વૅ‌ક્સિન લેવા ત્રીજા દિવસે પણ વેઇટ ઍન્ડ વૉચ

21 January, 2021 10:54 AM IST  |  Mumbai | Mumbai Correspondent

વૅ‌ક્સિન લેવા ત્રીજા દિવસે પણ વેઇટ ઍન્ડ વૉચ

તસવીર સૌજન્ય મિડ-ડે

દેશભરમાં સૌથી વધુ કોરોનાના દરદીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે અને કોરોનાને કારણે સૌથી વધુ મૃત્યુ પણ મહારાષ્ટ્રમાં થયાં છે છતાં પણ ત્રીજા દિવસે પણ વૅક્સિન લેવા મેડિકલ સ્ટાફ હજી સેન્ટરમાં આવી રહ્યો નથી. આજે પણ બીએમસીએ બહાર પાડેલા એના અહેવાલ મુજબ મુંબઈનાં 10 સેન્ટરોમાં જ્યાં 3300 લોકોને વૅક્સિન આપવાની તૈયારી રખાઈ હતી ત્યાં માત્ર ૧૭૨૮ લોકો જ વૅક્સિન લેવા આવ્યા હતા. મુંબઈ સહિતનાં રાજ્યનાં મુખ્ય શહેરોમાં પણ આવો જ વેઇટ ઍન્ડ વૉચનો પ્રતિભાવ જોવા મળી રહ્યો છે.
જ્યારે આ સામે પાલઘર, જે આદિવાસી અને પછાત વિસ્તાર ગણાય છે એમાં વૅક્સિન લેવા આવનાર મેડિકલ સ્ટાફની ટકાવારી ૮૦ ટકા જેટલી નોંધાઈ છે. પાલઘરમાં ૪૦૦ જણને વૅક્સિન આપવાની હતી એમાંથી ૩૧૯ જણ વૅક્સિન લેવા આવી પહોંચ્યા હતા. આમ 80 ટકા લોકોએ વૅક્સિન લીધી હતી. વૅક્સિનેશન માટે મોળા પ્રતિભાવનાં કારણો એવાં પણ બહાર આવી રહ્યાં છે કે હવે જ્યારે કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે ત્યારે હવે શા માટે વૅક્સિન લેવી જોઈએ. બીજું, પહેલાં કેટલાક લોકોને લેવા દો, તેમને એ કેવીક અસર કરે છે; કોઈ ખાસ આડઅસર તો નથી થતીને એ ચેક કરી લઈએ પછી આપણે લઈશું, લિમિટેડ ક્લિનિકલ ટ્રાયલ પછી ખરેખર વૅક્સિન સેફ છે ખરી? એવા પણ સવાલ લોકોના મનમાં થઈ રહ્યા છે. એથી લોકો વૅક્સિન લેવા હાલ બહુ ઉત્સાહિત ન હોવાનું અથવા વેઇટ ઍન્ડ વૉચનું ધોરણ અપનાવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. મુંબઈમાં ગઈ કાલે ૧૭૨૮ જણને વૅક્સિન અપાઈ હતી, જેમાંથી ૭ જણને માઇલ્ડ આડઅસર જણાતાં તેમને ઑબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા અને ત્યાર બાદ તેમને મામૂલી સારવાર આપી રજા અપાઈ હતી.

વૅક્સિન સેફ છે : આરોગ્યપ્રધાન

મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે ‘કોવિશીલ્ડ અને કોવૅક્સિન સંપૂર્ણ સલામત છે. એનાથી આડઅસર કે નુકસાન થતાં નથી અને કોરોના પ્રતિકારક ક્ષમતા વિકસાવે છે. તેથી હેલ્થ વર્કર્સ તેમ જ ફ્રન્ટલાઇન વર્કર્સ નિર્ભય થઈને એ રસી લઈ શકે છે. બન્ને વૅક્સિન્સને ડ્રગ કન્ટ્રોલ ઑથોરિટી અને વૈજ્ઞાનિકોની લીલી ઝંડી મળી ચૂકી છે. ઘણા લોકો અગાઉ રસી લઈ ચૂકેલા લોકોના અનુભવ અને પ્રતિક્રિયાની પ્રતીક્ષા કરે છે. જેમને રસી આપવાની છે એ સમુદાયોને અમે પૂરતી માહિતી અને માર્ગદર્શન આપીશું.’

લૉકડાઉન વખતે નોંધાયેલા કેસ પાછા ખેંચાશે

રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે લૉકડાઉનના સમયગાળામાં જે લોકોએ લૉકડાઉનના નિયમોનો ભંગ કર્યો હતો એમાંના કેટલાક સામે આઇપીસી 188 હેઠળ ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરાઈ હતી. એ કેસ હવે રાજ્ય સરકારે પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.            

mumbai mumbai news coronavirus covid19