ગોરાઈમાં ગંદા પાણીથી લોકોમાં ભભૂક્યો રોષ

02 November, 2012 07:12 AM IST  | 

ગોરાઈમાં ગંદા પાણીથી લોકોમાં ભભૂક્યો રોષ



બોરીવલી-વેસ્ટના ગોરાઈના પ્લૉટ નંબર-બેમાં છેલ્લા ઘણા વખતથી પીવાનું ગંદું પાણી આવે છે. શરૂઆતનું પાણી એકદમ કાળા રંગનું કેમિકલ નાખેલું હોય એવું લાગે છે અને પછીથી પીળા રંગનું ગટરનું હોય એવું પાણી આવે છે તેમ જ એમાંથી ગટરના પાણી જેવી ગંદી વાસ આવે છે. એને લીધે સોસાયટીઓમાં રહેતા લોકોના ઘરે ઝાડા, ઊલટી, તાવ વગેરે જેવી બીમારીઓ ફેલાઈ રહી છે. ગંદા પાણીના ત્રાસથી લોકો કંટાળી ગયા છે.

 ગોરાઈના પ્લૉટ નંબર-બેમાં દેવગિરિ, યશસ્વી, કિનારા, જીવન જ્યોતિ, જીવનધારા, ચિંતામણિ વગેરે મળી નવેક સહકારી ગૃહનિર્માણ સંસ્થા જેવી મર્યાદિત સોસાયટીઓ છે. આ દરેક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી સુધરાઈ દ્વારા આપવામાં આવતું પાણી તદ્દન ગંદું આવે છે. એની વાત કરતાં દેવગિરિ સોસાયટીમાં રહેતા જગદીશ વાઘેલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા ઘરે પાણીમાં મોટા જીવડા નીકળ્યાં હતા. જો આવું પાણી પીઈશું તો અમારો તો મરવાનો વારો જ આવશે. છેલ્લા ઘણા વખતથી અમારા ઘરના નળમાં ગંદું પાણી આવે છે. એનાથી આખી સોસાયટીના ઘરઘરમાં બીમારી ફેલાઈ રહી છે. આ સમસ્યાથી અમે કંટાળી ગયા છીએ’.

ઘરે આવતું ગંદું પાણી પીવાથી બાળકો માંદાં પડવાની વાત કરતાં એ જ સોસાયટીનાં રાધા ચાવડાએ કહ્યું હતું કે અમારું મોટું કુંટુંબ છે. અમે એક જ ઘરમાં ૧૭ લોકો રહીએ છીએ. એમાં ૧૦ તો બાળકો છે. આટલી મોટી ફૅમિલીમાં રોજ બહારથી પીવાનું પાણી મગાવીને પીવાનું ન પરવડે. ગંદા પાણીને કારણે બાળકોમાં ઝાડા-ઊલટીની સમસ્યા રોજની થઈ ગઈ છે.

આ વિસ્તારનાં અન્ય રહેવાસી ભારતી સોલંકીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારે ૭ વર્ષની દીકરી પ્રિયંકા અને પાંચ વર્ષની રોશની છે. ગંદા પાણીને કારણે તેમને તાવ આવે છે. પીવાનું અને રસોઈ બનાવવા માટે પાણી બહારથી મગાવીએ છીએ. અમારા ઘરમાં આવતું પાણી ખૂબ જ ગંદું હોય છે. ઉકાળ્યાં પછી પણ એમાં વાસ આવે છે એટલુંજ નહીં, વૉટર-પ્યૉરિફાયરમાં આ પાણી નાખતાં એ પણ બગડી ગયું છે.’

ર્વોડ નંબર-૮ના નગરસેવક શિવાનંદ શેટ્ટીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગોરાઈના પ્લૉટ નંબર-બેમાં ગંદા પાણીની સમસ્યાને લઈને મેં અનેક લેટર સુધરાઈને લખ્યા હતા, પરંતુ કોઈએ આ લોકોની સમસ્યાને ગંભીરતાથી લીધી નથી. જોકે ગંદા પાણીમાં લોહી ચૂસી જાય એવા મોટા જીવડા નીકળતાં મેં વૉટર ડિપાર્ટમેન્ટમાં ફોન કરીને ત્યાંના ઑફિસરોને બોલાવ્યા હતા. ગંદા પાણીના ત્રાસથી રોષે ભરાયેલા સોસાયટીના લોકોએ તેમને જે ગંદું પાણી પૂરું પાડવામાં આવે છે એ જ પાણી ઑફિસરોને પીવા કહ્યું ત્યારે દરેક ઑફિસરે પીવાની ના પાડી હતી. તેમણે હમણાં તો લોકોને આશ્વાસન આપ્યું છે કે ૧૫ દિવસ સુધી દિવસરાત કામ કરીને ક્યાં ફૉલ્ટ છે એ શોધી કાઢીશું જેથી લોકોના ઘરે ફરીથી ચોખ્ખું પાણી પહોંચાડી શકાય અને જ્યાં સુધી ગંદા પાણીની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી રોજ પીવાના પાણીનાં ટૅન્કર મોકલવાની વાત કરી છે.’

બોરીવલી સુધરાઈના વૉટર ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર મંગેશ શેવાળેએ એ સોસાયટીઓની મુલાકાત લઈને કહ્યું હતું કે ‘કોઈક જગ્યાએ લીકેજને કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયું હોય એવું લાગે છે. અમે એની શોધ કરી રહ્યા છીએ. પંદરેક દિવસમાં કામ પૂરું થઈ જશે’.

ગોરાઈના પ્લૉટ નંબર-બેની સોસાયટીઓની મુલાકાત લેતાં ડેપ્યુટી મેયર મોહન મીઠબાવકરે પણ લોકોને કહ્યું હતું કે વહેલી તકે લોકોની ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.