વિરારના ૭૦ વર્ષના સિનિયર સિટિઝન અચાનક ગુમ થવાથી પરિવાર ચિંતામાં

23 October, 2014 04:22 AM IST  | 

વિરારના ૭૦ વર્ષના સિનિયર સિટિઝન અચાનક ગુમ થવાથી પરિવાર ચિંતામાં




વિરાર (ઈસ્ટ)માં અરિહંતનગરમાં રિશિરાજ અપાર્ટમેન્ટમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના ૭૦ વર્ષના અમરતલાલ મગનલાલ ગડા ૧૦ ઑક્ટોબરે ઘરેથી નીકળ્યા બાદ પાછા આવ્યા જ નથી. તેઓ અચાનક ગુમ થઈ ગયા હોવાથી તેમનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. પોલીસ તપાસમાં યોગ્ય ધ્યાન આપતી ન હોવાથી દીકરી પોતે જ પપ્પાને શોધવા મંડી પડી છે.

પપ્પા ગુમ થતાં ચિંતામાં મુકાયેલી પુત્રી જસ્મિન ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પપ્પા રોજ ઘરની આસપાસ ચાલવા જતા હોય છે. ૧૦ ઑક્ટોબરે સવારે સાડાનવથી દસ વાગ્યાની વચ્ચે તેઓ ઘરેથી નીકળ્યા હતા. રાતે હું કામ પરથી આવી ત્યારે મમ્મીએ જણાવ્યું કે પપ્પા ઘરે આવ્યા નથી. આથી અમે રાતભર આખા વિસ્તારમાં તેમની તપાસ કરી અને સંબંધીઓને ત્યાં ફોન કર્યા. એમ છતાં તેમની કોઈ ભાળ મળી નહીં. આથી બીજા દિવસે પોલીસ-સ્ટેશનમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મેં મારી રીતે બે દિવસ તપાસ કરી અને પોલીસ કોઈ પૉઝિટિવ જવાબ આપશે એ વિચારે સામેથી પોલીસને બે દિવસ પછી ફોન કર્યો, પણ કોઈ જવાબ મળ્યો નહીં અને ફક્ત તપાસ ચાલુ છે એટલું જ કહેવામાં આવ્યું. મારા પપ્પાને પાર્કિન્સન્સનો પ્રૉબ્લેમ છે. સાથે છેલ્લા ૬ મહિનાથી મેન્ટલી થોડા ડિસ્ટર્બ થઈ ગયા છે. મારો મોટો ભાઈ એક્સ્પાયર થયો એને ૧૦ વર્ષ થઈ ગયાં છે છતાં છેલ્લા ૬ મહિનાથી પપ્પાને તેની ખૂબ જ યાદ આવે છે. એ દિવસે રાતે સાતથી આઠ વાગ્યા સુધી બિલ્ડિંગની નીચેના દુકાનદારોએ પપ્પાને જોયા હતા એટલે અચાનક તેઓ ક્યાં ગયા હશે એ સમજાતું નથી. મારી મમ્મી ભાનુબહેન, પપ્પા અને હું એમ અમે ત્રણ જ જણ છીએ એટલે મારા પર ઘરની જવાબદારી છે. પોલીસ તપાસ કરીએ છીએ એમ કહેતી હોવાથી મને તેમની પાસે આશાનું કિરણ ઓછું દેખાઈ રહ્યું છે એટલે હું પોતે જ બધે તેમની તપાસ કરી રહી છું. આ માટે હું સમાજની સોશ્યલ સાઇટ્સ સાથે સમાજના લોકોની મદદ પણ લઈ રહી છું તેમ જ પોલીસને વારંવાર ફોન કરીને આ વિશે પૂછપરછ કરી રહી છું. મારા પપ્પાને કોઈએ ક્યાંય જોયા હોય તો ‘મિડ-ડે’ના વાચકોને વિનંતી છે કે તેઓ અમને જાણ કરે.’

ક્યાં સંપર્ક કરશો?

અમરતલાલ ગડાની હાઇટ પાંચ ફૂટ પાંચ ઇંચ છે. તેઓ છેલ્લે વાઇટ ચેક્સ શર્ટ અને ક્રીમ કલરનું બમુર્ડા પહેરીને બહાર ગયેલા. તેમના વિશે કોઈ માહિતી મળે તો જસ્મિન ગડાનો ૮૦૦૭૯ ૩૫૦૬૧ અને ૦૨૫૦૨૩૮૩૮૬૬ નંબર પર અથવા પ્રકાશનો ૯૫૬૧૧ ૮૨૦૨૦ નંબર પર સંપર્ક કરવો.