વેલ્થ ટૅક્સની મૅટરમાં શાહરુખ ખાનને ઇન્કમ-ટૅક્સ ટ્રિબ્યુનલે રાહત આપી

14 December, 2014 05:21 AM IST  | 

વેલ્થ ટૅક્સની મૅટરમાં શાહરુખ ખાનને ઇન્કમ-ટૅક્સ ટ્રિબ્યુનલે રાહત આપી



શાહરુખ ખાને તેની પત્નીને ફ્લૅટ અને ઘરેણાં ખરીદવા માટે ઇન્ટરેસ્ટ-ફ્રી લોનરૂપે આપેલા ૨.૨૮ કરોડ રૂપિયાને તેની નેટ વેલ્થમાં ઉમેરવાના ટૅક્સ ઑથોરિટીઝના ઑર્ડરને ઇન્કમ-ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલે રદ કર્યો છે. લોન પર આપવામાં આવેલા ૨.૨૮ કરોડ રૂપિયામાંથી સુપરસ્ટારની પત્ની ગૌરીએ ૧.૬૫ કરોડ રૂપિયામાં દિલ્હીમાં ઘર ખરીદ્યું અને ૬૩ લાખ રૂપિયાનાં ઘરેણાં ખરીદ્યાં. એ રકમને કમિશનર ઑફ ઇન્કમ-ટૅક્સ (અપીલ્સ)એ ઇનડાયરેક્ટ ટ્રાન્સફર ઑફ ઍસેટ્સ ગણીને એને શાહરુખની વર્ષ ૨૦૦૫-’૦૬ની અસેસમેન્ટને પાત્ર ચોક્કસ સંપત્તિ (નેટ વેલ્થ)માં ઉમેરવાનો આદેશ આપ્યો હતો.

એની સામે ઇન્કમ-ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે બુધવારે જણાવ્યું હતું કે ‘કમિશનર ઑફ વેલ્થ ટૅક્સ (અપીલ્સ)એ શાહરુખની નેટ વેલ્થમાં ૨.૨૮ કરોડ રૂપિયા ઉમેરવાનું પગલું ન્યાયી રીતે નથી લીધું. શાહરુખની પત્નીએ ખરીદેલું ઘર અને ઝવેરાતને ઇનડાયરેક્ટ ટ્રાન્સફર ઑફ ઍસેટ્સ ગણવી ભૂલભરેલી છે.’

શાહરુખના વકીલ હીરો રાયે તેણે પત્નીને લોનરૂપે આપેલી રકમને ટ્રાન્સફર ઑફ ઍસેટ્સ ન ગણી શકાય એમ જણાવતાં દલીલરૂપે કર્ણાટક હાઈ ર્કોટનો ચુકાદો ટાંક્યો હતો. વકીલે જણાવ્યું હતું કે શાહરુખે પત્નીને આપેલી રકમ અકાઉન્ટ બુક્સમાં નોંધાયેલી હોવાથી એને પતિ તરફથી પત્નીને ટ્રાન્સફર ઑફ ઍસેટ્સ ગણી શકાય નહીં.
વર્ષમાં ૩૦ લાખ રૂપિયાથી વધારે રકમ માટે અસેસીની નેટ વેલ્થના એક ટકા લેખે વેલ્થ ટૅક્સ લાગુ કરવામાં આવે છે. નેટ વેલ્થમાં રહેણાકનું ઘર (એક ઘર માટે એક્ઝૅમ્પ્શન) અને ઝવેરાત આવે છે.