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે જોરદાર વરસાદ પડ્યો હોવા છતાં અત્યાર સુધી અહીં ૨૬૬૩.૭૫ એમએમ એટલે કે ૧૦૬.૫૫ ઇંચ વરસાદ નોંધાયો છે. 

અંધેરી સબવેએ ફરી એક વાર મુંબઈગરાને કર્યા નિરાશ

સવારના સમયે વરસાદનું પ્રમાણ વધારે હતું ત્યારે અંધેરી સબવેમાં ૩થી ૪ ફુટ સુધીનાં પાણી ભરાયાં હતાં. પાણી ભરાતાં ટ્રાફિક પણ ખૂબ વધ્યો હતો. એ બાદ સબવેને વાહનો અને નાગરિકો માટે પૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો હતો તેમ જ સબવેની બહાર પોલીસ અને બીએમસીના લાઇફગાર્ડનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. જોકે બપોર બાદ પાણી ઊતરતાની સાથે સબવેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.  

Mumbai mumbai news Weather Update mumbai weather mumbai rains