ગંદા પાણીમાં પગ મૂકતાં પહેલાં સાવધાન

29 August, 2012 08:20 AM IST  | 

ગંદા પાણીમાં પગ મૂકતાં પહેલાં સાવધાન

રોહિત પરીખ

ઘાટકોપર-વેસ્ટની કામા લેનની અંદરની ગટરોની સાફસફાઈ બરાબર થઈ ન હોવાથી આ વિસ્તારમાં વરસાદના સમયે કામા લેન-હંસોટી લેન વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. એ ગંદા પાણીમાં ચાલવાને કારણે કામા લેનની અંદર આવેલી હંસોટી લેનના આનંદ કુટિર બિલ્ડિંગના પહેલે માળે રહેતાં ૭૨ વર્ષનાં હંસા ચંદ્રકાન્ત પારેખ સતત બીજે વર્ષે ચોમાસામાં લેપ્ટોસ્પાઇરોસિસનો ભોગ બન્યાં હતાં. જોકે સુધરાઈના અધિકારીઓ આના માટે આનંદ કુટિરની અંદરની ગટરલાઇનને જવાબદાર ગણે છે.

જુલાઈ, ૨૦૧૧માં આવેલા વરસાદથી હંસોટી લેનના આનંદ કુટિર બિલ્ડિંગની અંદર એક દિવસ ગટરનું ગંદું પાણી ભરાઈ ગયું હતું. એ દિવસે હંસાબહેને નજીકની બારોટવાડીમાં આવેલા શંકરના મંદિરે દર્શન કરવા જવા માટે આ ગંદા પાણીમાંથી પસાર થયાં હતાં. ત્યાર બાદ તેમણે સખત તાવ અને શરીરના દુખાવાની ફરિયાદ કરતાં તેમના કુટુંબીજનોએ તેમના ફૅમિલી ડૉક્ટરને બતાવ્યું હતું. દવા આપ્યા પછી પણ તબિયતમાં કોઈ ફેરફાર ન નોંધાતાં ડૉક્ટરે તેમની બ્લડટેસ્ટ કરાવતાં હંસાબહેનને લેપ્ટોસ્પાઇરોસિસ થયાનું નિદાન થયું હતું.

હંસાબહેનની પુત્રવધૂ પ્રીતિ પારેખે આ ચોમાસામાં ફરીથી હંસાબહેનને લેપ્ટોસ્પાઇરોસિસ થયાની વાત કરતાં કહ્યું હતું કે ‘રક્ષાબંધનના બે દિવસ પહેલાં આવેલા વરસાદમાં ફરીથી ગયા જુલાઈની વાતનું પુનરાવર્તન થયું હતું. એ દિવસે પણ અમારી ગલીમાં અને બિલ્ડિંગમાં પાણી ભરાયાં હતાં અને મમ્મી એ પાણીમાં ચાલીને દર્શન કરવા ગયા હતાં. તેમની સાથે આ વર્ષે તો મારા હસબન્ડ હિતેશ અને મારા સસરા ચંદ્રકાન્તભાઈ બન્નેને ત્રણ-ત્રણ ડિગ્રી તાવ. મમ્મી માટે તો ડૉક્ટરે કોઈ પણ પ્રકારનો ચાન્સ લીધા વગર જ તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરીને પાંચ દિવસની સારવારમાં સાજાં કરી દીધાં હતાં, જ્યારે હિતેશ અને મારા સસરાની તાવની ફરિયાદને લીધે ડૉક્ટરે એ બન્ને સહિત મારી અને મારા દીકરા બન્નેની બધી જ ટેસ્ટ કરાવી લીધી હતી. ટેસ્ટ કરાવ્યા પછી અમે કોઈ લેપ્ટોસ્પાઇરોસિસના દરદી ન બની જઈએ એ માટે તેમણે પાંચ દિવસની દવાનો કોર્સ કરાવી લીધો હતો.’

લેપ્ટોસ્પાઇરોસિસનાં લક્ષણો શું હોય છે?

મુંબઈમાં સૌથી પહેલી વાર ૨૦૦૨ની સાલમાં ૨૫ જુલાઈથી ૨૫ ઑગસ્ટ એ એક મહિનામાં આવેલા ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર ભરાયેલાં પાણીને લીધે ૧૦૨ જણને લેપ્ટોસ્પાઇરોસિસ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ૫૧ મોટાઓ અને ૫૧ નાનાં બાળકોને આ રોગ થયો હતો. તેમને તાવની, શરીરના દુખાવાની, માથું દુખવાની, સૂકી ખાંસીની ફરિયાદ હતી. આ બધાંને વરસાદમાં પાણીને લીધે લેપ્ટોસ્પાઇરોસિસ થયો હોવાનું ઇન્ડિયન લેપ્ટોસ્પાઇરોસિસ સોસાયટીએ કરેલા સર્વેમાં બહાર આવ્યું હતું. ૨૦૦૫ની સાલમાં મુંબઈ અને થાણેમાં આ રોગને લીધે સરકારી સત્તાવાર આંકડા મુજબ ૬૬ જણનાં મોત થયાં હતાં. ૨૦૦૭ની સાલમાં એક જ દિવસના વરસાદમાં બે જણનાં લેપ્ટોસ્પાઇરોસિસના કારણે મોત થયાં હતાં. સુધરાઈએ આ સમયે કરેલી તપાસમાં વરસાદના પાણીમાં કૂતરા અને ઉંદરનાં યુરિન ભેગાં થવાથી લેપ્ટોસ્પાઇરોસિસના દરદી જોવા મળ્યાં હતા. એ સમયે ૨૪૪ દરદીઓ અલગ-અલગ હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા હતા.