વિલે પાર્લેમાં ગુજરાતી સિનિયર સિટિઝનનું મર્ડર કે નૅચરલ ડેથ?

16 October, 2011 08:01 PM IST  | 

વિલે પાર્લેમાં ગુજરાતી સિનિયર સિટિઝનનું મર્ડર કે નૅચરલ ડેથ?

 

 


(અંકિતા શાહ)

વિલે પાર્લે, તા. ૧૬

ઘરમાંથી રોકડ-ઘરેણાં તથા શરીર પરથી પણ દાગીના ગાયબ, જોકે પાર્લાનાં ૮૭ વર્ષનાં હાર્ટ-પેશન્ટ પ્રેમીલા ઢોડીની બૉડી પર ઈજાનાં કોઈ નિશાન નથી.

તેમનો દીકરો બાજુમાં જ રહેતો હતો અને તેમના બિલ્ડિંગમાં અગાઉ પણ લૂંટ અને ચોરીના બનાવ બની ચૂકેલા.


પ્રેમીલાબહેનના મૃતદેહને કૂપર હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે આ બિલ્ડિંગમાં આ પહેલાં પણ ચાર વાર ચોરી ને લૂંટની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રેમીલાબહેનના શરીર પર ઈજાનાં કોઈ નિશાન નહોતાં. તકિયાની મદદથી મોઢું દબાવીને તેમનું મર્ડર કરવામાં આવ્યું હોવાનું અથવા હાર્ટની બીમારીથી પીડાતાં હોવાથી તેમને ચોરી થતી હોવાનું જોઈને આઘાત લાગતાં મૃત્યુ થયું હોવાનું પોલીસનું માનવું છે. પ્રેમીલા ઢોડી જે રૂમમાં સૂતાં હતાં એ રૂમ વેરવિખેર પડેલો હતો. ઘરમાંથી રોકડ રકમ અને ઘરેણાં ગાયબ હતાં. જોકે તેમણે પહેરેલી બંગડી અને સોનાની ચેઇન પણ ગુમ હતી. આ ઘટના શુક્રવારે મોડી રાતના બની હોવાનું પોલીસનું માનવું છે. ત્યારે તેમનો ૬૮ વર્ષનો દીકરો અરુણ અને તેમનાં વાઇફ સ્મિતા સામેના ફ્લૅટના બેડરૂમમાં સૂઈ રહ્યાં હતાં.

અરુણ ઢોડી પ્લાસ્ટિક લાઇનિંગનો બિઝનેસ ધરાવે છે. અરુણભાઈ ગઈ કાલે સવારે સાડા સાત વાગ્યે ઊઠીને ન્યુઝપેપર અને દૂધનું પૅકેટ લેવા ગયા ત્યારે ઘરનો દરવાજો અડધો ખુલ્લો જોયો હતો. તેમને કંઈક ગરબડ હોવાનું લાગ્યું હતું. તેમણે તેમનાં પત્ની સ્મિતાને બોલાવીને દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ ફ્લૅટનો દરવાજો ખોલતાં તેમનાં મમ્મી બેડરૂમમાં બેહોશીની અવસ્થામાં જોવા મળ્યા હતા. અરુણભાઈ દ્વારા ફૅમિલી ડૉક્ટરને ઘરે બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટરે તપાસ્યા બાદ પ્રેમીલાબહેનનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સવાઆઠ વાગ્યે પોલીસને આ બાબતે અરુણભાઈએ ઇન્ફૉર્મ કર્યું હતું. આ પહેલાં પણ આ જ બિલ્ડિંગમાં ચાર વાર ચોરી અને લૂંટની ઘટના બની હોવાનું બિલ્ડિંગમાં રહેતી એક વ્યક્તિએ જણાવ્યું હતું. આ માટે બિલ્ડિંગમાં દીવાલ બાંધીને વૉચમૅન રાખવાનું નક્કી થયું હતું પણ એ થઈ શક્યું નહોતું.

અરુણભાઈ અને તેમનાં પત્ની સ્મિતાબહેન એક ફ્લૅટમાં રહે છે અને તેમનાં મમ્મી પ્રેમીલાબહેન બીજા ફ્લૅટમાં રહેતાં હતાં. જોકે આ બન્ને ફ્લૅટ વચ્ચે એન્ટ્રી માટે એક જ મેઇન ડોર છે. અજાણી વ્યક્તિ ફ્લૅટના મેઇન દરવાજાનું લૉક તોડીને ફ્લૅટમાં ઘૂસી હતી, ત્યાર બાદ પ્રેમીલાબહેનના બેડરૂમમાં જવા માટે દરવાજો ખોલીને ગઈ હતી. સ્મિતાબહેનના ભાઈ હસમુખ પટેલના જણાવ્યા અનુસાર ફૅમિલી મેમ્બર્સ છેલ્લે પ્રેમીલાબહેન સાથે ડિનર માટે ભેગાં થયાં હતાં, ત્યાર બાદ શુક્રવારે રાતના અગિયાર વાગ્યે તેઓ તેમના બેડરૂમમાં જઈને સૂઈ ગયાં હતાં.

વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નારાયણ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ કેસમાં તપાસ ચાલી રહી છે. પ્રેમીલાબહેન કઈ રીતે મૃત્યુ પામ્યાં પહેલાં એ જાણવાનું છે. એ માટે અમે કૂપર હૉસ્પિટલમાંથી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવે એની રાહ જોઈ રહ્યા છીએ.’

તાજેતરમાં થયેલી હત્યાઓ


નામ : સરોજ પટેલ (૬૭ વર્ષ)

તારીખ : ૧૬ સપ્ટેમ્બર

સ્થળ : મલાડ-વેસ્ટ

આરોપી : ટીનેજર પૌત્ર અને મિત્ર



નામ : ફહમીદા શેખ (૬૦ વર્ષ)

તારીખ : ૧૦ ઑક્ટોબર

સ્થળ : ભિંડીબજાર

આરોપી : ફહમીદાનો ભાઈ ૪૦ વર્ષનો અસલમ શેખ



નામ : લતિકા કાંબળે (૬૦ વર્ષ)

તારીખ : ૧૪ સપ્ટેમ્બર

સ્થળ : વિક્રોલી (ઈસ્ટ)

કોણ પકડાયું : લતિકાનાં પાડોશી અને બહેનપણી ૬૧ વર્ષનાં લક્ષ્મી ધાંગડે