ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતી સંસ્થા ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સામે જ થયા આક્ષેપ

24 October, 2012 04:49 AM IST  | 

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતી સંસ્થા ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સામે જ થયા આક્ષેપ



સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ શરૂ કરેલી ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી) ચળવળ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક સક્ષમ બ્રૅન્ડ બનીને ઊભરી છે, પણ એની સાથે સંકળાયેલા મુંબઈના લોકો સામે જ ભ્રષ્ટાચાર કરવા બદલ આંગળી ચીંધાઈ રહી છે ત્યારે આ બાબતે ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ અને અણ્ણાના સપોર્ટર વીરેન શાહે ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં આઇએસીનું મુંબઈનું કામ સંભાળતા મયંક ગાંધીને ૧૫ સવાલના જવાબ આપવા કહ્યું હતું.

વીરેન શાહે કહ્યું હતું કે ‘મયંક ગાંધી લોકગ્રુપ સાથે સંકળાયેલા હતા. તેમણે રીમેકિંગ ઑફ મુંબઈ ફેડરેશન નામની એક બિનસરકારી સંસ્થા બનાવી હતી અને એ હેઠળ ચીરાબજારની ઇમારતોના રીડેવલપમેન્ટના મુદ્દે સરકારી અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને લોકોને ખોટી માહિતી આપી હતી અને લોકગ્રુપને ફાયદો કરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે એ પ્રોજેક્ટમાં ૧૨૦ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટીની પણ ઉચાપત કરી હોવાનું રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) ઍક્ટ દ્વારા જાણવા મળ્યું છે. આ બદલ અમે રાજ્યના મુખ્ય પ્રધાનને લેટર લખીને એ બાબતે તપાસ કરવી જોઈએ એવી વિનંતી કરી છે.’

આઇએસીનાં જ એક અન્ય મેમ્બર અંજલિ દમણિયા વિશે જણાવતાં વીરેન શાહે કહ્યું હતું કે ‘અંજલિ દમણિયાએ ઍગ્રિકલ્ચર જમીન ખરીદી હતી. ત્યાર બાદ તેણે એને ચેન્જ ઑફ યુઝર કરી કમર્શિયલ બનાવી અને ત્યાર બાદ એ જમીન વેચી હતી. અંજલિ દમણિયા એ જણાવે કે તેમણે એ જમીન કેટલામાં ખરીદી અને કેટલામાં વેચી? એના ચેન્જ ઑફ યુઝર માટે ઑફિશ્યલી કેટલા રૂપિયા આપ્યા અને કેટલા અન્ડર ધ ટેબલ આપ્યા એ જાહેર કરે.’

અરવિંદ કેજરીવાલે આઇએસી વિરુદ્ધ થયેલા આ ભ્રષ્ટાચારોની તપાસ કરવા ત્રણ નિવૃત્ત જજની ટીમ બનાવી છે જે ઇન્ટર્નલ લોકપાલ ગણાશે અને એની તપાસ કરશે. વીરેન શાહે આ બદલ કહ્યું હતું કે ‘શું એ ટીમ-મેમ્બર્સ ૨ઞ્ સ્કૅમ અને આદર્શ સ્કૅમ સાથે જેમનાં નામ સંકળાયેલાં છે એ ઉચ્ચ સરકારી અધિકારીઓ રામાનંદ તિવારી, જયરાજ ફાટક જેવાની યોગ્ય તપાસ કરી શકશે?’

વીરેન શાહે અન્ય એક મુદ્દો ઉપાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે તેમણે ભ્રષ્ટાચારની લડાઈ માટે અણ્ણા સાથે જવું કે તેમનાથી છૂટા પડેલા અરવિંદ કેજરીવાલ સાથે? આઇએસીની ચળવળ દરમ્યાન લોકોએ આ ચળવળને જે ડોનેશન આપ્યું હતું એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટે આપ્યું હતું. એ ડોનેશન અણ્ણાને આપવામાં આવ્યું હતું નહીં કે કોઈ પૉલિટિકલ પાર્ટીને. આથી અરવિંદ કેજરીવાલે એ ડોનેશન અણ્ણાને આપી દેવું જોઈએ અને જો અણ્ણા એ લેવાની ના પાડે તો તેમણે એ લોકોને પાછું આપી દેવું જોઈએ.’

આ પબ્લિસિટી સ્ટન્ટ છે

વીરેન શાહે કરેલા ૧૫ સવાલની આ કૉન્ફરન્સ બદલ મયંક ગાંધીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘આ તો વીરેન શાહને પબ્લિસિટી જોઈએ છે એટલે બધું કરે છે. જો તેની પાસે એટલા જ પુરાવા છે તો તેણે પહેલું કામ મારી સામે પોલીસમાં જઈ ફરિયાદ નોંધાવવાનું કરવું જોઈએ, મારી સામે કેસ કરવો જોઈએ. કેમ તે એવું નથી કરતો? જો તે ફરિયાદ કરશે તો એની તપાસમાં તેને સરકાર પણ મદદ કરશે. તેનું કહેવું છે કે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)માં ફન્ડનો હિસાબ નથી મળતો. તો મારું કહેવું છે કે આઇએસી એક મૂવમેન્ટ હતી, એનું કોઈ બૅન્ક-અકાઉન્ટ નહોતું. એ માટે જે રૂપિયા ભેગા કરવામાં આવ્યા એ જાગ્રત નાગરિક મંચ નામની સંસ્થાના અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે અને એનો બધો હિસાબ ઑડિટેડ છે અને વેબસાઇટ પર મૂકેલો છે. એ જાહેર જનતા માટે જ છે અને એ ચેક કરી શકે છે. બેઝિકલી દેશમાં લાખો-કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ દેખાતો નથી અને જે લોકો એ ભ્રષ્ટાચાર સામે લડત આપી રહ્યા છે તેમને કઈ રીતે પછાડવા એની જ પેરવીઓ થતી રહે છે.’

મયંક ગાંધી ન જોઈએ : વીરેન શાહ

વીરેન શાહને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં અણ્ણા અને અરવિંદ કેજરીવાલ સાથે આવે તો તમે તેમને સપોર્ટ કરશો? એના જવાબમાં વીરેન શાહે કહ્યું હતું કે ચોક્કસ અમારો તેમને સપોર્ટ હશે, પણ એમાં મયંક ગાંધી ન હોવા જોઈએ.

મયંક ગાંધી માટે ઇતિહાસનું પુનરાવર્તન

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના કોર કમિટીના સભ્ય મયંક ગાંધી ફરી પાછા વિવાદમાં સપડાયા છે. રાજકારણી બનવાની તેમની ઇચ્છા ૨૦૦૭માં બનેલી ઘટનાને કારણે અધૂરી રહી ગઈ હતી અને એવા જ કંઈક સંજોગો હાલમાં પણ ઊભા થતાં ઇતિહાસનું જાણે પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ૨૦૦૫-’૦૬ દરમ્યાન તેઓ હૈદરાબાદના એક રાજનેતા જે. પી. નારાયણન દ્વારા ચલાવવામાં આવેલા લોકસત્તા અભિયાન સાથે જોડાયેલા હતા, જે ૨૦૦૭માં રાજકીય પક્ષ બની ગયો હતો. એટલું જ નહીં, તેમનો એક ઉમેદવાર ઍડોલ્ફ ડિસોઝા જુહુમાંથી ચૂંટણી જીત્યો હતો. જોકે એ વખતે આ અભિયાનમાંથી પક્ષ બને એ પહેલાં કેટલાક સભ્યો વચ્ચેના અંગત મતભેદોને કારણે તેઓ એમાંથી અલગ થઈ ગયા હતા.

આ વખતે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન અભિયાન પણ એક પક્ષમાં પરિવર્તિત થઈ રહ્યું છે, પરંતુ એ પહેલાં જ તેમના પર નાણાકીય ગેરરીતિના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.