ડ્રાઇવર કે ડૉક્ટર...

21 December, 2021 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીવીસીએમસીના સીએમઓની અવયવોના વેપાર સંબંધે અરેસ્ટ થયા પછી વિવાદાસ્પદ વિડિયો વાઇરલ ઃ ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર વિડિયોમાં પેશન્ટની સારવાર કરતો દેખાય છે

વિડિયોમાં ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર નીલેશ ભોઇર પેશન્ટની સારવાર કરી રહ્યો છે

દિવાકર શર્મા 
diwakar.sharma@mid-day.com
મુંબઈ ઃ વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (વીવીસીએમસી)ના ચીફ મેડિકલ ઑફિસર સુનીલ વાડકરની શરીરના અવયવોના વેપાર અને ફોર્જરીના આરોપસર ધરપકડ કરાયાના દિવસો બાદ  બે વિડિયો બહાર પડ્યા છે, જેમાં હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર પેશન્ટ્સને તબીબી સારવાર આપી રહેલો જોઈ શકાય છે. જ્યારે પણ સુનીલ વાડકર કે અન્ય મેડિકલ સ્ટાફ હાજર ન હોય ત્યારે નીલેશ ભોઇર પેશન્ટ્સની સારવાર કરતો હોય છે એમ જણાવતાં હૉસ્પિટલનાં સૂત્રોએ ઉમેર્યું હતું કે સુનીલ વાડકરે મોટા ભાગે એવા લોકોને નોકરીએ રાખ્યા છે જેમનું મેડિકલ બૅકગ્રાઉન્ડ ન હોય અને ડૉક્ટર હાજર ન હોય ત્યારે તેઓ પેશન્ટ્સની સારવાર કરી શકે. 
આ સંબંધે નીલેશ ભોઇરનું કહેવું છે કે મેં નર્સિંગનો કોર્સ કર્યો છે અને મારી પાસે એનાં સર્ટિફિકેટ્સ પણ છે. 
માત્ર જખમ સાફ કરતો હતો
‘મિડ-ડે’ પાસેના પેશન્ટ્સની સારવાર કરતા વિડિયો સંદર્ભે ખુલાસો કરતાં તેણે કહ્યું હતું કે એ ઍક્સિડન્ટનો કેસ હતો અને હું માત્ર જખમની સફાઈ કરી રહ્યો હતો. મારી આંખ નબળી હોવાથી મેં હેડગિયર લગાવ્યું હતું. વિરાર પોલીસે તેને બોલાવીને તેનું નિવેદન નોંધ્યું હોવાનું સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. 
સુનીલ વાડકર તેની એમબીબીએસની ડિગ્રી દેખાડી શક્યો ન હોવાથી મીરા-ભાઈંદર વસઈ વિરાર (એમબીવીવી) કમિશનરેટના હ્યુમન ટ્રાફિકિંગ સેલે ગયા અઠવાડિયે તેની ધરપકડ કરી હતી. 
તપાસ દરમ્યાન જણાયું હતું કે સુનીલ વાડકર હૉસ્પિટલ ચલાવવા માટે જેના નામના મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી) રજિસ્ટ્રેશન-નંબરનો ઉપયોગ કરતો હતો એ મેડિકલ પ્રૅક્ટિશનર સતીશ માની મળી નથી રહ્યો એમ જણાવતાં તપાસકર્તા અધિકારી શિવાનંદ દેવકરે ઉમેર્યું હતું કે ‘માનીનું સરનામું બૅન્ગલોરનું છે તથા એમએમસીને તેના રજિસ્ટ્રેશનને રિન્યુ કરવાની કોઈ અરજી મળી નથી. હજી આ કેસમાં ઘણા ખુલાસા કરવાના બાકી છે.’ 
મહત્ત્વના પુરાવાનો નાશ કરાયો
હૉસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું કે ‘વાડકર અને તેના સાથીઓએ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ સહિત મહત્ત્વના પુરાવાઓનો નાશ કર્યો છે. વાડકર પાસે આઇફોન છે, પરંતુ તેની પાસેથી જપ્ત કરાયેલી વસ્તુઓમાં હલકી કક્ષાનો સેલફોન દર્શાવાયો છે. તો આઇફોન ક્યાં છે? પેશન્ટ્સની વિગતો લખેલું રજિસ્ટર ક્યાં છે? કોણ વાડકરની મદદ કરી રહ્યું છે અને શા માટે?
જોકે શિવાનંદ દેવકરે કહ્યું હતું કે ‘અમારી પાસે હૉસ્પિટલનું માત્ર લાઇવ રેકૉર્ડિંગ છે. સીસીટીવી કૅમેરાનું ફુટેજ મેળવી શકાયું નથી. વાડકરની ધરપકડ વખતે તેની પાસે સાદો ફોન હોવાથી અમે આઇફોન કબજે કરી શક્યા નથી. આ બાબતે તપાસ ચાલુ છે.’ 
પૂછપરછ દરમ્યાન વાડકરે હૈદરાબાદની યુનિવર્સિટીમાંથી એમબીબીએસ કર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે હૈદરાબાદ યુનિવર્સિટી પાસેથી એની વિગતો મગાવી છે, જેની રાહ જોવાઈ રહી છે.  
‘મિડ-ડે’ને વીવીસીએમસીનો ૨૦૧૩ની બીજી એપ્રિલનો પત્ર મળ્યો હતો, જેમાં ડૉક્ટર સુનીલ વાડકર અને તેમનાં પત્ની શ્રીમતી ડૉક્ટર આરતી એસ. વાડકરને વિરાર-ઈસ્ટની તેમની હૉસ્પિટલમાં પ્રસૂતિના પાંચ ખાટલા સાથે મૅટરનિટી વૉર્ડ અને નર્સિંગ હોમ ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. 
હૉસ્પિટલ ચલાવવા માટે અધિકૃત નથી 
એક વરિષ્ઠ સરકારી આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે ‘વાડકરની પત્ની ડેન્ટલ સર્જરીમાં બૅચલરની ડિગ્રી ધરાવે છે એથી તેને મૅટરિનટી વૉર્ડ સાથે હૉસ્પિટલ ચલાવવાની પરવાનગી નથી. જોકે રજિસ્ટ્રેશનની મર્યાદા સમાપ્ત થઈ હોવાથી આમ પણ તેઓ હૉસ્પિટલ ચલાવી શકે નહીં.’ 
પાલઘરની જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગ તરફથી ૨૦૨૧ની ૪ મેએ સુનીલ વાડકરનું સર્ટિફિકેટ ઑફ રજિસ્ટ્રેશનને રિન્યુ કરાયું છે, જેના પર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર દયાનંદ સૂર્યવંશીની સહી છે. પોલીસે તેમને હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે, પરંતુ આ બાબતની જાણ થતાં તેઓ રજા પર ઊતરી ગયા છે. 

mumbai mumbai news virar diwakar sharma