આજથી 100 વર્ષ પહેલાં ખારના શું હાલચાલ હતા એ જાણવું છે?

16 May, 2020 01:38 PM IST  |  Mumbai | Ruchita Shah

આજથી 100 વર્ષ પહેલાં ખારના શું હાલચાલ હતા એ જાણવું છે?

૧૯૨૦ની ૨૬ એપ્રિલે  લક્ષ્મી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નામની એક સોસાયટીનું રજિસ્ટ્રેશન પાંચ મિત્રોએ મળીને કરાવ્યું. બ્રિટિશ સરકાર હતી એ સમયે. સાઉથ મુંબઈના કોટ વિસ્તારમાં ઑફિસ ધરાવતા લોકોને શહેરની બહાર મોકળાશથી અને કુદરતની સમીપે રહી શકાય એ આશયથી જગ્યા લેવાનો વિચાર આવેલો અને ૯૯૯ વર્ષની લીઝ પર તેમને કેટલીક શરતો સાથે ખારમાં જગ્યા મળી પણ ગઈ. ખાર એ સમયે શહેરની બહારનો વિસ્તાર ગણાતો. ભાગ્યે જ વસ્તી હતી. લાઇટ આવી નહોતી. ત્યાં પોતાના રહેવા માટે બંગલો ઊભા કરવાનું આ મિત્રોએ મળીને નક્કી કર્યું. ખારના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો નોંધાવનારા સભ્યો દ્વારા બનેલી એ સોસાયટી આજે પણ છે. જોકે જૂના બંગલોઝમાંથી હવે માત્ર પાંચ જ રહ્યા છે. લક્ષ્મી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી જે કદાચ મુંબઈની પ્રાચીનતમ સોસાયટીમાંની એક હશે ત્યાં જન્મેલા ૯૧ વર્ષના શરદભાઈ શાહ પોતાના વડવાઓ પાસેથી સાંભળેલી અને જાતે મેળવેલી માહિતી મિડ-ડે સાથે શૅર કરે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા શરદભાઈ કહે છે, ‘હું તો અહીં જ જન્મ્યો છું. આ જ મકાનમાં. મેં સાંભળેલું કે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પિતાએ અગાસીમાં જઈને થાળી ડંકો વગાડીને જાહેરાત કરેલી કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. વસ્તી ઓછી હતી એટલે આમ કરીને પણ તેઓ પોતાનો મેસેજ બધા સુધી પહોંચાડી શક્યા હતા.’

ખાર રહેવા આવવાનું કેવી રીતે બન્યું એની વાતો માંડતાં શરદભાઈ કહે છે, ‘એ સમયે સાંતાક્રુઝમાં જગ્યાના ભાવ વધારે લાગતાં વડીલોએ ખાર પર પસંદગી ઉતારી હતી. સરકારે જગ્યા લીઝ પર આપતા સમયે કેટલીક શરત રાખી હતી, જેમાં એક શરત એવી હતી કે રજિસ્ટ્રેશન પછી ત્રણ વર્ષમાં ઘર બાંધવાં જોઈએ. પણ મુશ્કેલીઓ ઘણી હતી. આખરે પાંચ સભ્યોએ ભેગા મળીને નક્કી કર્યું કે ગમે તેટલી મુશ્કેલીઓ હોય, પણ આપણે ઘર બાંધી અને એક જ દિવસ નક્કી કરી સાથે રહેવા જઈશું. આ પાંચ સભ્યો હતા હીરાલાલ દેસાઈ, છોટુભાઈ મારફતિયા, હિંમતલાલ અંજારિયા, છોટુભાઈ કોરા અને હીરાલાલ ખાંડવાળા. આ રીતે ૧૯૨૫માં દશેરાના દિવસે આ પાંચ સભ્યોએ ઘર બાંધી રહેવાનું ચાલુ કર્યું. એ સમયે જોકે સ્કૂલ નહીં, ડૉક્ટર નહીં, ઇલેક્ટ્રિક પાવર નહીં, કાચા રસ્તા, કલાકે એક ટ્રેન આવે અને દોઢ કલાકે ચર્ચગેટ પહોંચાડે, બગીચામાં સાપ અને ઘરમાં મચ્છર. શિયાળામાં અંધારું વહેલું થાય અને રસ્તા પર લાઇટ નહીં એટલે સોસાયટીનો વૉચમૅન પેટ્રોમૅક્સ લઈ સ્ટેશને  જાય અનેટ્રેનમાંથી જે ઊતરે તેમને ઘરે પહોંચાડે અને પાછો બીજી ટ્રેન માટે સ્ટેશન પર જાય. હીરાલાલ દેસાઈએ લક્ષ્મીનગર ‘ખાર રેસિડન્ટ્સ અસોસિયેશન’ની (આજનું KRA) સ્થાપના કરી. અસોસિએશનના પ્રયાસોથી ખારને સારા રસ્તા, સ્ટ્રીટલાઇટ, મ્યુનિસિપલ માર્કેટ અને મ્યુનિસિપલ સ્કૂલ  વગેરે મળ્યાં. અસોસિયેશને ખારને એક સારી લાઇબ્રેરી આપી જે આજે પણ વિદ્યાર્થીઓને માટે આશીર્વાદ સમાન છે.’  

શરદભાઈ 

તમને જાણીને નવાઈ લાગશે કે લક્ષ્મી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની મુલાકાત ૧૯૨૯માં મુંબઈના ગવર્નર સર ફ્રેડરિક, વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ લઈ ચૂક્યાં છે. બીજી કેટલીક ગમતીલી યાદો શૅર કરતાં શરદભાઈ કહે છે, ‘સન ૧૯૩૪માં  સોસાયટીના સ્થાપક સભ્ય હરસીધભાઈ  દિવેટિયાની નિમણૂક મુંબઈ હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે થઈ હતી. ૧૯૪૫માં ભારત સરકારે તેમને સરનો ખિતાબ આપીને તેમનું સન્માન કર્યું  હતું. આ વર્ષોમાં થયેલા ઇલેક્શનમાં સોસાયટીના એક સભ્ય શાંતિલાલ શાહ તેમના વતન ભરૂચમાંથી મુંબઈ પ્રાંતની વિધાનપરિષદમાં ચૂંટાઈ આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે મુંબઈમાં અંધારપટ હતો અને ચોરી અને લૂંટફાટનો ભય હતો ત્યારે સોસાયટીના યુવાનોએ ૧૪ ગ્રુપ કર્યાં હતાં અને રોજ રાતે બે ગ્રુપ પૅટ્રોલિંગ કરતાં. યુદ્ધ પછી ભારત આઝાદ થયું અને દેશના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનથી ઘણા શરણાર્થીઓ મુંબઈ આવ્યા. એમાંના  ઘણા ખાસ કરીને જેઓ સિંધથી આવ્યા હતા તે ખારમાં આવીને વસ્યા અને ખારની વસ્તી વધી ગઈ. સોસાયટીનાં જૂનાં મકાનો એક પછી એક તૂટવા માંડ્યાં અને એની જગ્યાએ બહુમાળી  મકાનો થઈ ગયાં. આજે ફક્ત પાંચેક જૂનાં મકાનો રહ્યાં છે. ૧૯૫૨માં થયેલી સામાન્ય ચૂંટણીમાં સોસાયટીના એક  સભ્ય  શાંતિલાલ શાહ મહારાષ્ટ્રની વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યાર પછી રચાયેલી મુંબઈ સરકારમાં મંત્રી તરીકે તેમની નિમણૂક થઈ હતી. સન ૧૯૫૭માં સોસાયટીના મેમ્બર કાંતિલાલ દેસાઈની નિમણૂક મુંબઈ હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે થઈ હતી અને ૧૯૬૧માં તેમની નિમણૂક ગુજરાત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે થઈ હતી. તેમનાં પુત્રી સુજાતા મનોહરે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ૧૯૯૪થી ૧૯૯૯ સુધી સેવા આપી હતી.’

mumbai mumbai news khar