પાણીની સમસ્યાઓથી મળશે છુટકારો

30 November, 2012 08:22 AM IST  | 

પાણીની સમસ્યાઓથી મળશે છુટકારો



અંધેરી, વિલે પાર્લે અને સાંતાક્રુઝમાં રહેતા લોકોને પાણીની સમસ્યાઓથી હવે છુટકારો મળશે, કારણ કે સુધરાઈના વૉટર ડિપાર્ટમેન્ટ દ્વારા બે મુખ્ય પાઇપલાઇનના જૂના વાલ્વ બદલીને નવા નાખવામાં આવશે. એથી લાખો લિટર પીવાના પાણીના બગાડમાં ઘટાડો થશે અને લીકેજને કારણે થતા પ્રદૂષિત પાણીના કેસમાં પણ ઘટાડો જોવા મળશે. નવા ઑટોમેટિક વાલ્વ જૂના બટરફ્લાય વાલ્વ કરતાં અલગ છે. જેને રેગ્યુલર મેઇન્ટેન કરવાની જરૂર નથી.

સુધરાઈના વૉટર ડિપાર્ટમેન્ટના એન્જિનિયરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જૂના બટરફ્લાય વાલ્વ દિવસે-દિવસે પાતળા થતા જાય છે, જે લીકેજનું કારણ બને છે અને પાણીનું દબાણ વધવાને કારણે વાલ્વ તૂટી જાય છે, પરંતુ નવા ઑટોમેટિક વાલ્વને મેઇન્ટેન કરવાની જરૂર નથી અને એ પાણીનું દબાણ પણ ટકાવી શકશે. ત્યાં ગિયર-બૉક્સ ફિટ કરવામાં આવશે, જે પાતળું થશે નહીં.’

આ પ્રોજેક્ટ માટે વૉટર ડિપાર્ટમેન્ટને નવા વાલ્વ નાખવાનો ખર્ચ ૨.૧૩ કરોડ રૂપિયા સુધીનો થશે, જે અંધેરી અને બાંદરાની પાણીની મેઇન પાઇપલાઇનમાં બદલવામાં આવશે. બન્ને પાઇપલાઇન ૧૩૫૦ મિલીમિટર ડાયામીટરની છે. વૉટર ડિપાર્ટમેન્ટે છેલ્લાં ૧૦ વર્ષમાં ચાર વખત વાલ્વનું સમારકામ કરવામાં આવ્યું છે.

એન્જિનિયરે ઉમેર્યું હતું કે ‘પાણીનો પૂરો પૉઇન્ટ ફ્રી હોવો જોઈએ અને ફ્લો ઑફ વૉટર ફ્લોલેસ હોવું જોઈએ જેથી સમારકામ થાય નહીં અને પાણીકાપની સ્થિતિ પણ સર્જાય નહીં. જ્યારે અમને વાલ્વ તૂટવાની ફરિયાદો મળી છે ત્યારે અમારે એ વિસ્તારોમાં પાણીકાપ મૂકવો પડ્યો છે અને એક સમયે ૪-૫ લાખથી વધુ નાગરિકોને પાણીકાપનો ભોગ બનવું પડે છે ત્યારે અમારી પાસે કોઈ વિકલ્પ હોતો નથી, પરંતુ નવા ઑટોમેટેડ વાલ્વ આ સમસ્યા દૂર કરશે.’