વસઈ-વિરારમાં હાઉસિંગ સોસાયટીઓ માટે ભીનો અને સૂકો કચરો અલગ કરવો ફરજિયાત

27 May, 2026 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિયમનું પાલન થાય એ માટે ૮૦૦થી વધુ સોસાયટીઓને નોટિસ

પ્રતીકાત્મક તસવીર

વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)માં હાઉસિંગ સોસાયટીઓ માટે પોતાની રીતે જ ભીનો અને સૂકો કચરો અલગ-અલગ કરીને એનો નિકાલ કરવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ નિયમનું પાલન કરાવવા માટે VVMCએ અત્યાર સુધીમાં શહેરની ૮૦૦થી વધુ સોસાયટીઓને સત્તાવાર નોટિસ ફટકારી દીધી છે.

વસઈ-વિરારની સોસાયટીઓ અને ઇન્ડ​સ્ટ્રિયલ એસ્ટેટમાંથી નીકળતો કચરો સ્થાનિક સ્તરે અલગ કરવામાં આવતો નથી એને કારણે ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરાના વિશાળ પહાડો બનવા લાગ્યા છે. અત્યારે VVMC હેઠળના વિસ્તારોમાંથી રોજનો આશરે ૮૦૦ ટન જેટલો કચરો એકઠો થાય છે. VVMCએ અગાઉ એક સૉલિડ વેસ્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ એ પણ થોડા જ મહિનાઓમાં બંધ પડી ગયો. શહેરમાં ભીના અને સૂકા કચરા માટે અલગ-અલગ લીલા અને વાદળી રંગની કચરાપેટી મૂકવામાં આવી હોવા છતાં લોકો એને અલગ કર્યા વિના જ ફેંકી રહ્યા છે, પરંતુ હવે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

બે કૅટેગરીની સોસાયટીએ જાતે જ કચરાના નિકાલની વ્યવસ્થા કરવી પડશે 

નવી ગાઇડલાઇન્સ મુજબ જે હાઉસિંગ કૉમ્પ્લેક્સનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ છે અને જે સોસાયટીઓમાંથી રોજનો ૧૦૦ કિલોથી વધુ કચરો નીકળે છે એવી તમામ મોટી સોસાયટીઓએ હવે VVMC પર નિર્ભર રહેવાને બદલે પોતાના જ પરિસરની અંદર કચરાના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવી ફરજિયાત રહેશે.

mumbai news mumbai vasai virar city municipal corporation vasai virar environment