શરજીલ ઇમામની તરફેણમાં કોણે કરી નારાબાજી? : પોલીસની તપાસ

03 February, 2020 10:00 AM IST  |  Mumbai | Faizan Khan

શરજીલ ઇમામની તરફેણમાં કોણે કરી નારાબાજી? : પોલીસની તપાસ

‘ક્વીઅર મુંબઈ પ્રાઇડ માર્ચ’

દિલ્હી પોલીસે રાષ્ટ્રદ્રોહના આરોપસર ધરપકડ કરેલા શરજીલ ઇમામને બિરદાવતા સૂત્રોચ્ચારના વિડિયોની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. એ સૂત્રોચ્ચાર ગયા શનિવારે આઝાદ મેદાનમાં ‘ક્વીઅર આઝાદી મુંબઈ’ના ઉપક્રમે યોજાયેલી ‘ક્વીઅર મુંબઈ પ્રાઇડ માર્ચ’ દરમ્યાન કરવામાં આવ્યો હોવાનું મનાય છે. નાગરિકતા કાયદા, નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણો કરવા બદલ રાષ્ટ્રદ્રોહના આરોપસર શરજીલ ઇમામની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ‘ક્વીઅર આઝાદી મુંબઈ’ સંગઠને ઉક્ત ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારને વખોડતાં એની સાથે કોઈ સંબંધ નહીં હોવાની જાહેરાત કરી છે. 

બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા અને બીજેપી મહારાષ્ટ્રના ટ્વિટર હેન્ડલ પર ઉક્ત વાંધાજનક વિડિયો શૅર કરવામાં આવ્યા પછી એ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. એ વિડિયોમાં સેંકડો લોકો ‘શરજીલ તેરે સપનોં કો મંઝિલ તક પહુંચાયેંગે’ સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. ટ્વિટર પર વિડિયો સાથે લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘વિડિયોમાં સંભળાતો વાંધાજનક સૂત્રોચ્ચાર આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન કરવામાં આવ્યો હતો કે નહીં એની તપાસના અનુરોધ સાથે મેં મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં એનઆરસીનો અમલ કોઈ કાળે નહીં કરાય : ઉદ્ધવ ઠાકરે

મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે એ વિડિયોની ગંભીર નોંધ લીધી છે. વિડિયોની ઑથોન્ટિસિટી બાબતે ફોરેન્સિક એક્સ્પર્ટ્સનો રિપોર્ટ મળ્યા પછી અમે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધીશું. એ દેખાવો દરમ્યાન અમારી ટીમે કરેલા રેકૉર્ડિંગનાં ફૂટેજીસ તપાસીને કાયદા વિરોધી સૂત્રોચ્ચાર કે પ્રવૃત્તિ જણાશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કેસ નોંધીશું.’

azad maidan kirit somaiya bharatiya janata party mumbai police mumbai news lesbian gay bisexual transgender faizan khan