એમવીએ સરકારને ઉથલાવવાનો ખર્ચ ભરપાઈ કરવા માટે એલપીજીના ભાવ વધારાયા છે? : એનસીપીએ કર્યો સવાલ

07 July, 2022 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રએ રાંધણગૅસના ભાવમાં સિલિન્ડરદીઠ ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો

ફાઇલ તસવીર

એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો થતાં કેન્દ્રની બીજેપીશાસિત સરકારની ટીકા કરતાં એનસીપીએ બુધવારે સવાલ કર્યો હતો કે શું રાજ્યમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારને ઉથલાવવામાં ખર્ચાયેલાં નાણાં પ્રજા પાસેથી વસૂલવામાં આવી રહ્યાં છે?

કેન્દ્રએ રાંધણગૅસના ભાવમાં સિલિન્ડરદીઠ ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો, જે મે મહિનાથી લઈને કરાયેલો ત્રીજો ભાવવધારો છે.

એનસીપીના મુખ્ય પ્રવક્તા મહેશ તાપસેએ બુધવારે એક યાદીમાં જણાવ્યું હતું કે ‘૫૦ વિધાનસભ્યોને સુરત લઈ જવાયા. ત્યાંથી ગુવાહાટી અને પછી ગોવા લઈ જઈને તેમને વૈભવી હોટેલોમાં રાખવામાં આવ્યા. આ સમગ્ર ઑપરેશન પાછળ સારોએવો ખર્ચો થયો હોવો જોઈએ અને દેશના સામાન્ય નાગરિકોને સવાલ થાય છે કે શું એલપીજીના આ ભાવવધારાને એ ઘટના સાથે સબંધ છે કે કેમ?’

દરમિયાન લોકસભાનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ પણ ટ્વીટ કરી હતી કે નાગરિકો ફુગાવાથી પરેશાન છે ત્યારે આવા ભાવવધારાથી તેમની મુશ્કેલી વધવાની શક્યતા છે.

mumbai mumbai news nationalist congress party maharashtra