ગટરનો કચરો રસ્તા પર

05 October, 2012 08:04 AM IST  | 

ગટરનો કચરો રસ્તા પર



રત્ના પીયૂષ

ગટરની સાફસફાઈ કરવાની સુધરાઈની ડેડલાઇન ૩૧ મેની હતી. જોકે વરસાદની સીઝન પૂરી થવા આવી હોવા છતાં સુધરાઈ દ્વારા કેટલાક વિસ્તારની ગટરની સાફસફાઈનું કામ જોવા મળે છે. હાલમાં કાંદિવલી-વેસ્ટમાં ચારકોપના સેક્ટર નંબર ૬ના રોડ પર અને બોરીવલી-વેસ્ટમાં ફૅક્ટરી લેનના રોડની કિનારે ગટરની સાફસફાઈ કર્યા બાદ બહાર કાઢેલી ગંદકીના ઢગલા રોડ પર પડી રહ્યા છે જેને કારણે રસ્તા પરથી અવરજવર કરતા લોકોને ત્રાસ ભોગવવો પડે છે.

ચારકોપના સેક્ટર નંબર ૬ના રોડ પર ગણપતિના વિસર્જન પહેલાં ગટરની સફાઈ કરવામાં આવી છે, પરંતુ ગટર સાફ કર્યા પછી એની ગંદકી રોડની કિનારે હજી સુધી પડી છે. આ રોડ પર સતત ટ્રાફિક રહે છે. ગટરની ગંદકીને કારણે વાહનવ્યવહારમાં હાલાકીની વાત કરતાં આ વિસ્તારના રહેવાસી જયંતી વિસાણીએ કહ્યું હતું કે ‘મારી ઑફિસ જવા માટેનો આ રોજનો રસ્તો છે. ગણેશોત્સવ પહેલાં આ રોડ પર પેવર બ્લૉક નાખવાનું કામ શરૂ કર્યું હતું. હજી એ યોગ્ય રીતે પૂરું થયું નથી. હજીયે સિમેન્ટ-કૉન્ક્રીટના ઢગલા ફૂટપાથ પર પડ્યા છે. એ હટાવ્યા નથી ત્યાં તો રોડ પરની ગટર સાફ કરી એની ગંદકી ત્યાં જ મૂકી દીધી છે. ટ્રાફિકમાં આ વિસ્તારમાં રસ્તાની કિનારે પડેલા ગટરની ગંદકીના ઢગલાને કારણે વાહનવ્યવહારમાં હાલાકી ભોગવવી પડે છે.’

એવી જ રીતે બોરીવલી-વેસ્ટમાં ફૅક્ટરી લેનમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરની સફાઈ પછી એની ગંદકી રોડ પર પડેલી છે. આ રોડ પર સ્કૂલ આવેલી છે. પીક-અવર્સમાં રસ્તા પર પડેલી ગટરની ગંદકીને કારણે અવરજવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ રોડ પર આવેલી સ્કૂલમાં તેમના દીકરાને લેવા-મૂકવા જતાં નિશા શાહે કહ્યું હતું કે ‘રસ્તા પર પડેલી ગટરની ગંદકી ઝડપથી હટાવી લેવામાં આવે તો સારું.’