ચૂંટણી પહેલાં આતંકનું કાવતરું મનોરમાંથી ૩ એકે-૪૭ સહિતનાં શસ્ત્રો જપ્ત

01 October, 2019 09:48 AM IST  |  મુંબઈ ડેસ્ક

ચૂંટણી પહેલાં આતંકનું કાવતરું મનોરમાંથી ૩ એકે-૪૭ સહિતનાં શસ્ત્રો જપ્ત

મનોર પોલીસે ટ્રૅપ કરીને પકડી પાડેલાં હથિયાર અને ડ્રગ્સ.

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે ક્રમાંક-૮ ઉપર એક ધાબા પાસે લગભગ ૩ એકે-૪૭ કન્ટ્રીમેડ રાઈફલ્સ, ૪ રિવોલ્વર, પિસ્તોલ, ૬૩ રાઉન્ડ બુલેટ્સ અને ડ્રગ્સ - એમ કુલ લગભગ ૧૪ કરોડ રૂપિયાની વસ્તુઓ લઈને બે જણ આવશે એવી માહિતી મનોર પોલીસને ગુપ્તચરો પાસેથી મળી હતી. એ અનુસાર પોલીસે ટ્રૅપ બેસાડી અને શંકાસ્પદ એસયુવીની તપાસ કરતાં વસ્તુઓ મળી આવી અને બે જણની ધરપકડ કરાઈ હતી.

બૉઈસર પાસે ચિલર ફાટા પાસે આવેલા હિન્દુસ્તાન ધાબા પર આરોપીઓ રવિવારે સાંજે એસયુવી લઈને આવ્યા હતા. માહિતીના આધારે પોલીસે ટીમ બનાવી અને ટ્રૅપ રાખ્યો હતો. આરોપીઓ પાસે બે બૅગ ભરીને હથિયાર અને ડ્રગ્સ મળી આવ્યાં હતાં. મનોર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રતાપ દરાડેએ કહ્યું હતું કે ‘આરોપીઓ આ બધી વસ્તુઓ મુંબઈમાં કોઈ ગ્રાહકોને વેચવા આવ્યા હતા. બે આરોપીની ધરપકડ કરીને પાલઘર કોર્ટમાં હાજર કરાતાં તેમને ૧૦ ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડીનો આદેશ અપાયો છે. ચૂંટણી પહેલાં આટલા પ્રમાણમાં હથિયાર અને ડ્રગ્સ મળતાં પોલીસે હાઇવે પર તપાસ વધુ સખત કરી છે. તેમ જ આ કામમાં કેટલા લોકો હજી સામેલ છે એ તપાસ કરવામાં આવી રહી છે.’

અસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રતાપ દરાડેને આ કેસ પકડવા માટે પ્રશંસા કરતું સર્ટિફિકેટ પણ પાલઘર એસપી આપવાના છે.

mumbai mumbai news Election 2019