બીજા-ત્રીજા-ચોથા ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો દરિયાને લગતા પ્રોજેક્ટમાં

25 August, 2025 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોર્ટની કથીડ્રલ ઍન્ડ જૉન કૉનન સ્કૂલનું અનોખું ઇનિશ્યેટિવ

બીજા-ત્રીજા-ચોથા ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો દરિયાને લગતા પ્રોજેક્ટમાં

બાળકોને ફક્ત ક્લાસરૂમ-ટ્રેઇનિંગ આપવાને બદલે પ્રોજેક્ટ-બેઝ્ડ લર્નિંગ પર ફોકસ કરીને, રેગ્યુલર સબ્જેક્ટ ઉપરાંત રિયલ વર્લ્ડ પ્રૉબ્લેમ્સ વિશે ભણાવવાનું મહત્ત્વ સમજીને સાઉથ મુંબઈના ફોર્ટમાં આવેલી કથીડ્રલ ઍન્ડ જૉન કૉનન સ્કૂલના વિદ્યાર્થીઓને દરિયાઈ જીવસૃષ્ટિ, ઇકોસિસ્ટમ, દરિયાઈ વિભાગો વિશે ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી.

‘વેવ્સ ઑફ વન્ડર્સ’ નામના આ પ્રોજેક્ટ અંતર્ગત આ સ્કૂલના બીજા, ત્રીજા અને ચોથા ધોરણમાં ભણતા ૩૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ત્રણ મહિના સુધી દરિયાઈ જીવસૃષ્ટિ પર અધ્યયન કર્યું હતું. દરિયાઈ સજીવો, એમની આહાર શૃંખલાનો ભંગ, માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ, ગ્લોબલ વૉર્મિંગ, કોરલ બ્લીચિંગ અને વધુપડતી માછીમારી જેવાં પરિબળોને કારણે તેમ જ માનવીય હસ્તક્ષેપને કારણે દરિયાઈ જીવસૃષ્ટિને થઈ રહેલા નુકસાન તેમ જ એને બચાવવા માટે કેવાં પગલાં લઈ શકે એ બધા વિષયો પર થિયરી અને પ્રૅક્ટિકલ પ્રોજેક્ટ બનાવ્યા હતા. ફીલ્ડ ટ્ર‌િપ્સ અને ગેસ્ટ સ્પીકર્સના અનુભવો દ્વારા તેમને વધુ સારું માર્ગદર્શન મળ્યું હતું.

આ પ્રોજેક્ટ થકી બાળકોએ પૃથ્વીના પર્યાવરણને જાળવી રાખવા માટે મહાસાગરનું મહત્ત્વ કેટલું છે એ જાણ્યું. સાથે જ ઑક્સિજન પ્રોડક્શન, ક્લાઇમેટ રેગ્યુલેશન અને બાયોડાઇવર્સિટી સપોર્ટ વિષયોની સમજ પણ કેળવી.

આ રીતે બાળકોની વિચારશક્તિને પ્રોત્સાહન આપવાનો, તેમનામાં જિજ્ઞાસાવૃત્તિ કેળવવાનો અને વિશ્વમાં ચાલી રહેલી પર્યાવરણની સમસ્યાઓથી અવગત કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાળકોના આ ઑશન પ્રોજેક્ટમાં સાયન્સ, મૅથેમૅટિક્સ, લૅન્ગ્વેજ આર્ટ્‌સ, સોશ્યલ સ્ટડીઝ અને આર્ટ્‌સને પણ વણી લેવામાં આવ્યાં હતાં.

Education news mumbai mumbai news environment