રોજ વહેલી સવારે એક્સરસાઇઝ કરવા જતા હો તો માસ્ક પહેરજો

10 November, 2022 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિયાળાની શરૂઆત થતાં મુંબઈમાં હવાની ક્વૉલિટી ખરાબ થઈ : અંધેરી-પૂર્વમાં સૌથી ખરાબ ૨૯૪ તો ભાંડુપ-વેસ્ટમાં ૯૬ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ સાથે હવા સંતોષકારક : હવાની ગુણવત્તાની સરેરાશ ૧૬૬ થવાથી શ્વાસની બીમારીવાળાઓને મુશ્કેલી થઈ શકે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ચારેક દિવસથી મુંબઈમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો સહેજ ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવાની ક્વૉલિટીમાં પણ ફેરફાર નોંધાયો છે. સિસ્ટમ ઑફ ઍર ક્વૉલિટી ફૉરકાસ્ટ ઍન્ડ રિસર્ચ (સફર)ના રિપોર્ટ મુજબ બે દિવસમાં શહેરની હવાની ગુણવત્તા મધ્યમથી ખરાબ થઈ છે. સરેરાશ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૧૬૬ નોંધાયો છે. અંધેરી-પૂર્વમાં સૌથી ખરાબ ૨૯૪ તો ભાંડુપ-વેસ્ટમાં ઇન્ડેક્સ ૯૬ રહ્યો છે. હવામાં બારીક રજકણ જોવા મળી રહ્યા છે જેને કારણે બુધવારે સાંજે થયેલા ખગ્રાસ ચંદ્રગ્રહણ દરમ્યાન મુંબઈ અને આસપાસના અનેક વિસ્તારોમાં ચંદ્ર ઝાંખો દેખાયો હતો. વહેલી સવારે કસરત કરવા જતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

નવી દિલ્હીમાં દર વર્ષની જેમ આ વર્ષે પ્રદૂષણને લીધે હવા ઝેરી થઈ છે ત્યારે મુંબઈમાં પણ પ્રદૂષણ અને શિયાળાને કારણે હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. ૫૦થી ૧૦૦ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ સુધી હવા સામાન્ય ગણાય છે, જ્યારે મુંબઈમાં અત્યારે સરેરાશ ઇન્ડેક્સ ૧૬૬ છે જેને કારણે ફેફસાંની બીમારીવાળા દરદીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે. ઠંડીની શરૂઆતમાં હવા ભારે થઈ જાય છે એટલે બારીક રજકણો વધારે ઊંચાઈએ જઈ નથી શકતા એટલે હવાની ક્વૉલિટી ખરાબ થાય છે.

સફરના રિપોર્ટ મુજબ હવામાં રજકણોનો વધારો થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની સાથે વિઝિબિલિટી પણ ઘટી જાય છે. ગઈ કાલે મુંબઈના વિવિધ વિસ્તારોની હવાની ક્વૉલિટી પર નજર નાખીએ તો અંધેરી-પૂર્વના ચકાલા વિસ્તારમાં સૌથી ખરાબ હવા રહી હતી, જ્યારે ભાંડુપ-વેસ્ટમાં હવાનું પ્રમાણ સંતોષજનક રહ્યું હતું.

પશ્ચિમનાં પરાંમાં મલાડથી લઈને બોરીવલીના વિસ્તારોમાં બોરીવલીમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૧૨૨, કાંદિવલીમાં ૧૬૫ અને મલાડમાં ૧૬૫ નોંધાયો હતો. પૂર્વનાં પરાંમાં ભાંડુપમાં સૌથી સારો ૯૬ એક્યુઆઇ અને  મુલુંડમાં ૧૮૭ ઇન્ડેક્સ રહ્યો હતો.

પવઈમાં હવાની ગુણવત્તા ૧૬૧, અંધેરી-પૂર્વના ચકાલામાં ૨૯૪, વિલે પાર્લેમાં ૨૧૩, છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ વિસ્તારમાં ૨૦૩ ઇન્ડેક્સ નોંધાયો હતો. કુર્લામાં ૨૧૫ અને મીઠી નદીને લીધે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં ૨૫૫ ઇન્ડેક્સ રહ્યો હતો.

સાયનમાં ૨૦૯, દેવનારમાં ૨૩૨, વરલીમાં ૧૨૯ તો મઝગાંવમાં ૨૪૦ અને કોલાબામાં ૧૭૩ એક્યુઆઇ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે હવાની ક્વૉલિટીની ગણતરી ઝીરોથી ૫૦૦ સુધીના ઇન્ડેક્સમાં થાય છે. ઝીરોથી ૫૦ સારી હવા ગણાય છે. ૫૧થી ૧૦૦ સંતોષજનક, ૧૦૧થી ૨૦૦ મધ્યમ પ્રદૂષિત, ૨૦૧થી ૩૦૦ ખરાબ, ૩૦૧થી ૪૦૦ ખૂબ ખરાબ અને ૪૦૧થી ૫૦૦ ઇન્ડેક્સ ખૂબ જ ગંભીર હવા માનવામાં આવે છે.

નવી દિલ્હીમાં અત્યારે સરેરાશ હવાની ગુણવત્તા ૨૫૦થી વધુ છે એટલે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની સાથે દિવસે પણ અમુક અંતર પર જોઈ નથી શકાતું. 

mumbai mumbai news air pollution