હીરાદલાલ મર્ડરકેસમાં તલાશ એક કરોડના હીરાની

01 December, 2011 08:50 AM IST  | 

હીરાદલાલ મર્ડરકેસમાં તલાશ એક કરોડના હીરાની



એક કરોડ રૂપિયાના હીરા માટે ઑપેરા હાઉસના હીરાદલાલને ત્યાં કામ કરતા હાર્દિક મોરડિયાની ૧૭ નવેમ્બરે હત્યા કરનાર મુખ્ય આરોપી નરેશ ગોલાણીને તેના સાગરીત ધર્મે‍શ પટેલ સાથે પકડી લેવામાં આવ્યો છે, પણ હજી સુધી એક કરોડ રૂપિયાના હીરાની રિકવરી થઈ શકી નથી. પોલીસ એ હીરા પાછા મેળવવાની કોશિશ કરી રહી છે.

ડાયમન્ડ વહેંચ્યા કે વેચ્યા?

ઑપેરા હાઉસમાં પંચરત્ન સામેથી ગયા ગુરુવારે હાર્દિકને સાથે લઈ જઈ તેની એક કરોડ રૂપિયાના હીરા મેળવવા હત્યા કરવા સુધી પહોંચી ગયેલા નરેશ ગોલાણી વિશે વધુ માહિતી આપતાં ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘નરેશ ગોલાણીનો રેકૉર્ડ માર્કે‍ટમાં સારો નથી. નાની-નાની છેતરપિંડી તે કરતો રહેતો હતો. હાર્દિક પાસેના હીરા પડાવી લેવાનો પણ તેણે પ્લાન બનાવ્યો હતો. જોકે હાર્દિકે જ્યારે હીરાનું પૅકેટ પાછું માગ્યું ત્યાર બાદ જ તેનાથી છુટકારો મેળવવા તેની હત્યા કરવામાં આવી હતી. ગુરુવાર સાંજથી હાર્દિકની સાથે રહેલો નરેશ ગોલાણી તેની વૅગનઆર કારમાં તેના સાગરીતો સાથે હાર્દિકને મહાબળેશ્વર-પંચગની રોડ પર લઈ ગયો હતો અને ત્યાર બાદ  શુક્રવારે વહેલી સવારે જ તેનું મર્ડર કરી લાશ ફેંકી દીધી હતી. હાર્દિકની હત્યા બાદ તેમણે કોની પાસે ડાયમન્ડ રાખ્યા છે કે આપસમાં વહેંચી લીધા છે કે પછી માર્કે‍ટમાં વેચી દીધા એ વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. અમે એ એક કરોડ રૂપિયાના હીરાની શોધમાં લાગ્યા છીએ.’  

ટેક્નિકલ પુરાવાનો આધાર

હાર્દિક મર્ડરકેસની તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘આરોપીઓ સામે અમને ટેક્નિકલ પુરાવા મળ્યા છે જે અમને ર્કોટની કાર્યવાહી વખતે બહુ જ મદદરૂપ થશે. અમારી પાસે વિડિયો ફુટેજ તો છે જ, પણ સાથે અમને આરોપીઓના મોબાઇલ દ્વારા તેમનાં એ સમયનાં લોકેશન્સ જાણવા મળ્યાં છે જે તેમની એ રૂટ પરની હાજરી એકસાથે દર્શાવે છે.’

શું બન્યું હતું?

વિરારમાં રહેતો હાર્દિક મોરડિયા ઑપેરા હાઉસ ડાયમન્ડ માર્કે‍ટમાં મુકેશભાઈ દલાલને ત્યાં કામ કરતો હતો. ગયા ગુરુવારે તે કુલ ચાર પૅકેટ ડાયમન્ડની ડિલિવરી કરવા નીકળ્યો હતો. તેણે ત્રણ પૅકેટ ડિલિવર કરી દીધાં હતાં અને ચોથું પૅકેટ કે જેમાં એક કરોડ રૂપિયાના હીરા હતા એ બાકી હતું ત્યારે નરેશ ગોલાણી તેને ભોળવીને લઈ ગયો હતો અને ત્યાર બાદ તેના હીરા પડાવીને હાર્દિકની હત્યા કરી હતી.