19 August, 2025 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બસની ટક્કરમાં જીવ ગુમાવનાર ઍન્થની અને લીઓબા સેલ્વરાજ.
વરસાદને પગલે સ્કૂલોમાં વહેલી રજા આપી દેવાતાં અનેક વાલીઓ બાળકોને લેવા સ્કૂલમાં પહોંચી ગયા હતા. વડાલાની સેન્ટ જોસેફ્સ સ્કૂલમાં ભણતાં ચાર બાળકોને લેવા તેમની મમ્મી લીઓબા પણ પહોંચી હતી. સ્કૂલમાંથી પાછા ફરતી વખતે બેસ્ટની બસે ટક્કર મારતાં મમ્મી અને ૮ વર્ષના દીકરાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે બે દીકરા અને એક દીકરી અકસ્માતમાં બચી ગયાં હતાં.
સોમવારે બપોરે ૩.૧૦ વાગ્યે વડાલા ચર્ચ બસ-સ્ટૉપ નજીક રોડની ડાબી બાજુએથી ચાલીને જતાં મમ્મી અને બાળકોને A-174 નંબરની કોટવાલ ઉદ્યાનથી ભરણીનાકા તરફ જતી કૉન્ટ્રૅક્ટ પરની બસે ટક્કર મારી હતી. ટક્કર વખતે ત્રણ બાળકો દૂર ખસી ગયાં હતાં અને લીઓબા અને ઍન્થની નામનો ૮ વર્ષનો દીકરો બન્ને રોડ પર પટકાયાં હતાં. ત્યાર બાદ બસનું ડાબી તરફનું ટાયર ઍન્થનીના માથાને કચડીને આગળ ગયું હતું અને લીઓબાને ખભા અને પગમાં ભારે ઈજા પહોંચી હતી.
ઍન્થનીને તાત્કાલિક KEM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં દાખલ કરતાં પહેલાં જ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેની મમ્મીને સાયન હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સાંજે ૪.૨૫ વાગ્યે સારવાર દરમ્યાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
મૂળ તામિલનાડુના આ પરિવારની લીઓબા છૂટક કામ કરતી હતી અને તેનો પતિ કડિયાકામ કરે છે. બસના ડ્રાઇવર બાપુરાવ નાગબોને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.