ખેતવાડીના ગણપતિના વિસર્જનમાં વિવેક ઑબેરૉય માટે કોઈ જગ્યા નહીં

28 September, 2012 02:59 AM IST  | 

ખેતવાડીના ગણપતિના વિસર્જનમાં વિવેક ઑબેરૉય માટે કોઈ જગ્યા નહીં



દર વખતે સેલિબ્રિટીઝ અને ખાસ કરીને ફિલ્મ-પર્સનાલિટીને એમના મંડળમાં લાવવા ગણેશોત્સવ મંડળો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, જ્યારે આ વખતે એનાથી ઊંધો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ફિલ્મ-પર્સનાલિટીઓ સામેથી ગણેશોત્સવ મંડળમાં જઈ રહી છે અને પબ્લિકમાં જઈ તેમની આવનારી ફિલ્મોનું પ્રમોશન કરવાની તક ઝડપી રહી છે. 

વિવેક ઑબેરૉયની આવી રહેલી ફિલ્મ ‘કિસ્મત લવ પૈસા દિલ્લી’ની પર્સનલ રિલેશન્સ (પીઆર) ટીમે આ માટે બે મંડળનો સંપર્ક કર્યો હતો. આ ટીમે પહેલાં ખેતવાડી ૧૨મી ગલીના સાર્વજનિક ગણેશોત્સવ મંડળનો સંપર્ક કર્યો હતો અને તેમના વિસર્જનમાં ભાગ લેવા ઑફર આપી હતી. જોકે મંડળે સિક્યૉરિટીના કારણસર એ ઑફર નકારી કાઢી હતી. એ વિશે કારણ આપતાં મંડળના મેમ્બર અને પ્રવક્તા ગણેશ માથુરે કહ્યું હતું કે વિસર્જનને દિવસે એટલું બધું ક્રાઉડ હોય છે કે પીઆર એજન્સીની ડિમાન્ડ મુજબ સેલિબ્રિટીની સિક્યૉરિટી માટે વધુ સગવડ કરવી શક્ય નહોતું.

ફિલ્મની પીઆર ટીમે ત્યાર બાદ ગિરગાંવચા રાજા સાર્વજનિક મંડળનો સંપર્ક કર્યો હતો. મંડળે એની રિક્વેસ્ટ માન્ય રાખી છે અને શનિવારે વિવેક ઑબેરૉયની સિક્યૉરિટી માટે સિક્યૉરિટી સ્ટાફ સહિત મંડળના ૪૦ વૉલન્ટિયર્સની ટીમ અલગ ફાળવી છે. ગણપતિ વિસર્જનની યાત્રા તો સવારના નવ વાગ્યાથી જ શરૂ થઈ જશે, પણ વિવેક ઑબેરૉય એમાં બે કલાક માટે બપોરે જોડાશે. મંડળના પ્રેસિડન્ટ પરેશ બાંદેકરે કહ્યું હતું કે ‘અમારા વિસર્જનમાં વિવેક ઑબેરૉય હાજરી આપશે. તે બપોરે ત્રણ વાગ્યે આવશે અને ત્યાર બાદ અમારી સાથે બે કલાક રહેશે. અમે તેને સેપરેટ ટેમ્પો આપ્યો છે જેમાંથી તે લોકોનું અભિવાદન ઝીલશે અને ભક્તો તથા લોકો સાથે સંપર્ક કરશે.’

ગણપતિમાં શ્રદ્ધા ધરાવતો વિવેક ઑબેરૉય તેની ફિલ્મનો અનંત ચતુર્દશીને દિવસે પ્રચાર કરવા માગે છે. એ વિશે તેની નજીકના માણસોએ કહ્યું હતું કે ફિલ્મનું પ્રમોશન કરવાના ઇરાદે અમે પહેલાં ખેતવાડીના મંડળનો અપ્રોચ કર્યો હતો, પણ ત્યાં વાત જામી નહીં એટલે અમે બીજા મંડળ સાથે આ પ્રોગ્રામ નક્કી કર્યો છે.

આ બાબતે વિવેક ઑબેરૉયની પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે વિવેકે આ બાબતે રસ બતાવ્યો છે; પણ એ વિશે નક્કી થયું નથી, કારણ કે એ માટે તેની ડેટ કન્ફર્મ નથી થઈ.