બે વર્ષથી વૉન્ટેડ રીઢો ગુનેગાર ગન સાથે ઝડપાયો

27 December, 2020 01:10 PM IST  |  Thane | Mumbai correspondent

બે વર્ષથી વૉન્ટેડ રીઢો ગુનેગાર ગન સાથે ઝડપાયો

પ્રતીકાત્મક તસવીર

થાણેની કાસરવડવલી પોલીસે બે વર્ષથી ભાગતા ફરતા વૉન્ટેડ આરોપીને શુક્રવારે અહીંના ઘોડબંદર રોડ પરથી ગન સાથે ઝડપી લીધો હતો. આરોપી સામે મકોકાની કલમ લગાવાયા બાદથી તે ફરાર હતો.
કાસરવડવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કિશોર ખૈરનારને ખબરીએ માહિતી આપી હતી કે ઘોડબંદર રોડ પર આનંદનગર બસ-સ્ટૉપ પાસે ગન વેચવા એક વ્યક્તિ આવવાની છે એથી કિશોર ખૈરનારે તેમની ટીમ સાથે વૉચ ગોઠવી ૪૪ વર્ષના અભિમન્યુ રામસાગર તિવારીને ઝડપી લીધો હતો. તેણે પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે તે થાણેના કેસર મિલ વિસ્તારમાં રહે છે. તેની તલાશી લેતાં તેની પાસેથી એક ગાવઠી ગન અને બુલેટ મળી આવી હતી. પોલીસે એ ગન અને બુલેટ જપ્ત કરી હતી.
પોલીસ-સ્ટેશન લાવી તેની સઘન પૂછપરછ કરાતાં તે રેકૉર્ડ પરનો રીઢો ગુનેગાર હોવાનું જણાઈ આવ્યું હતું. ૨૦૧૮માં પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક હત્યાના ગુના ઉપરાંત જેમાં મકોકા લગાડાયો છે તેમાં પણ તે ટોળકી સાથે સંકળાયેલો હતો અને ત્યારથી એ વૉન્ટેડ હતો. તેની સામે મુંબઈ અને થાણેમાં જુગાર ચલાવવો અને મારામારી કરવાના પાંચ ગુના નોંધાયા છે.

mumbai mumbai news Crime News thane thane crime