કમળાબહેન શાહ સાવ નાની જગ્યામાં કઈ રીતે પડ્યાં હશે?

09 November, 2022 09:17 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વિરારના જૈન સિનિયર સિટિઝનના ગટરમાં પડીને થયેલા મૃત્યુ પછી અનેક સવાલો : પરિસરને સાફ કરીને ખુલ્લી ગટરોને પૅક કરવાના કામે લાગ્યું તંત્ર

વિરારમાં જૈન મહિલા જે ગટરમાં પડ્યાં એને પૅક કરવાની હતી

વિરાર-વેસ્ટમાં આવેલા સરસ્વતી બાગમાં રહેતાં ૬૮ વર્ષનાં જૈન મહિલા કમળાબહેન શાહ સોમવારે વહેલી સવારે પાસે આવેલા જૈન દેરાસરમાં પૂનમ નિમિત્તે દર્શને ગયાં હતાં. તેઓ દર્શન કરી પાછાં વળતાં હતાં એ દરમ્યાન ઘર પાસેની ફુટપાથ પરની ખુલ્લી ગટરમાં પડી ગયાં હતાં. આ બનાવ બાદ ખુલ્લી ગટરનો મુદ્દો ફરી ગરમાયો છે, જ્યારે નાગરિકો દ્વારા પણ એ વિશે ભારે નારાજગી અને ટીકા કરવામાં આવી રહી છે તેમ જ સ્થાનિક રહેવાસીઓ અને પરિવારજનોએ મહાનગરપાલિકાની લાપરવાહી સામે નારાજગી દાખવી હતી. જોકે ભીડભાડવાળા રસ્તા પરની ગટરમાં મહિલા પડી જાય અને આસપાસના કોઈને જાણ ન થાય એ વિશે પણ નવાઈ વર્તાઈ રહી છે. એ ઉપરાંત બનાવ બન્યો એ દિશામાં સીસીટીવી કૅમેરા ન હોવાથી હાલમાં ઘટના વિશે કોઈ માહિતી મળી રહી નથી, જ્યારે ગટરમાં પડ્યા બાદ પ્રશાસનની આકરી ટીકા થયા બાદ ગઈ કાલે ઘટનાસ્થળની આસપાસની ખુલ્લી ગટરોને પૅક કરવાની સાથે સાફસફાઈનું કામ હાથ ધરાયું હતું.

આ બનાવ બનતાં ખુલ્લી ગટરનો વિષય ફરી સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં વિરારની ખુલ્લી ગટરમાં ગાય પડવાનો બનાવ સામે આવ્યો હતો તેમ જ ભૂતકાળમાં પણ આ રીતે ખુલ્લી ગટરમાં નાગરિકો પડવાની અને મૃત્યુ પામવાના બનાવ સામે આવ્યા હતા. સોમવારે આ બનાવ બન્યો એ બાદ ગઈ કાલે ફરી ‘મિડ-ડે’એ ઘટનાસ્થળની મુલાકાત લેતાં મહિલા રહે છે એ પરિસર અને ઘટનાસ્થળની આસપાસ સુધરાઈ દ્વારા સાફસફાઈ કરવામાં આવી રહી હતી. એ ઉપરાંત જે ગટરમાં જૈન મહિલા પડ્યાં એ અને આસપાસની ખુલ્લી ગટરો પર ચેમ્બર એટલે કે એને પૅક કરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. ગઈ કાલે બપોરે આ મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : દેરાસર ગયેલાં કમળાબહેન શાહની બૉડી ગટરમાંથી મળી

કમળાબહેન શાહના દીકરા જિતેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમરના ઑપરેશનને કારણે મમ્મી ઘણા દિવસથી આરામ જ કરી રહ્યાં હતાં. છેલ્લા છોડા દિવસથી જ તેઓ ઘરની બહાર નીકળ્યાં હતાં. દેરાસરમાં કાર્યક્રમ હોવાથી તેઓ સાડાપાંચ વાગ્યે જ ઘરેથી નીકળ્યાં હતાં, પરંતુ લાંબા સમય સુધી મમ્મી ઘરે ન આવતાં અમે તપાસ શરૂ કરી અને સોશ્યલ મીડિયા પર પણ ગુમ થવા વિશે મેસેજ વાઇરલ કર્યો હતો. રાહદારીએ અમને જાણ કરતાં અમે તરત ઘટનાસ્થળે ગયા અને ગટરમાં તપાસ કરતાં એમાં મમ્મી જ હોવાનું જણાયું હતું. આવી ખુલ્લી ગટર વસઈ, નાલાસોપારા અને વિરારમાં અનેક ઠેકાણે જોવા મળી રહી છે. મુખ્ય રસ્તાઓ પરની પણ અનેક ગટરો ખુલ્લી પડી છે અને પ્રશાસનની આવી લાપરવાહીને કારણે આવા બનાવ બની રહ્યા છે. હાલમાં તો અમે આઘાતમાં છીએ અને આમાંથી રિકવર થઈને આ લાપરવાહી સામે ફરિયાદ કરવાનું વિચારીશું. અમે ત્રણ ભાઈઓ છીએ. એમાંથી એક કચ્છમાં રહે છે અને તે પણ ગઈ કાલે અંતિમ સંસ્કાર વખતે પહોંચી ગયો હતો.’

જોકે એટલી નાની જગ્યામાં મહિલા કઈ રીતે પડી શકે અને કોઈને લાંબા સમય સુધી જાણ પણ ન થઈ એવા અનેક પ્રશ્નો અહીં ચોક્કસ ઊભા થઈ રહ્યા છે. હાલમાં વિરાર પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. 

mumbai mumbai news virar preeti khuman-thakur