મીરા-ભાઇંદર કેમિસ્ટ્સ અસોસિએશનના સભ્યોની બસને ગોવા નજીક અકસ્માત

14 October, 2012 04:49 AM IST  | 

મીરા-ભાઇંદર કેમિસ્ટ્સ અસોસિએશનના સભ્યોની બસને ગોવા નજીક અકસ્માત



મીરા-ભાઈંદર કેમિસ્ટ્સ અસોસિએશનના મેમ્બરો પહેલી વાર પિકનિક મનાવવા ત્રણ દિવસ માટે ગોવા ગયા હતા ત્યારે તેમની બસ ગઈ કાલે સવારે ખાઈમાં પડતાં અસોસિએશનના અધ્યક્ષ સંજય ગુપ્તાનું મૃત્યુ થયું હતું અને બીજા ૨૭ જણને ઈજા થઈ હતી. આમાંથી પાંચ જણની હાલત ગંભીર છે. બસના ડ્રાઇવરની લાપરવાહીને કારણે અકસ્માત થયો હોવાથી ડ્રાઇવર ત્યાંથી નાસી ગયો હતો અને પછી પોલીસ સમક્ષ સરેન્ડર થયો હતો.

મીરા-ભાઈંદર કેમિસ્ટ્સ અસોસિએશન દ્વારા હંમેશાં એક દિવસની જ પિકનીક યોજાતી હતી. આ વખતે અસોસિએશનને એક કંપની તરફથી ગોવા માટે પાસ મળ્યાં હોવાથી મેમ્બરોએ ત્રણ દિવસ ગોવા જવાનું નક્કી કર્યું હતું. વીક-એન્ડ હોવાથી શુક્રવારે રાતે અસોેસિએશનના ૪૦ મેમ્બરો મીરા-ભાઈંદરથી નીકળ્યાં હતા. શનિવારે સવારે સાત વાગ્યાની આસપાસ અસોસિએશનની વૉલ્વો બસ કણકવલીથી ૧૦ કિલોમીટર પહેલાં આવેલા ઉમરટ ગામની નજીક અકસ્માતનો ભોગ બની હતી. પનવેલ સુધી બસના એક ડ્રાઇવરે બસ ચલાવી અને ત્યાર બાદ મલિક નામનો ડ્રાઇવર બસ ચલાવી રહ્યો હતો. આ ડ્રાઇવર પહેલેથી જ બસ ખૂબ રફમાં ચલાવી રહ્યો હતો એમ મેમ્બરોનું કહેવું હતું. બસનો ડ્રાઇવર આગળ ચાલતી એક ગાડીને ઓવરટેક કરવાની કોશિશમાં હતો એ વખતે સામેથી બે-ત્રણ બાઇક આવતાં તે જોરથી બસને બ્રેક મારવા ગયો અને સ્પીડ પરથી બૅલેન્સ ખોઈ બેઠો હોવાથી બસનું એક ટાયર રસ્તાની એક બાજુએ રહેલી ખાઈ તરફ વળ્યું ગયું હતું. સદ્નસીબે આ ખાઈ આગળ વૃક્ષ હોવાથી મોટા ભાગના સભ્યો બચી ગયા હતા. થોડી વાર પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બીજા લોકોને બચાવ્યા હતા.

આ બનાવ બન્યા પછી હૉસ્પિટલમાં ઉપસ્થિત ભરત રાજપુરોહિતે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતમાં છથી સાત જણને વધુ માર વાગ્યો હોવાથી તેમને પાસે આવેલી પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બીજા ઈજાગ્રસ્તોને સિધુદુર્ગની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત થયા પછી ભાગી ગયેલા બસના ડ્રાઇવરને પણ પેટમાં ભારે માર લાગ્યો હોવાથી પોલીસ સમક્ષ સરેન્ડર થયો એ પછી તેને પણ સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અસોેસિએશનના અધ્યક્ષ સંજય ગુપ્તાનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.’

સંજય ગુપ્તા મીરા રોડમાં રહે છે અને પૂનમ સાગર કૉમ્પ્લેક્સના ડૉલ્ફિન ગાર્ડનમાં તેમની લલિતા મેડિકલ ઍન્ડ જનરલ સ્ટોર નામની દુકાન છે. તેમને બે દીકરા છે.