કરિયાવરમાં આપ્યું પુણ્ય

28 December, 2020 08:11 AM IST  |  Mumbai | Alpa Nirmal

કરિયાવરમાં આપ્યું પુણ્ય

કરિયાવરમાં આપ્યું પુણ્ય

દરેક માતા-પિતા પોતાની દીકરીને કરિયાવરમાં પોતાની શક્તિ મુજબ જર-ઝવેરાત, કપડાલત્તાં, ઘરવખરી આપતાં જ હોય છે, પણ મુલુંડ-વેસ્ટના સર્વોદય નગરમાં રહેતા હિતેશભાઈ લાખાણીએ તેમની લાડકી દીકરી નિધિને આ બધા અસબાબ સાથે દાયજામાં પુણ્યકર્મ પણ આપ્યું. દીકરીના હાથે સમાજસેવા કરતી વિવિધ સંસ્થાઓને જીવદયા ખાતે માનવતાના કાર્ય માટે તેમ જ ધાર્મિક સંસ્થાઓમાં તથા અન્ય ક્ષેત્રે ૨૧ લાખ રૂપિયાનું દાન કરાવડાવ્યું.
સ્ટૉક માર્કેટનું કામકાજ કરતા હિતેશભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘ગયા વર્ષે જ્યારે નિધિની સગાઈ થઈ ત્યારે મારા મિત્ર સુનીલ છેડાએ મને ખાસ કહ્યું કે દીકરીનાં લગ્ન વખતે તારે સુકૃતમાં પણ પૈસા વાપરવાના છે. મને તેની વાત ગમી ગઈ. મેં તેને જ આ કાર્યની જવાબદારી સોંપી દીધી, કારણ કે તેને આ ક્ષેત્રનો સારો અનુભવ છે.’
ગયા વર્ષના પ્રૉમિસ પ્રમાણે ૧૧ ડિસેમ્બરે લાખાણી-કુટુંબે અન્ય કોઈ પ્રી-વેડિંગ ફંક્શન રાખવાને બદલે ‘એકબીજાને ગમતા રહીએ, સાથે મળીને સુકૃત કરતા રહીએ’ પ્રોગ્રામ રાખ્યો. એમાં નક્કી કરાયેલી સંસ્થાઓના અધિકારીઓને નિમંત્ર્યા અને દરેકનું સન્માન કરીને તેમને દાનના ચેક સુપરત કર્યા.
આ કાર્યક્રમની પરિકલ્પના કરનાર સુનીલ છેડા કહે છે, ‘અનેક લોકો તેમના ઘરમાં આવતા સારા-નરસા પ્રસંગોએ દાન-પુણ્ય કરતા જ હોય છે, જેમાં તેઓ જે-તે વ્યક્તિને કે ઑર્ગેનાઇઝેશનને રકમ પહોંચાડી દેતા હોય છે, પરંતુ મારું માનવું હતું કે જો સેવાનાં ક્ષેત્રોમાં કાર્યરત વ્યક્તિઓને બોલાવીએ, સન્માનપૂર્વક તેમને બિરદાવીએ તો કાર્ય કરનાર વ્યક્તિઓને તો મોટિવેશન મળે અને સાથોસાથ એ નિમિત્તે પધારેલા પરિવારજનો, સંબંધી-મિત્રોને પણ આવાં સત્કાર્ય કરવાની પ્રેરણા મળે એ હેતુથી જ અમે આ કાર્યક્રમ યોજ્યો. હતો.’
નિધિનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મમ્મી ભારતીબહેન કહે છે, ‘દીકરીને સાસરામાં કોઈ ખોટ ન પડે એ માટે મા-બાપ તેને સોયથી લઈને સોનાના સેટ એમ બધું જ આપે છે, પણ આ તો બધી ભૌતિક વસ્તુઓ છે, જે અહીં જ રહી જવાની છે. ત્યારે આપણી લાડકડીને એવું કાંઈ કેમ ન આપીએ જે પુણ્ય તેને ભવાંતરમાં કામ આવે. બસ, આ વિચારે અમે આ નાનકડો પ્રયત્ન કર્યો.’
અન્ય ઉલ્લેખનીય વાત એ રહી કે મોસ્ટ્લી વેડિંગ ફંક્શનમાં ફૅમિલી, ફ્રેન્ડ, બિઝનેસ સર્કલને આમંત્રાય; પણ લાખાણી-પરિવારે નિધિના બાળપણથી લઈને અત્યાર સુધીની લાઇફમાં જે-જે વ્યક્તિઓએ ભાગ ભજવ્યો હોય; તેના ટ્યુશન-ટીચર, ધાર્મિક ટીચર વગેરેને આ ફંક્શનમાં નિમંત્રણ આપ્યું અને તેમનું પણ સન્માન કર્યું અને પ્રેમના ટોકનરૂપે ગિફ્ટ આપીને ગ્રેટિટ્યુડ વ્યક્ત કર્યું.
હિતેશભાઈ લાખાણીએ ૧૧ લાખ રૂપિયા વર્ધમાન સંસ્કાર ધામનાં ૧૧ કેન્દ્રોને ઍડ્મિનિસ્ટ્રેશન માટે ડોનેટ કર્યા. મહારાષ્ટ્રની પાંચ પાંજરાપોળોને બે લાખ, આદિવાસી બાળકો અને તરછોડાયેલા રોગગ્રસ્ત માનવી માટે કાર્યરત સંસ્થાને એક લાખ, લૉકડાઉનને કારણે આર્થિક કટોકટીમાં આવી ગયલા જૈન સાધર્મિક પરિવારોને ૪ લાખ, મુલુંડનાં તમામ ૨૬ દેરાસરના ઑફિસ-સ્ટાફથી લઈ પૂજારી, વૉચમૅન, સફાઈ-કામદાર તેમ જ ધાર્મિક પાઠશાળાના ટીચર્સ મળીને કુલ બે લાખ રૂપિયા તેમ જ ૧ લાખ રૂપિયાનાં સાધુ-સાધ્વીજીનાં ઉપકરણો મળી ૨૧ લાખ રૂપિયાનો સદ્‍વ્યય કર્યો.

આવું આણું કોઈએ જોયું નહીં હોય
ગઈ કાલે બોરીવલી-વેસ્ટમાં રહેતા સી. એ. મીત દોશી સાથે પ્રભુતામાં પગલાં પાડીને સાસરે ગયેલી નિધિનું આણું પણ અનોખું હતું. નિધિ કહે છે, ‘મમ્મી-પપ્પાએ મને જરૂરિયાતની દરેક વસ્તુઓ તો આપી જ છે અને સાથે મહારાજસાહેબને ખપ આવતાં પાતરા, કામળી-કપડાં, જ્ઞાનનાં ઉપકરણો વગેરે પણ આપ્યાં છે જે હું શ્રમણ-શ્રમણી ભંગવતોને વહોરાવી શકું અને વૈયાવચ્ચ કરી શકું. દરેક પેરન્ટ્સ પોતાનાં સંતાનોને તેમની લાઇફમાં બેસ્ટમાં બેસ્ટ વસ્તુ આપવા ચાહે છે, પરંતુ મારાં મમ્મી-પપ્પાએ મારી ફક્ત આ જ લાઇફની નહીં, આવનારા બીજા ભવનું પણ હિત ઇચ્છ્યું અને મને પુણ્યબંધન કરાવ્યું છે.’

alpa nirmal mumbai mumbai news