સાઇકલ ચલાવવી છે, પણ ટ્રૅક ક્યાં?

08 March, 2020 07:38 AM IST  |  Mumbai Desk | Prajakta Kasale

સાઇકલ ચલાવવી છે, પણ ટ્રૅક ક્યાં?

સાઇકલ ચલાવવી ક્યાં?

શહેરમાં સાઇકલ ટ્રૅક બનાવવામાં નિષ્ફળતા મળ્યા છતાં બીએમસી હજી પણ એના ગ્રીન ઇનિશિએટિવના ભાગરૂપે સાઇકલના વપરાશને પ્રોત્સાહન પૂરું પાડવા માટેના માર્ગો શોધી રહ્યું છે. એનો આગામી એજન્ડા ઍપ-આધારિત પબ્લિક બાઇસિકલ શૅરિંગ (પીબીએસ) સિસ્ટમ રજૂ કરવાનો છે જેનો ખાનગી ઑપરેટરો થકી ઇલેક્ટ્રિક સાઇકલ અને સાઇકલ સ્ટેન્ડ પૂરાં પાડીને અમલ કરવામાં આવશે.

બીએમસીએ તાન્સા પાઇપલાઇન પાસે ૪૫૦ કરોડ રૂપિયાના સાઇકલ ટ્રૅક પ્રોજેક્ટ પર કાર્ય શરૂ કર્યું હતું જે ડિસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થવાનું હતું. આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં પૂર્ણ થવાનો હતો, પરંતુ એ આકાર પામ્યો નહીં. મરીન ડ્રાઇવ પાસે સમર્પિત સાઇકલ ટ્રૅક પણ ઠપ થઈ ગયો હતો. એટલું જ નહીં, એમએમઆરડીએ ૨૦૧૧માં ૬.૫ કરોડ રૂપિયાના ખર્ચે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં બાંધવામાં આવેલો ૧૩ કિલોમીટર લાંબો સાઇકલ ટ્રૅક શરૂ કરવામાં પણ નિષ્ફળ ગયું હતું. આ ટ્રૅકને કોઈ પ્રતિભાવ સાંપડ્યો ન હતો જેને કારણે સત્તાતંત્રે ૨૦૧૬માં એને બંધ કરવાનું નક્કી કર્યું.

સાઇકલ ટ્રૅક જોવા મળતો નથી ત્યારે નગર વહીવટી તંત્રએ આગળ વધીને પીબીએસ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સિસ્ટમ ૨૦૧૮માં પુણેમાં શરૂ કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો (સાઇકલદીઠ પાંચથી છ સવારી). જોકે, તોડફોડને કારણે આ વ્યવસ્થા પડી ભાંગી. હાલમાં નવી મુંબઈ સમાન સિસ્ટમ ધરાવે છે, પરંતુ સાઇકલોનો ઉપયોગ જૉય રાઇડ માટે થાય છે. જનરલ બોડી મીટિંગમાં એક દરખાસ્ત પસાર કરવામાં આવી છે અને એ ખાનગી ઑપરેટરો દ્વારા અમલીકૃત થશે. દરખાસ્ત અનુસાર, મુસાફરો એક સ્ટૅન્ડ પરથી ઑટોમેટિક લૉક સિસ્ટમ સાથે ઈ-બાઇક અથવા પેડલ સાઇકલ મેળવી શકશે અને એને બીજા સ્ટૅન્ડ પર પાર્ક કરી શકશે.

mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale