વિરારના હીરાદલાલની હત્યાનો ભેદ ઉકેલાયો

25 November, 2011 05:39 AM IST  | 

વિરારના હીરાદલાલની હત્યાનો ભેદ ઉકેલાયો



ઑપેરા હાઉસના ડાયમન્ડબજારમાં પંચરત્ન પાસેથી ગયા ગુરુવારે ગુમ થયેલા હીરાદલાલના કર્મચારી હાર્દિક મોરડિયાના મર્ડરકેસમાં માર્કેટમાં જ કામ કરતા તેના એક ઓળખીતા નરેશ ગોલાણીને વિરારથી પકડી લેવામાં આવ્યો છે, જ્યારે તેના એક સાગરીતને ગુજરાત ગયેલી પોલીસની ટીમ મુંબઈ લાવી રહી છે. કેસની તપાસ કરી રહેલી પોલીસને આ કેસ સૉલ્વ કરવામાં મહત્વની કડી પંચરત્નની સામે આવેલી ટીવીની દુકાનમાં લગાડેલા સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરાના ફુટેજમાંથી મળી હતી. જેમાં નરેશ અને હાર્દિક બન્ને સાથે ઊભા ઝડપાઈ ગયા છે. એ ફુટેજમાં હાર્દિક સાથે દેખાતી વ્યક્તિ કોણ છે એ દિશામાં તપાસ કરીને આખરે પોલીસ નરેશ સુધી પહોંચી હતી.

પંચરત્ન સામે મુલાકાત

કેસની તપાસ સાથે સંકળાયેલા એક ઑફિસરે એ વિશે કહ્યું હતું કે ‘સુરક્ષાની દૃષ્ટિએ ચર્ની રોડ સ્ટેશનથી લઈને પંચરત્ન, પ્રસાદ ચેમ્બર, ઑપેરા હાઉસ, શ્રીજી ચેમ્બર અને એની આજુબાજુના આખા વિસ્તારમાં અમે સીસીટીવી કૅમેરા લગાડ્યા છે. ઘટનાના દિવસે અને સમયે હાર્દિક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એ પંચરત્ન પાસેના એક કૅમેરામાં સ્પષ્ટ આવી ગયું હતું, પણ તેની અને નરેશ ગોલાણીની મુલાકાત અમને પંચરત્નની સામે આવેલી ટીવીની દુકાનમાં લગાડેલા સીસીટીવી કૅમેરાના ફુટેજમાં જોવા મળી હતી. આથી અમે નરેશની શોધ શરૂ કરી હતી.’

એક કરોડના ડાયમન્ડે લલચાવ્યા

અમે નરેશ વિશે માહિતી ભેગી કરી રહ્યા હતા ત્યારે જાણ થઈ હતી કે નરેશ પણ વિરારનો જ રહેવાવાળો છે એમ જણાવીને ઑફિસરે કહ્યું હતું કે ‘જોકે માર્કેટમાં તેણે આ પહેલાં પણ બે-ચાર જણ સાથે નાની-નાની રકમનાં પડીકાં (ડાયમન્ડનું પૅકેટ) ગુપચાવી કાઢ્યાં હતાં. જોકે એ બાબતે વેપારીઓ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, કારણ કે એ રકમ બહુ મોટી નહોતી. અમે નરેશને પૂછપરછ માટે વિરારમાંથી તાબામાં લીધો હતો. તેણે પહેલાં તો અમને કો-ઑપરેટ નહોતું કર્યું, પણ ધીરે-ધીરે વિગતો આપી હતી. ઘટનાના દિવસે તેણે હાર્દિકને મળીને લાલચ આપીને કહ્યું હતું કે તારી પાસે જે એક કરોડના ડાયમન્ડનું ડિલિવરીનું પૅકેટ છે એ આપણે લઈ લઈએ. ખાસ્સી રકમ મળશે એમ કહીને તેણે હાર્દિક પાસેથી પડીકું લઈ લીધું હતું. ત્યાર પછી તેઓ તેના અન્ય સાગરીતોને મળ્યા હતા. જોકે થોડી જ વાર બાદ હાર્દિકને લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે અને તેણે તેના માલિક સાથે છેતરપિંડી ન કરવી જોઈએ. આથી તેણે હીરાનું પૅકેટ નરેશ પાસે પાછું માગ્યું હતું. જોકે એ વખતે હાથમાંથી બાજી સરકતી જોઈને નરેશે કહ્યુું કે એ પૅકેટ તો બીજા મિત્ર પાસે છે અને તે તો કુર્લા પહોંચી ગયો. આથી નરેશ, હાર્દિક અને બીજા બે વૅગનઆર કારમાં પહેલાં કુર્લા અને ત્યાર પછી મુલુંડ અને આગળ જતાં-જતાં છેક મહાબળેશ્વર સુધી પહોંચી ગયા હતા. એ પછી નરેશ અને તેના સાગરીતોએ પહેલાં ગળું દબાવી અને ત્યાર પછી ગળું ચીરીને મહાબળેશ્વરમાં હાર્દિકની હત્યા કરી હતી.’

અંધકારથી છેતરાયા

એક કરોડના ડાયમન્ડની લાલચમાં નરેશ અને તેના સાગરીતોએ હાર્દિકની હત્યા તો કરી દીધી, પણ ત્યાર પછી તેઓ તેની લાશને ડિસ્પોઝ કરવામાં થાપ ખાઈ ગયા હતા. એ વિશે જણાવતાં ઑફિસરે કહ્યું હતું કે ‘નરેશ અને તેના સાગરીતોએ રાતના સમયે રસ્તાની સાઇડમાં ખાઈ છે એમ ધારી લાશને કારમાંથી બહાર ફગાવી દીધી હતી. તેમને એમ હતું કે લાશને ખાઈમાં જાનવરો ખાઈ જશે અને દિવસો સુધી એની કોઈને જાણ થશે નહીં. જોકે રાતના અંધકારમાં તેઓ છેતરાયા હતા. ઍક્ચ્યુઅલી હાર્દિકનો મૃતદેહ કારમાંથી ફગાવ્યા પછી દસ ફૂટ દૂર જ પડ્યો હતો. જો એ થોડો વધુ દૂર ફેંકાયો હોત તો ચોક્કસ ખાઈમાં પડત અને દિવસો સુધી એની જાણ થાત નહીં, પણ તેમની આ ભૂલ છેવટે તેમને પકડવામાં અમને મદદરૂપ બની હતી.’